Gujarat

ભાજપનો ભવાડો! પત્રિકા કાંડમાં પાંચ પૂર્વ મંત્રીની સામેલગીરીની ચર્ચા

ગાંધીનગર: ભાજપના (BJP) પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મંત્રીઓ તેમજ ધારાસભ્યો સહિત પાટીલ જુથના આગેવાનો પર અનેક આક્ષેપો કરતી પત્રિકા અને પેનડ્રાઈવ (Pen drive) ભાજપના જ આગેવાનોને મોકલવાના પ્રકરણમાં હવે રાજ્યના ભાજપના જ પાંચ પૂર્વ મંત્રીઓ શંકાના દાયરામાં આવી જતાં છેક કમલમથી લઈને ભાજપના હાઈકમાન્ડના દિલ્હી દરબાર સુધી રાજકીય ધ્રુજારી અનુભવાઈ છે. સુરત તથા અમદાવાદ પોલીસ દ્વારા પત્રિકા કાંડની કરાયેલી તપાસમાં જે નામો બહાર આવ્યા છે, તે ચોંકાવનારા છે. કાવતરા કરવામાં આ મંત્રીઓમાં દક્ષિણ ગુજરાતના ત્રણ અને સૌરાષ્ટ્રના બે પૂર્વ મંત્રીઓ હોવાની ભારે ચર્ચા ચાલી રહી છે. હવે આ મામલે ભાજપના દિલ્હી દરબારમાંથી કેવા આદેશ આવે છે તેની રાહ જોવાઈ રહી છે. એવી શક્યતા છે કે ભાજપના કેટલાંક મોટા માથાઓની વિકેટો પડી જશે.

ભૂતકાળમાં કેશુબાપા અને શંકરસિંહ વખતે જે રીતે ભાજપમાં આંતરિક જુથબંધી ચાલી હતી તેવી સ્થિતિ હાલમાં સર્જાઈ જવા પામી છે. સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જે રીતે ભાજપના અન્ય આગેવાનો સાઈડલાઈન થઈ ગયા તેને પગલે આ નારાજ આગેવાનો ગમે ત્યારે પાટીલ જુથને નિશાન બનાવે તેવી સંભાવના હતી જ. તેમાં થોડા સમય પહેલા પાર્ટી ફંડના નામે પાટીલને બદનામ કરતો વિડીયો વાઈરલ થયો હતો. આ વિડીયો વાઈરલ કરનાર જિનેન્દ્ર શાહની પોલીસે ગુનો નોંધીને ધરપકડ કરી લીધી છે. તે પછી એક માથાભારે શખ્સની પણ ચોટીલા પાસેથી ધરપકડ કરી લેવાઈ છે. આ તપાસ ચાલુ હતી ત્યાં ભાજપના ધારાસભ્યો, સાસંદો તથા સિનીયર કાર્યકરોના ઘરે વાદળી રંગના કવરમાં પત્રિકા તથા પેનડ્રાઈવ પણ આવી હતી. જેમાં પાટીલ, મંત્રીઓ તેમજ ધારાસભ્ય સહિતના આગેવાનો સામે ચોંકાવનારા આરોપો કરાયા હતા. જેના પગલે ભાજપના ધારાસભ્ય સંદિપ દેસાઈએ સુરત ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરી હતી.

સંદીપ દેસાઈની ફરિયાદમાં પૂર્વ મંત્રી ગણપત વસાવાના પીએ રાકેશ સોલંકી સહિત ખુમાન પટેલ અને દિપુ યાદવની ધરપકડ કરી લેવામાં આવી છે. સાથે સાથે ભાજપ દ્વારા તરસાડી પાલિકાના ભાજપના પ્રમુખ તેમજ તરસાડી નગરના ભાજપના પ્રમુખને આ જ પ્રકરણમાં પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા. ક્રાઈમ બ્રાંચએ જે ત્રણ કાર્યકરોને પકડ્યા હતા તેમણે સીઆર પાટીલ સામે કરવામાં આવેલા કાવતરાની તમામ વિગતો પોલીસને આપીને વટાણા વેરી નાંખ્યા છે. સૌરાષ્ટ્રમાંથી મંત્રી બનેલા એક વગદાર નેતાએ તાજેતરમાં જ સુરતની વધુ મુલાકાતો લીધી હતી. જેમાં એક ટીપીમાં મોટો ખેલ પાડવાની વાત હતી. જો કે ગાંધીનગરમાં દાદાએ ખેલ પાડીને ટીપી તથા તેમાં કરાયેલા સુધારા રદ કરીને તેને પરત કરી દીધા હતા. જેના કારણે આ બાજી ઉંધી વળી ગઈ હતી. આ વિવાદોની વચ્ચે તાજેતરમાં જ ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા પાસે પણ રાજીનામું લઈ લેવામાં આવતા ભાજપમાં વિવાદ ઘેરો બન્યો છે.

પત્રિકા યુદ્ધથી નારાજ હાઈકમાન્ડ પાર્લામેન્ટની બેઠક બાદ ગુજરાતનો મામલો હાથમાં લે તેવી સંભાવના
પાટીલ જુથ સામે કાવતરૂં કરવામાં દક્ષિણ ગુજરાતના ત્રણ અને સૌરાષ્ટ્રના બે પૂર્વ મંત્રીઓ સામેલ છે. સુરત ક્રાઈમ બ્રાંચમાં પકડાયેલા કાર્યકરો દ્વારા કયા કયા પૂર્વ મંત્રીઓ દ્વારા કયા ખેલ કરવામાં આવ્યા તેની વિગતો પોલીસને આપી દેવામાં આવી છે. તેને કારણે ભાજપમાં ભૂકંપની સ્થિતિ સર્જાવા પામી છે.

ભાજપમાં આ રીતે ચાલી રહેલા પત્રિકા યુદ્ધને કારણે ભાજપનું હાઈકમાન્ડ ખૂબ જ નારાજ છે. હાલમાં પાર્લામેન્ટની બેઠક ચાલી રહી હોવાથી હાઈકમાન્ડ તેમાં વ્યસ્ત છે પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે, પાર્લામેન્ટની બેઠક પૂરી થતાં જ હાઈકમાન્ડ દ્વારા આ મામલાને ગંભીરતાથી લઈને ભાજપના આગેવાનોની વિકેટ પાડી દેવામાં આવે તેવી સંભાવના છે. જોકે, સામે લોકસભાની ચૂંટણી પણ છે ત્યારે હાઈકમાન્ડ ભાજપની અંદરના કાવતરાખોરોની સામે શું પગલા ભરે છે, તે જોવું રહ્યું!

Most Popular

To Top