Gujarat

BJPના કારણે રાજ્યમાં 3252 ગ્રામ પંચાયતોમાં 10 ટકા OBC અનામતનો લાભ ઉમેદવારોને મળશે નહીં: કોંગ્રેસ

ગાંધીનગર: રાજયની ભાજપ (BJP) સરકારની નીતિ બક્ષીપંચ વિરોધી રહી છે તેવો આક્ષેપ ગુજરાત (Gujarat) કોંગ્રેસ (Congress) દ્વારા કરાયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી (Election) આયોગના સચિવ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર (Letter) લખવામાં આવ્યો છે કે ગુજરાતમાં હવેથી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં પંચાયત અધિનિયમ-૧૯૯૩થી અમલમાં રહેલા અન્ય પછાત વર્ગો (OBC) માટે ૧૦ ટકા બેઠકો અનામત રહેશે નહીં. OBC અનામત રહેલી મહિલા અનામત સહિતની બેઠકોને સામાન્ય બેઠકમાં જાહેર કરીને ચૂંટણી જાહેરનામા સંબંધિત તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કરાયા છે.

ઠાકોરે કહ્યું હતું કે, ૨૦૨૧ ના અંતમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં OBC રીઝર્વેશનના અમલ મુદ્દે સુપ્રિમ કોર્ટમાં પિટિશન દાખલ થઈ હતી. આ રીટમાં સુપ્રિમ કોર્ટે ૧૯ જાન્યુઆરી, ૨૦૨૨ના રોજ દેશના તમામ રાજ્યોને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC રીઝર્વેશનનું પ્રમાણ, બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે નવેસરથી એક કમિશન રચીને વસ્તીને આધારે માપદંડો નિયત કરવા આદેશ કર્યો હતો. આ આદેશને છ માસ જેટલો સમય વીતી જવા છતાં ગુજરાત સરકારે OBCને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રીઝર્વેશન મળે તે માટે કમિશન રચીને વસ્તીના આધારે માપદંડો નક્કી કરવા કોઈ કાર્યવાહી કરી જ નથી.

રાજ્ય સરકાર દ્વારા સુપ્રિમ કોર્ટના આદેશને છ માસ જેટલો સમય થયો હોવા છતાં કોઈ કાર્યવાહી ન કરતાં અંતે ગુજરાતમાં આશરે ૩,૨૫૨ ગ્રામ પંચાયતોમાં ૧૦ ટકા OBC અનામતનો લાભ મળશે નહીં અને OBC સમાજને તેનો ભોગ બનાવવામાં આવશે. રાજ્યમાં કુલ વસ્તીના ૫૨ ટકા જેટલી OBC સમાજની વસ્તી છે. રાજ્ય સરકારના અનિર્ણયકતાના કારણે OBC સમાજનું પ્રતિનિધિત્વ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી દૂર થશે.રાજ્યના સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC સમાજને અનામતનો લાભ મળી રહે અને OBC સમાજને અન્યાય ન થાય તે માટે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં OBC રીઝર્વેશનનું પ્રમાણ, બેઠકનો પ્રકાર અને રોટેશન સંદર્ભે તાત્કાલિક કમિશન રચીને તેની કાર્યવાહી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરવી જોઈએ તો જ ૩,૨૫૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં OBC સમાજને અનામતનો લાભ મળી રહે તે માટે કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

Most Popular

To Top