SURAT

23 વિદ્યાર્થીએ GSEBમાં ધો.11 સાયન્સમાં એ ગ્રુપમાં પ્રવેશ લેતાં 12 શાળાને રૂ.1.15 લાખનો દંડ

સુરત: સીબીએસઇમાં (CBSC) બેઝિક મેથ્સ સાથે ધો.10 પાસ કરનારા વિદ્યાર્થીઓએ ગુજરાત શિક્ષણ બોર્ડની (Gujarat Education Board) ધો.10ની ગણિતની મુખ્ય જાહેર પરીક્ષા પાસ કરવાની હતી અને તે પછી જ ધો.11 વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપમાં પ્રવેશ આપવાનો હતો. પરંતુ શહેરની 12 શાળાએ 23 વિદ્યાર્થીને પ્રવેશ આપ્યો હતો. જેને કારણે ગુજરાત શિક્ષણ બોર્ડે પ્રવેશ આપનારી સ્કૂલને વિદ્યાર્થી દીઠ રૂ.5 હજારનો દંડ (fine) કર્યો હતો. આમ, 12 શાળાને રૂ.1.15 લાખનો દંડ થયો હોવાનું જાણવામાં આવે છે.

સુરત સહિતની રાજ્યભરની સ્કૂલોને પરિપત્ર કરવામાં આવ્યો
ગુજરાત શિક્ષણ બોર્ડે જિલ્લા શિક્ષણાધિકારીને આદેશ કર્યો હતો કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ એજ્યુકેશનમાં બેઝિક ગણિત સાથે ધોરણ-10 પાસ કરનારા વિદ્યાર્થીઓને ગુજરાત શિક્ષણ બોર્ડમાં ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપમાં પ્રવેશ આપી શકાય નહીં. પણ વિદ્યાર્થીએ પ્રવેશ લેવો હોય તો તેણે ગુજરાત શિક્ષણ બોર્ડની ધોરણ-10ની ગણિતની મુખ્ય જાહેર પરીક્ષા પાસ કરવાની રહેશે. આ મામલે ગુજરાત શિક્ષણ બોર્ડની સુરત સહિતની રાજ્યભરની સ્કૂલોને પરિપત્ર કરવામાં આવ્યો હતો. પણ સ્કૂલોએ પરિપત્રનું પાલન નહીં કરીને સેન્ટ્રલ એજ્યુકેશન બોર્ડમાં બેઝિક ગણિત સાથે ધોરણ-10 પાસ કરનારા વિદ્યાર્થીઓને ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપમાં પ્રવેશ આપ્યો છે.

12 શાળાને જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થી દીઠ રૂ.5 હજારનો દંડ
આમ, આવા પ્રવેશને માન્ય રખાશે નહીં. જેથી તેની તપાસ કરવી અને તે સ્કૂલ પાસેથી વિદ્યાર્થી દીઠ રૂ.5000 દંડ લેવાનો રહેશે. દરમિયાન તપાસમાં શહેરની 3 શાળાએ 3 વિદ્યાર્થીને એ-ગ્રુપમાં અને 9 શાળાએ 20 વિદ્યાર્થીને બી-ગ્રુપમાં પ્રવેશ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ 12 શાળાને જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થી દીઠ રૂ.5 હજારનો દંડ ગુજરાત શિક્ષણ બોર્ડના નામથી ડિમાન્ડ ડ્રાફ્ટથી ભરવા સૂચના આપી છે.

હવે યુનિવર્સિટી યુજી અને પીજીમાં વિદેશીઓ માટે 25% વધારાની બેઠક રાખી શકશે

સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત સહિતની યુનિવર્સિટીઓ અંડર ગ્રેજ્યુએટમાં અને પોસ્ટ ગ્રેજ્યુએટમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે 25% વધારાની બેઠક રાખી શકશે. એટલું જ નહીં, વિદેશી વિદ્યાર્થીઓને સિસ્ટમમાં દાખલ કર્યા વિના પણ સીધું જ એડમિશન આપી શકાશે. જે મામલે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને નોટિફિકેશન પણ જાહેર કર્યું છે.પ્રાપ્ત માહિતી અનુસાર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન ભારતમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા વધારવાની કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત અનેક ફેરફારો કરી રહી છે. તાજેતરની યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સોમાં વિદેશી વિદ્યાર્થીઓની માટે વધારાની 25% બેઠક રાખી શકાશે.

Most Popular

To Top