Comments

ઉજવણી ઉજવણી રમી લીધું! હવે?

રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રભાવના, રાષ્ટ્રગૌરવ જેવી બાબતો અમૂર્ત હોય છે, જે કોઈ એક કે બે મુદ્દાઓમાં સમાઈ જતી નથી. તેનો વ્યાપ બહોળો હોય છે. કેવળ રાષ્ટ્રધ્વજ ફરકાવવો આ બધાની સૌથી સીધી અને સરળ અભિવ્યક્તિ કહી શકાય, કેમ કે, એટલું કરી દીધા પછી કરવા જેવું ઘણું બધું કરવામાંથી છૂટી જઈ શકાય છે. અંગ્રેજી શાસન વખતે આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવો એ સાહસનું, જોખમનું અને જીવસટોસટનું કાર્ય હતું.

હવે સ્વાતંત્ર્યતાના પંચોતેર વર્ષ પછી સ્વાભાવિકપણે જ આ કાર્ય રાષ્ટ્રપ્રેમની અભિવ્યક્તિમાં સમેટાઈ ગયું છે. રાષ્ટ્રધ્વજનું અપમાન રાષ્ટ્રનું અપમાન ગણાતું હોવાથી તેને લગતી આચારસંહિતા અત્યંત ચુસ્ત હતી અને વ્યક્તિગત ધોરણે કોઈ નાગરિક રાષ્ટ્રધ્વજને ફરકાવી શકતો નહીં. હરિયાણાના ઉદ્યોગપતિ નવીન જિંદાલે લાંબી અદાલતી લડત પછી વ્યક્તિગત રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી શકાય એવી જાગવાઈ કરાવવામાં સફળતા મેળવી. અલબત્ત, તેનાથી રાષ્ટ્રધ્વજને લગતી આચારસંહિતામાં કશો ફેરફાર થયો નહોતો.

દેશના સ્વાતંત્ર્યના અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી હોય ત્યારે નાગરિકોના મનમાં તેની ઉજવણી બાબતે ઉત્સાહ હોય એ સમજી શકાય એવી બાબત છે, કેમ કે, ઉજવણીઓ આમ પણ આપણા દેશના કેન્દ્રમાં છે, અને હવે તો તમામ ઉજવણી સરકારી રાહે થતી હોવાથી બારે માસ ઉજવણીઓ અને ઉત્સવનો માહોલ રહેતો હોય છે. ઉજવણીઓનું સુખ એ હોય છે કે એ પાયાની અને વાસ્તવિક સમસ્યાઓ પરથી ધ્યાન હટાવી દેવામાં બહુ મદદરૂપ બની રહે છે. ઉજવણીઓ રાજકીય ધોરણે યોજાતી રહે ત્યારે એનો મુખ્ય હેતુ જ આ હોય છે.

પંચોતેર વર્ષનો સમયગાળો કોઈ મનુષ્યના જીવનકાળ તરીકે વધુ કહી શકાય, પણ એક રાષ્ટ્ર માટે તે એટલો લાંબો ગણાવી ન શકાય, કેમ કે, રાષ્ટ્રની ચેતનાનું ઘડતર સદીઓ લગી સતત ચાલતી રહેતી પ્રક્રિયા છે. અનેક સાંસ્કૃતિક, ઐતિહાસિક ઘટનાઓ તેને ઘડતી રહે છે. સદીઓ સુધી પરાધીન રહ્યા પછી મળતી સ્વાધીનતા સુખનો અહેસાસ કરાવે છે, પણ તેની સાથે વધુ મોટી જવાબદારી સંકળાયેલી રહે છે. આપણા દેશમાં અંગ્રેજી શાસને હિન્દુ-મુસ્લિમ એકતાના મુદ્દે પ્રજાને વિભાજીત કરવામાં સફળતા મેળવી, પણ એનાથી સમસ્યાનો ઉકેલ આવ્યો નહીં. આથી સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી પણ એ સમસ્યા જખમની જેમ દૂઝતી જ રહી. અલબત્ત, દેશના સ્વાતંત્ર્યનાં પંચોતેર વર્ષ પછી હવે અંગ્રેજાને એકલાને એ બાબતે દોષી ઠેરવી શકાય એમ નથી. બીજી એક બાબત આપણો કાયમી દૂઝતો જખમ બની રહી એ છે વર્ણવ્યવસ્થા. પ્રાચીન કાળમાં તે જે કારણે અસ્તિત્વમાં આવી હોય એ ખરી, પણ તે દિનબદિન વધુ ને વધુ સંકુચિત બનતી રહી. આ બાબતે અંગ્રેજોને પણ દોષ દઈ શકાય એમ નથી.

