Gujarat

સુરત સહિત પાંચ મહાનગરોમાં આભને આંબતા હાઇરાઇઝડ બિલ્ડીંગ્સ સ્ટ્રકચરના નિર્માણનો નવો યુગ શરૂ થશે

રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર પાંચ મહાનગરોમાં સ્કાય રાઇઝડ આઇકોનિક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-૨૦૧૭ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ આ જાહેરનામાને મંગળવારે શહેરી વિકાસ વિભાગે આખરી મંજુરી આપી છે. ટોલ બિલ્ડીંગ –ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સનું આખરી જાહેરનામું પ્રસિધ્ધ થવાની સાથે જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન અને સત્તા મંડળો દ્વારા ગગનચુંબી ઈમારતોને મંજૂરી આપી શકાશે.

ગત તારીખ ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ના દિવસે રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ, ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી આપવા માટેની જાહેરાત કરવા સાથે પ્રાથમિક જાહેરનામું-પ્રાયમરી નોટિફીકેશન મંજૂર કર્યુ હતું અને આ સંદર્ભમાં વિભાગ દ્વારા વાંધા-સૂચનો મંગાવવામાં આવેલા હતા. આ પ્રાથમિક જાહેરનામા સંદર્ભે આવેલા વાંધા સૂચનો ધ્યાને લીધા બાદ હવે, ગગનચૂંબી ઇમારતો હાઇરાઇઝડ બિલ્ડીંગ સ્ટ્રકચરના નિર્માણ અંગેના જાહેરનામાને આખરી-ફાયનલ મંજૂરી આપી છે. આ મંજૂરી મળતા રાજ્યના પાંચ મહાનગરોમાં આભને આંબતા હાઇરાઇઝડ બિલ્ડીંગ્સ સ્ટ્રકચરના નિર્માણનો નવો યુગ શરૂ થશે.

વધુ નવી ટીપી સ્કીમોને મંજૂરી
આજે સીએમ વિજય રૂપાણીએ શહેરી વિકાસને આગળ ધપાવતા વધુ ત્રણ ફાયનલ ટી.પી સ્કીમ અને બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ પર મંજૂરીની મહોર લગાવી છે. જેમાં બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમમાં ભાવનગર શહેરની ટી.પી.સ્કીમ નં ૩૦ (ચિત્રા) તથા શામળાજી મંદિર પરિસર તથા આસપાસના વિકાસ માટે જરૂરી ફેરફારો સાથેની ટી.પી.સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદની ફાઈનલ ટી.પી.સ્કીમ નં ૫૧ (પૂર્વ ખોખરા-મહેમદાબાદ), મેમનગર નં-૧ (સેકન્ડ વેરીડ) તથા ગાંધીનગરની ફાઈનલ ટી.પી.સ્કીમ નં. ૯/બી (વાસણા-હડમતીયા-સરગાસણ-વાવોલ)નો સમાવેશ થાય છે.

Most Popular

To Top