Dakshin Gujarat

બારડોલીમાંં ઈકો કારે બાઈકને ટક્કર મારતા યુવકનું કરૂણ મોત

બારડોલી: બારડોલી (Bardoli) તાલુકાના મોતા ગામ નજીક ઇકો કારની (Eco Car) ટક્કરે મોટરસાઇકલ સવાર એક યુવકનું મોત (Death) નીપજ્યું હતું. જ્યારે અન્ય બે યુવકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના બાબેન ગામે શિવમનગર સોસાયટીમાં રહેતા રાજેન્દ્ર નાગરમલ સૈની (ઉં.વ.28) તેના મિત્રો કપિલ બાબુલાલ નારોલિયા અને વિનોદ બનવારી લાલ સૈની સાથે મોટરસાઇકલ પર મોતા ગામ તરફ જતા હતા. મોટરસાઇકલ રાજેન્દ્ર ચલાવી રહ્યો હતો.

મોતા-બારડોલી રોડ પર ગોકુલમ બંગ્લોઝ નજીક એક ઇકો કારે તેમની મોટરસાઇકલને અડફેટે લીધી હતી. અકસ્માતમાં રાજેન્દ્રને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે કપિલ અને વિનોદને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અકસ્માત અંગે મૃતકના સંબંધી વિજય સૈનીએ બારડોલી ગ્રામ્ય પોલીસમથકમાં ઇકો કારચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પારડીમાં અજાણ્યા વાહને અડફેટે લેતા બે વાછરડાના મોત
પારડી : પારડી GIDCમાં શુક્રવારે કોઈ અજાણ્યા ભારે વાહને અડફેટે લેતા બે વાછરડાના મોત નિપજ્યા હતા. ઘટનાની જાણ પારડીના ગૌરક્ષકની ટીમને કરાતાં તાત્કાલિક જીવદયા પ્રેમી રઘુ ભરવાડ, કીર્તિ ભંડારી, અમિત પટેલ, બાલદાના સરપંચ રાહુલ પટેલ તેમજ સ્થાનિક લોકો મદદે આવી પહોંચ્યા હતા. ત્યારબાદ બે મૃત વાછરડાને ખસેડવાની કાર્યવાહી સરપંચની ટીમે જેસીબી મંગાવી દફન કરવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના અંગે પારડી પોલીસને પણ જાણ કરતા તેઓએ આવી તજવીજ હાથ ધરી હતી. ત્યારે બેફામ હાંકારતા વાહનો સામે ગૌ પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો હતો.

દશેરાના દિવસે ચોર્યાસી તાપી નદીમાં નાહવા પડેલા પાંચ પૈકી ડૂબી ગયેલા એકની લાશ મળી
કામરેજ: બે દિવસ અગાઉ દશેરાના દિવસે ચોર્યાસી તાપી નદીમાં નાહવા માટે ગયેલા પાંચ મિત્રો પૈકી એક મિત્ર ડૂબી જતાં શુક્રવારે સવારે નદી કિનારેથી મૃતદેહ મળી આવ્યો હતો. મૂળ વેસ્ટ બેંગાલના નાદિયાના ધોરાધાના વતની અને હાલ સુરતના કામરેજના ચોર્યાસીની હદમાં આવેલા વિજય હોટલના કોમ્પ્લેક્સમાં ભાડાના મકાનમાં રહેતો અને આંબોલી ટાટા અંબિકામાં નોકરી કરતો દેવનાથ નબકુમાર રજક (ઉં.વ.27) બે દિવસ અગાઉ દશેરાના દિવસે કામ ઉપર રજા હોવાથી ચોર્યાસી ગામે આવેલી સૂર્યપુત્રી તાપી નદીમાં નાહવા માટે સાંજે 4.30 કલાકે મિત્રો ગોપાલ, રાજુ, નટુ તથા રતિ માટે સાંજના ગયા હતા. નાહતા નાહતા નદીના ઊંડા પાણીમાં ડૂબી જતાં સાથી મિત્રોએ દેવનાથના સંબંધી કાકા ધીરેન્દ્રનાથને જાણ કરતાં તુરંત જ તાપી નદીના કિનારે પાણીમાં શોધખોળ કરતાં કોઈ ભાળ ન મળતાં શુક્રવારે સવારે 10.30 કલાકે ચોર્યાસી તાપી નદીના કિનારે દેવનાથનો મૃતદેહ મળી આવતાં કામરેજ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top