આઝાદીના અમૃત પર્વની ઉજવણીના દિવસો દરમિયાન રાજસ્થાનમાં બનેલી એક ઘટના પ્રસાર માધ્યમોમાં ચમકી. ઈન્દ્ર મેઘવાળ નામના, માત્ર નવ વર્ષના એક વિદ્યાર્થીને તેની શાળાના આચાર્યે એવો ફટકાર્યો કે આખરે તે મરણને શરણ થયો. આ વિદ્યાર્થી દલિત હોવાનું બહાર આવ્યું, અને એક વાત એવી પણ ચાલી કે શિક્ષકો માટે અલાયદા રખાયેલા પાણીના માટલામાંથી તેણે પાણી પીધું હોવાને કારણે આચાર્ય અકળાયા. અલબત્ત, દિવસો વીતે એમ એમાં નવાં નવાં સ્તર ઉમેરાતાં રહે છે, અને હજી એમ થતું રહેશે, છતાં એ હકીકત અફર રહેશે કે માત્ર નવ વર્ષના વિદ્યાર્થીનું મૃત્યુ એક આચાર્યના મારને કારણે થયું. આ ઘટના અલબત્ત, છૂટક છે, અને તેનું સામાન્યીકરણ કરી શકાય નહીં. આમ છતાં, એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે વર્ણગત ભેદભાવ આપણા દેશમાં હજી વ્યાપક છે. આવા કિસ્સા વખતોવખત પ્રકાશમાં આવતા રહે છે. ગુજરાતનાં અનેક ગામોમાં દલિત લગ્ન જેવા પ્રસંગે ઘોડે ચડે ત્યારે તેમને કરવામાં આવતી હેરાનગતિ સામાન્ય બાબત છે. આ દર્શાવે છે કે વર્ણભેદનાં મૂળ હજી દેશના નાગરિકોના મનમાં કઈ હદે જડ ઘાલી ગયેલાં છે.

પોતાની જાતને દેશના નાગરિક ગણવાને બદલે અમુકતમુક જાતિ કે કોમના પ્રતિનિધિ તરીકેની ઓળખ અને એમ હોવા બદલનો મિથ્યા ગર્વ આવી દુર્ઘટનાઓને જન્મ આપતો રહે છે. આઝાદીનાં પંચોતેર વર્ષ પછી પણ ગટરની સફાઈ માટે સફાઈ કામદારોએ અંદર ઉતરવું પડે અને એમ કરતાં તેમનું મૃત્યુ થાય એ સામાન્ય બાબત છે. અંગ્રેજો વિદેશી શાસક હતા અને ભારત જેવા વિશાળ દેશ પર શાસન કરવા માટે દેશના લોકો વિભાજીત રહે તો તેમને લાભ થાય એમ હતો. આપણા દેશના નેતાઓ પોતાની ખુરશી ટકાવવા માટે નાગરિકોને મતબૅન્ક ગણે અને તેમને એક યા બીજા મુદ્દે વિભાજીત રાખવાનો પ્રયત્ન કરે, એટલું જ નહીં, એમાં સફળ પણ થતાં રહે એ સૂચવે છે કે નાગરિક તરીકે હજી આપણું ઘડતર થવું ઘણે અંશે બાકી છે.

શાસકો પાસે જવાબદારીની અપેક્ષા રાખવાને બદલે તેમના તરંગોને અનુસરવું અને એને જ રાષ્ટ્રગૌરવ માની લેવું એ બહુ આશ્વસ્ત કરનારું પલાયન છે. એમ કરવાથી આપણા ભાગે ઉજવણી સિવાય કશું કરવાનું આવતું નથી અને રાષ્ટ્રગૌરવ જાળવવાની ‘કીક’આવે એ અલગ! બાકી નાગરિક તરીકે આપણે એટલું યાદ રાખવું જરૂરી છે કે રાષ્ટ્રભક્તિનો પુરાવો નાગરિકોએ નહીં, શાસકોએ આપવાનો હોય! અને રાષ્ટ્રભક્તિ કેવળ પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવી દેવામાં સમાઈ જતી નથી. વર્ષના બે જ દિવસ નહીં, એ આખું વરસ અને સતત ચાલતી રહેતી ભાવના હોય છે. નાગરિક તરીકે પહેલાં આપણે આટલું યાદ રાખીશું તો આપણે આપણા નેતાઓને પણ એ યાદ અપાવી શકીશું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top