Madhya Gujarat

આંકલાવના સર્કલ ઓફીસર 6,500ની લાંચ લેતા ઝડપાયા

આણંદ:  આણંદ જિલ્લાના તાલુકા મથક આંકલાવ ખાતે આવેલ મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર (નાયબ મામલતદાર) અને કોમ્પ્યુટર ઓપરેટર સોમવારના રોજ રૂપિયા 6,500ની લાંચ લેતા આણંદ એ.સી.બી. ના ગોઠવાયેલ છટકામાં રંગેહાથ ઝડપાઈ જતા ચકચાર મચી જવા પામી છે.

આંકલાવ તાલુકાના કહાનવાડી ગામે રહેતા તખતસિંહ પઢિયારે કહાનવાડી ગામે સર્વે નં. ૫૯૪ વાળી ૨૫ ગુંઠા જમીન ગઇ તા.૦૬/૧૧/૨૦૨૦ ના રોજ વેચાણ રાખી હતી જેનો દસ્તાવેજ પણ કર્યો હતો.

જેની કાચી નોંધ નં. ૩૨૦૫ પડેલ જમીનના દસ્તાવેજની પાકી નોંધ પ્રમાણિત કરવા સારુ તખતસિંહ પઢિયારે આંકલાવ મામલતદાર કચેરીમાં દસ્તાવેજ તથા જરૂરી કાગળો આપેલ હતા. દરમ્યાન આંકલાવ ઈ-ધરા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટર  તરીકે સેવા આપતા આંકલાવના કમલેશભાઈ પૂનમભાઈ ઠાકોરે ખેડૂત તખતસિંહ પઢિયારને મોબાઇલ ફોન પર સંપર્ક કરી જણાવેલ કે, તમારી નોંધ પ્રમાણિત કરવાની છે તો અમારા ઠક્કર સાહેબને મળી જાવ તેમ કહેતા તખતસિંહ પઢિયાર ગઇ તા.૧૨/૦૧/૨૦૨૧ના રોજ આંકલાવ મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર તથા નાયબ મામલતદાર આકાશ દશરથભાઈ ઠક્કર (રહે. અમદાવાદ) વર્ક-3 ઈ-ધરા કેન્દ્ર આંકલાવને મળ્યા હતા.

દરમ્યાન સર્કલ ઓફીસરે નોંધ પ્રમાણિત કરવા સારુ તખતસિંહ પઢિયાર પાસે રૂ.૯૦૦૦/- ના લાંચની માંગણી કરતા ફરીયાદી તખતસિંહ આ લાંચની રકમ આપવા માંગતા ન હોય એ.સી.બી. ટોલ ફ્રી નં. ૧૦૬૪ ઉપર સંપર્ક કર્યો હતો અને આણંદ એ.સી.બી. પો.સ્ટે. ફરીયાદ આપી હતી.

આ ફરીયાદના આધારે સોમવારના રોજ આણંદ એ.સી.બી. કચેરીના પોલીસ ઈન્સપેક્ટર એમ. એલ. રાજપૂતે લાંચનુ છટકુ ગોઠવ્યુ હતું. જે અંતર્ગત ફરીયાદી તખતસિંહ આંકલાવના સર્કલ ઓફીસર  આકાશ ઠક્કરને મળતા લાંચની રકમ કોમ્પ્યુટર ઓપરેટર કમલેશ ઠાકોરને આપી દેવા જણાવતા ફરીયાદી તખતસિંહ પઢિયાર ઈ-ધરા કેન્દ્રના કોમ્પ્યુટર ઓપરેટર કમલેશભાઈ ઠાકોરને મળ્યા હતા.

 અને રકઝક કરી રકમ થોડી ઓછી કરો તેમ કહેતા કમલેશ ઠાકોરે ફરીથી સર્કલ ઓફીસર આકાશ ઠક્કરને મળીને પરત આવી ફરીયાદી તખતસિંહ પાસેથી  રૂ. ૬૫૦૦/- ની લાંચની માંગણી કરતા જ એ.સી.બી.ના ગોઠવાયેલ લાંચના છટકામાં લાંચની રકમ સ્વિકારી એક બીજાની મદદગારી કરતા સર્કલ ઓફીસર આકાશભાઈ ઠક્કર અને કોમ્પ્યુટર ઓપરેટર કમલેશભાઈ ઠાકોર એ.સી.બી.ના ગોઠવાયેલ છટકામાં આબાદ રીતે રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top