Entertainment

ગદર-2ના તોફાનમાં પણ અક્ષય કુમારની OMG-2 હિટ બની, ‘રોકી ઓર રાની’ને પણ પછાડ્યું

મુંબઇ: હાલ બોક્સ ઓફિસ (Box Office) પર ગદર 2 અને OMG 2 બંને ફિલ્મો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જો કે ‘ગદર 2’ આ યુદ્ધ સીધું જીતી રહી છે, પરંતુ અક્ષય કુમાર (Akshay kumar) ની ‘OMG 2’ પણ મેદાનમાં મક્કમ રીતે ઉભી છે. આ બંને ફિલ્મ એકસાથે 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રીલિઝ (Release) થઇ હતી. જો કે આ બંને ફિલ્મોની રેસમાં ગદર-2એ બાજી મારી છે પરંતુ ઓએમજી-2 પર હાર માની નથી. અત્યાર સુધીમાં ગદર-2એ 284 કરોડની કમાણી (Collection) કરી છે.

ગદર 2 ની જંગી કમાણી સામે OMG 2 પણ દબાઇ નથી. કલેક્શનની વાત કરીએ તો અક્ષય કુમારની OMG 2 પણ હિટ ફિલ્મોની યાદીમાં સામેલ થવા જઈ રહી છે. આ ફિલ્મે અત્યાર સુધીમાં 85 કરોડનો બિઝનેસ કર્યો છે અને ટૂંક સમયમાં તે 100 કરોડ ક્લબમાં પ્રવેશ કરશે.

અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીની ફિલ્મે શાનદાર ઓપનિંગ વીકએન્ડ પછી સપ્તાહના મધ્યમાં મજબૂત કમાણી કરવાનું ચાલુ રાખ્યું હતું. સ્વતંત્રતા દિવસની રજાથી ફિલ્મને મોટો વધારો મળ્યો અને તેના બોક્સ ઓફિસ કલેક્શનના આંકડા સતત વધતા ગયા. ગુરુવારના ટ્રેડ રિપોર્ટ્સ, એટલે કે ‘OMG 2’ ના સાતમા દિવસે દર્શાવે છે કે ફિલ્મ હજુ પણ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. સાતમા દિવસે ફિલ્મે 5.58 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે જ એક સપ્તાહમાં ‘OMG 2’ની કુલ કમાણી 85 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.

OMG 2 એ એક અઠવાડિયામાં જેટલી કમાણી કરી છે તે આ વર્ષની ઘણી મોટી બોલિવૂડ હિટ ફિલ્મો કરતાં વધુ સારી છે. 2023 ની સૌથી મોટી આશ્ચર્યજનક હિન્દી હિટ, ‘ધ કેરળ સ્ટોરી’ એ પ્રથમ 7 દિવસમાં બોક્સ ઓફિસ પર રૂ. 81 કરોડથી થોડી વધુ કમાણી કરી હતી. જ્યારે કરણ જોહરની ‘રોકી એન્ડ રાની કી પ્રેમ કહાની’એ પહેલા સપ્તાહમાં 73.33 કરોડની કમાણી કરી હતી. રણબીર કપૂર-શ્રદ્ધા કપૂરની ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કાર’નું પ્રથમ સપ્તાહનું કલેક્શન લગભગ 93 કરોડ રૂપિયા હતું. પરંતુ બુધવારે રિલીઝ થયેલી આ ફિલ્મના પહેલા અઠવાડિયાના કલેક્શનમાં 9 દિવસની કમાણી સામેલ છે. રણબીરની ફિલ્મે પહેલા 7 દિવસમાં 82 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘સત્યપ્રેમ કી કથા’ અને ‘જરા હટકે જરા બચકે’ જેવી હિટ ફિલ્મો પ્રથમ સપ્તાહમાં કમાણીના મામલામાં ‘OMG 2’થી ઘણી પાછળ છે.

Most Popular

To Top