Gujarat

ટીપી સ્કીમનો અમલ ઝડપી કરાશે, એક જ વર્ષમાં ટીપી ફાઈનલ કરાશે: મુખ્યમંત્રી

ગાંધીનગર: આજે ગાંધીનગરમાં (Gandhinagar) રાજયના 8 મનપાના કમિ. સાથે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલ દ્વારા બેઠક કરવામાં આવી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ ટાઉન પ્લાનિંગ સ્કીમ સહિતની યોજનાઓ ઝડપી અમલી બનાવવા માટે તાકિદ કરી હતી. એટલું જ નહીં ટી.પી સ્કીમ ત્વરાએ પૂર્ણ કરી ઝિરો પેન્ડન્સી લક્ષ્યાંક માટે સ્પષ્ટ સૂચના આપી હતી. ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ મહાનગરોમાં પડતર રહેલી ટી.પી સ્કીમ ત્વરાએ પૂર્ણ કરી ઝિરો પેન્ડન્સી લક્ષ્યાંક માટે સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે.

બેઠકમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ડ્રાફટ ટી.પી મંજૂર થયાના ૧ વર્ષના સમયગાળામાં ફાઇનલ ટી.પી થઇ જાય તે જરૂરી છે. ડ્રાફટ ટી.પી થી ફાઇનલ ટી.પી સુધીની જે સમસ્યા કે મુશ્કેલી આવે છે તેનું નિવારણ ત્વરાએ લાવવાની માનસિકતા કેળવવા અને એ માટેનું મિકેનિઝમ ઊભું કરવા જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં બધા જ ૮ મહાનગરોની ટી.પી સ્કીમ તથા શહેરી વિકાસની અન્ય યોજનાઓની વિસ્તૃત વિગતો મુખ્યમંત્રી સમક્ષ શહેરી વિકાસ અગ્ર સચિવ મુકેશ કુમાર દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. તદઅનુસાર, રાજ્યના આ મહાનગરોમાં કુલ ૮૭પ ટીપી સ્કીમ બનાવાયેલી છે અને તેમાંથી ૪૦૦ થી વધુ તો જાહેર જનતાની જાણકારી માટે પબ્લિક ડોમેઇનમાં મુકવામાં આવી છે. આ વર્ષના અંત સુધીમાં બાકી રહેલી ૪૭પ પણ પબ્લિક ડોમેઇનમાં મુકવાની દિશામાં શહેરી વિકાસ વિભાગ કાર્યરત છે.

શહેરી વિકાસ અગ્ર સસિવ મુકેશ કુમારે આ બેઠકમાં પ્રેઝન્ટેશન આપતાં વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમિશન સિસ્ટમ શરૂ કરી છે તેમાં અત્યાર સુધી ૧.પ૦ લાખ અરજી મંજૂર થઇ છે. અમદાવાદ મહાનગરમાં તા. ૧ જાન્યુઆરી-ર૦ર૩ થી ઓનલાઇન બી.યુ પરમિશનનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તેની સફળતાના મુલ્યાંકન પછી આવનારા સમયમાં અન્ય મહાનગરોમાં તે અમલી કરાશે એમ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઠેય મહાનગરોની ટાઉન પ્લાનિંગ સ્કીમમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ સહિત EWS, આવાસ યોજના, જાહેર સુવિધાના કામો પણ સમયમર્યાદામાં પૂરા કરવા તાકિદ કરી હતી. આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તથા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top