SURAT

‘લે ઈમરાન માર’, સુરતમાં આપના કોર્પોરેટર પર ભાજપના કાર્યકર્તાઓનો હુમલો

સુરત(Surat) : સુરત ખાતે આવેલી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (Veer Narmad South Gujarat University) યોજાઈ ગયેલી સેનેટ (Senate) ચૂંટણીની (Election) બબાલ (Fight) હવે પોલીસના ચોપડે પહોંચી છે. સેનેટની ચૂંટણીની મતગણતરી હતી તે દિવસે યુનિવર્સિટીના પટાંગણમાં આપ (AAP) અને ભાજપના (BJP) કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. ત્યારે પોલીસે દરમિયાનગીરી મામલો શાંત પાડ્યો હતો, પરંતુ હવે રહી રહીને આપના એક કોર્પોરેટરે ભાજપના કાર્યકર્તાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ (Police Complaint) આપી છે.

  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની મતગણતરીમાં બબાલ
  • સુરત મનપાના વિરોધપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ ઉમરા પોલીસમાં ફરિયાદ કરી
  • ભાજપ અને એબીવીપીના કાર્યકર્તા તથા અજાણ્યાના ટોળાએ જીવલેણ હુમલો કર્યો

સુરત મનપાના વિરોધ પક્ષના નેતા અને આપના કોર્પોરેટર ધર્મેશ ભંડેરીએ ઉમરા પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર્તાઓ હિમાલય સિંહ જાલા, ભાવિન ટોપીવાલા, વિકાસ આહીર, હીતેશ ગીલાતર, પ્રિયાંક શાહ, ઈમરાન અને જીતાંશુ રાદડીયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. ધર્મેશ ભંડેરીએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઈ તા. 16મી ઓગસ્ટના રોજ સાંજના આશરે 4 વાગ્યે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે સેનેટ ચૂંટણીની મતગણતરી ચાલુ હતી ત્યારે તેઓ ત્યાં પરિણામની રાહ જોતા ઉભા હતા. આ સમયે એબીવીપી, ભાજપના કાર્યકર્તા અને અજાણ્યાઓનું ટોળું તેમની પાસે આવ્યું હતું. તેઓએ મને ગંદી ગાળો દઈ અને ઈશારા કરી ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મેં કોઈ પ્રતિક્રિયા આપી નહોતી, તેથી વધારે ઉશ્કેરાઈ જઈ ભાજપના કાર્યકર્તાના ટોળાએ મારી પર હુમલો કરી દીધો હતો અને લે ઈમરાન લે માર માર.. કહી મને ગંદી ગાળો દઈ ઢીક મુક્કીનો માર માર્યો હતો. ગરદનના ભાગે મૂંઢ માર વાગવાના લીધે હું બેભાન થયો હતો. ત્યાર મને સારવાર માટે 108માં સ્મીમેર લઈ ગયા હતા. ઉમરા પોલીસે ધર્મેશ ભંડેરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

સેનેટની ચૂંટણીની મતગણતરી વખતે બબાલ થઈ હતી
તમને જણાવી દઈએ કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીની મતગણતરી ગઈ તા. 16 ઓગસ્ટના રોજ થઈ હતી. મતગણતરી ચાલી રહી હતી ત્યારે ભાજપ, આપ અને એનએસયુઆઈના કાર્યકરો મોટી સંખ્યામાં યુનિવર્સિટીના વહીવટી ભવન ખાતે ભેગા થયા હતા. દરમિયાન ભાજપના વિદ્યાર્થી સંગઠન એબીવીપી અને આમ આદમી પાર્ટીના સપોર્ટથી ચાલતા છાત્ર યુવા સંઘર્ષ સમિતિના કાર્યકરો વચ્ચે સામાન્ય બાબતે માથાકૂટ થઈ હતી. મામલો એટલો બિચક્યો હતો કે પોલીસની હાજરીમાં બંને જૂથના કાર્યકરો એકબીજાને મારી રહ્યાં હતાં. આ બબાલમાં છાત્ર સંઘર્ષ સમિતિના ધર્મેશ સાંકડાસરિયાના માથાના ભાગે ઈજા થી હતી. લોહીલુહાણ હાલતમાં ધર્મેશ સાંકડાસરિયાને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આપ અને એબીવીપીના કાર્યકરોની હિંસક બબાલને પગલે સુરત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને અહીં જબરદસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસની દરમિયાનગીરીના પગલે મામલો શાંત પડ્યો હતો. 

Most Popular

To Top