Editorial

કેન્સરની રસી હાથવેંતમાં, માનવજાત માટે આશીર્વાદરૂપ પુરવાર થશે

વિશ્વમાં અનેક રોગ છે પરંતુ જો કોઈ સૌથી મોટો રોગ હોય તો તે કેન્સર છે. છેલ્લા કેટલાક સમયથી વિશ્વભરમાં કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને હવે તે એ હદે પહોંચી છે કે જે ભારે ચિંતાજનક છે. મોતના કારણોમાં હ્રદય રોગ પછી બીજા ક્રમે કેન્સર છે. 2020માં થયેલા એક સરવે પ્રમાણે કેન્સરને કારણે દર વર્ષે 1 કરોડ લોકોના મોત થાય છે. દર વર્ષે બ્રેસ્ટ કેન્સરને કારણે 22.6 લાખ , ફેફસાના કેન્સરને કારણે 22.1 લાખ , કોલોન અને રેક્ટમ કેન્સરને કારણે 19.30 લાખ , પ્રોસ્ટેટ કેન્સરને કારણે 14.10 લાખ , સ્કીન કેન્સરને કારણે 12 લાખ અને પેટના કેન્સરને કારણે 10.9 લાખ નવા કેસ નોંધાઈ છે. જ્યારે જે મોત થાય છે તેમાં ફેફસાના કેન્સરને કારણે 18 લાખ, કોલોન અને રેક્ટમ કેન્સરને કારણે 9 લાખ, લિવરના કેન્સરને કાકરણે 8.30 લાખ અને બ્રેસ્ટ કેન્સરને કારણે 6.82 લાખ લોકોના મોત થાય છે.

દર વર્ષે 4 લાખ બાળકોમાં કેન્સર ડેવલપ થાય છે. જેમાં વિશ્વના 23 દેશોમાં સર્વાઈકલ કેન્સરનો વ્યાપ જોવા મળી રહ્યો છે. એક વખત કેન્સર થયા બાદ તેમાંથી રિકવરી થવી ખૂબ જ અઘરી હોય છે. માણસ જો જીવી જાય તો પણ તેનું શરીર કેન્સરની સામે ઝીંક ઝીલવામાં નબળું પડી જાય છે. આ કારણે જ જેને કેન્સર થયું તે માણસનું જીવન કેન્સલ થઈ ગયું તેવી લોકોમાં માન્યતા છે. કેન્સરની ટ્રીટમેન્ટ ખૂબ જ અઘરી અને મોંઘી હોવાને કારણે સામાન્ય પરિવારો કેન્સરની સામે લડી પણ શકતા નથી. જોકે, હવે કેન્સરની ભયાનકતાનો અંત આવી જશે તેવી આશા ઊભી
થઈ છે.

રશિયાના વૈજ્ઞાનિકો દ્વારા કેન્સરના રોગથી બચી શકાય તે માટે રસી તૈયાર કરવામાં આવી રહી છે. ખૂદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ અંગેની જાહેરાત કરી છે. જેને કારણે કેન્સરના દર્દીઓની સાથે કરોડો લોકોને હાશકારો થયો છે. મોસ્કો ફોરમ ઓન ફ્યુચર ટેકનોલોજી કાર્યક્રમમાં પુતિને આ જાહેરાત કરી હતી. પુતિને જોકે, આ રસી ક્યારે ઉપલબ્ધ થશે તેની વિગતો જાહેર કરી નથી અને આ રસીથી કયા કેન્સરની સામે રક્ષણ મળશે તે પણ જણાવ્યું નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે કેન્સરથી હવે બચી શકાશે તેવી આશા જરૂર બંધાઈ છે.

અગાઉ અમેરિકા દ્વારા પણ સપ્ટે., 2023માં અમેરિકામાં કેન્સરની દવાનું માનવીય પરિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે અમેરિકાના વૈજ્ઞાનિકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ દવા શરીરના સ્વસ્થ કોષોને નુકસાન પહોંચાડ્યા વિના કેન્સરની ગાંઠોને સંપૂર્ણપણે ખતમ કરી શકે છે.  વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે દવાનું નામ 1996માં જન્મેલી એના ઓલિવિયા હીલીથી પ્રેરિત છે. તેમને ન્યુરોબ્લાસ્ટોમા નામનું કેન્સર હતું. એના 2005 માં અવસાન થયું. તે 9 વર્ષની હતી. ન્યુરોબ્લાસ્ટોમા એ કેન્સર છે જે બાળકોમાં થાય છે.

આ એડ્રેનલ ગ્રંથીઓનું કેન્સર છે, જે પેટ, છાતી અને ગરદનના હાડકાંમાં વિકસે છે. એક વૈજ્ઞાનિકે કહ્યું- અમે નવ વર્ષની અના ઓલિવિયા હીલીને શ્રદ્ધાંજલિ આપવા માટે નવી કેન્સરને મારનારી દવાનું નામ AOH1996 રાખવામાં આવ્યું હતું. અગાઉ બ્રિટિશ સરકારે પણ કેન્સરની રસી માટે જર્મનીની બાયોએનટેક કંપની સાથે કરાર કર્યો હતો. જેમાં 2030 સુધીમાં કેન્સરના 10 હજાર દર્દીઓની સારવાર કરવાનો ટાર્ગેટ નક્કી કરાયો હતો. મોડર્ના અને મર્ક કંપનીઓ સ્કીન કેન્સરની રસી બનાવી રહી છે તેવો દાવો કરાયો હતો.

ભારતમાં 2022માં કેન્સરના આશરે 14.13 લાખ કેસ નોંધાયા હતા. જેમાં 7.22 લાખ મહિલા તેમજ 6.91 લાખ પુરૂષોનો સમાવેશ થતો હતો. ભારતમાં આ વર્ષમાં કેન્સરને કારણે 9.16 લાખ દર્દીના મોત થયા હતા. અગાઉ એવું માનવામાં આવતું હતું કે, ભારતમાં પાંચ વર્ષમાં કેન્સરના દર્દીઓમાં 12 ટકાના દરે વધારો થઈ શકે છે. આ કારણે કેન્સર સામેની રસીથી વિશ્વના લોકોને તો રક્ષણ મળશે જ પરંતુ ભારતના દર્દીઓને તેનો મોટો ફાયદો થવાની સંભાવના છે. આખું વિશ્વ કેન્સરની રસી બનાવવા માટે મહેનત કરી રહ્યું છે ત્યારે ભારતના વૈજ્ઞાનિકોએ પણ કોરોનાની રસીની જેમ કેન્સરની રસી શોધશે તો ભારતની સાથે આખા વિશ્વ માટે મોટી મહેરબાની પુરવાર થશે તે નક્કી છે.

Most Popular

To Top