Editorial

રાજ્યમાં કોરોના અને સરકારી મેળાવડા બંને બેકાબૂ

કોરોના કાબૂમાં આવી ગયો ત્યારે પણ લોકો તો કાબૂમાં રહીને જ મર્યાદામાં જ તેમના પ્રસંગો ઉજવી રહ્યાં હતા પરંતુ જો કોઇ બેકાબૂ બની ગયું હોય તો તે રાજકીય નેતાઓ હતાં. મહિનાઓ સુધી લોકોના મોબાઇલ ફોનમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવાના ભાષણની કેસેટ માથા પર ઠોકનાર સરકારના મંત્રીઓ અને રાજકીય નેતાઓ જ બેકાબૂ બની ગયા હતાં. લોકોનું જે થવાનું હોય તે થાય પરંતુ સ્નેહમિલનના નામે ઠેર ઠેર તાયફાઓ થઇ રહ્યાં હતાં અને તેના પરિણામ સ્વરૂપે જ હવે કોરોના ફરીથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે.

હવે કોરોના વધી રહ્યો છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નામે ફરીથી સરકારી બાબુઓ સામાન્ય લોકોની કનડગત શરૂ કરશે. આ એજ સરકારી બાબુઓ હશે જે રાજકીય મેળવડામાં જ્યારે હજારો લોકો એકત્ર થયા ત્યારે આંખે પાટા બાંધીને બેઠા હતાં. અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદ હવે કોરોનાની ત્રીજી લહેર તરફ આગળ વધી રહયુ છે , જેના પગલે અમદાવાદના માથે જોખમ તોળાઈ રહયુ છે. અમદાવાદ મનપામાં નવા 52 કેસો નોંધાયા છે. જયારે સમગ્ર રાજયમાં કોરોનાના 177 કેસો નોંધાયા છે.

જયારે 66 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 8,29,359 જેટલા કેસો નોંધાયા છે. હાલમાં રાજયમાં 948 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી  10 દર્દીઓ વેન્ટિલેટર પર છે.જયારે 938 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. આ ઉપરાંત ઓમિક્રોન વેરિઅન્ટની વાત કરીએ તો તેની સ્થિતિ પણ સારી નથી. રાજયમાં ઓમીક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી. જયારે રાજયમાં ઓમીક્રોનના કુલ કેસોની સંખ્યા વધીને 49 સુધી પહોચી જવા પામી છે. જયારે 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે. ઓમીક્રોનથી રાજયમાં એક પણ દર્દીનું મૃત્યુ થયુ નથી. વિશ્વમાં ઓમીક્રોનના હાહાકાર વચ્ચે રાજયમાં ફરી એકવાર કોવિડના દર્દીઓનો આંકડો વધવા માંડયો છે.

શરૂઆતમાં તો એક સમયે એક-બે દર્દીઓ પુરતો સીમીત થયેલા કોરોનાના કેસ ફરી એકવાર બે આંકડા સુધી પહોંચી ગયા છે. છતાં સરકાર કે રાજકીય પક્ષો સમજતા નથી અને કાર્યક્રમો પર કાર્યક્રમોના આયોજન થઇ રહ્યાં છે જયારે બીજી બાજુ કેન્દ્ર અને રાજય સરકારે ફરી એકવાર સામાજિક-ધાર્મિક તહેવારો અને ઉત્સવની ઉજવણી પર ભીડ ભેગી થાય તો સંક્રમણ વધતુ હોવાના નામે નિયંત્રણો મુકવા શરૂ કરી દીધી છે. પરંતુ કોવિડના નિયમો મુદ્દે સરકારની કાટલા જુદા જુદા હોય તેમ સરકારી કાર્યક્રમો અને આયોજનોમાં બેફામ ભીડ ભેગી થતી હોવા છતા તેની સામે આંખ આડા કાન કરી ઉપરા-છાપરી આયોજનો થઇ રહયા છે જે સરકારની બોદી નીતીની પ્રતિતિ કરાવી રહી છે.

સરકારની બેવડી નિતીની વાત કરીએ તો સુરતમાં એક બાજુ મનપા દ્વારા સુરતીલોકોના મનોરંજન માટે ખુલ્લામાં યોજાતા ગોપી કાર્નિવલ અને પંતગ મહોત્સવનું આયોજન રદ સતત બીજા વર્ષે રદ કર્યા છે. તો બીજી બાજુ શુક્રવારે ઇન્ડોર સ્ટેડીયમ કે જયા બંધ જગ્યા હોવાથી સંક્રમણ વધવાનો ભય છે તે જગ્યા પર સુશાસન દિવસની ઉજવણી માટે હજારો સફાઇકામદારોને સાંસદ સી.આર.પાટીલના હસ્તે સન્માનવાનો કાર્યક્રમ યોજાઇ રહયો છે. તો રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં સાયકલોથોન, તાપી પુજન, અને 200 કરોડથી વધુના પ્રોજેકટના ખાતમુહુર્ત લોકાપર્ણ સહીત કાર્યક્રમોની હારમાળા યોજાનાર છે જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, પદાધિકારીઓ, લાભાર્થીઓ વગેરે ભેગા થશે. તેમાં જાણે કોરોનાના સંક્રમણને વધવા પર પ્રતિબંધ હોય તેવુ નેતાઓ માની રહ્યાં છે.

Most Popular

To Top