રાજા ભદ્રસિંહ પ્રજાપાલક અને ન્યાયપ્રિય હતા.પરંતુ તેમનો પુત્ર અત્યંત તોફાની,વિદ્રોહી અને ઉદ્દંડ તથા નિર્દયી હતો.તે જયાં જતો ત્યાં પોતાના ખરાબ વ્યવહારથી બધાને હેરાન કરતો.રાજકુમારના રોજ રોજના જુલમથી લોકો હેરાન પરેશાન હતા પણ તેની વિરુધ્ધ ફરિયાદ કરવાની કોઈની હિંમત ન હતી અને બધા રાજકુમાર છું તેથી મારી જોહુકમી ચલાવી લેશે તે સમજી લીધા બાદ તો રાજકુમાર નિરંકુશ થતો જતો હતો.પણ ભલે કોઈએ ફરિયાદ ન કરી પણ રાજા સુધી પોતાના કુંવરના ત્રાસની વાત પહોંચી જ ગઈ.રાજા દુઃખી થઇ ગયો.
તેણે કુંવરને સુધારવા માટે અનેક ઉપાય કર્યા.શિક્ષા,સજા,સમજાવટ બધું જ નકામું સાબિત થતું હતું. રાજાની ચિંતા રોજે રોજ વધતી જતી હતી તેમને કોઈ રસ્તો સૂઝતો ન હતો. સદ્નસીબે નગરમાં આયુર્વેદમાં નિષ્ણાત ઋષિ આવ્યા,રાજાએ તેમની પાસે જઈ કુંવરના ખરાબ વર્તનની સમસ્યા જણાવી અને કોઈ ઔષધ કે ઉપચાર માટે પૂછ્યું.ઋષિએ કહ્યું, ‘હું મારાથી બનતા પ્રયત્ન કરીશ.પણ કુંવરે થોડો સમય મારી સાથે રહેવું પડશે.રાજાએ કુંવરને પરાણે ઋષિ સાથે મોકલ્યો. કુંવર ઋષિને ગુસ્સે કરવા અને ઋષિ તેને પાછો મહેલમાં મોકલી દે તે માટે વધુ ને વધુ ખરાબ વર્તન કરતો,પણ ઋષિ તેને સમજાવતા રહેતા.
એક દિવસ ઋષિને ગુસ્સે કરવા તે ઋષિના ઔષધિઓના બગીચામાં ગયો અને એક પછી એક પાન તોડવા લાગ્યો.ઋષિ ત્યાં આવ્યા અને તેને ખીજવાવાને બદલે કહ્યું, ‘આ છોડની પાંદડી ખાઈ જો.’ કુંવરે તે છોડની પાંદડીઓ તોડીને ખાધી અને એકદમ કડવી લાગી તેથી કુંવર ગુસ્સે થઇ ગયો અને તે છોડને તેને જ્ડમૂળમાંથી ઉખાડીને ફેંક્યો. હવે ઋષિએ નારાજ થઈ કડક શબ્દોમાં કહ્યું, ‘કે મેં તને પાન તોડી ખાવાનું કહ્યું હતું. તેં આખો છોડ શું કામ ઉખાડીને ફેંક્યો?’ કુંવરે કહ્યું, ‘આ છોડની પાંદડીઓની કડવાશે મારું મોઢું કડવું કરી નાખ્યું એટલે મેં કડવા છોડને ઉખાડી નાખ્યો.’
ઋષિ બોલ્યા, ‘કુંવર, આ છોડ ભલે કડવો હોય પણ બહુ ગુણકારી ઔષધી બનાવવાના કામમાં આવે છે.આ છોડમાંથી બનતી ઔષધીઓ ઘણા રોગ દૂર કરવામાં મદદ કરે છે.તે એક અમૂલ્ય ઔષધિના છોડનો માત્ર એટલા માટે નાશ કર્યો કે તે કડવો છે.જો તને તેની કડવાશ ન ગમી તો વિચાર કે તું ભલે રાજાનો કુંવર હોય, તારા સ્વભાવ અને ખરાબ વર્તનની કડવાશ પણ કોઈને નહિ ગમતી હોય.તું તો આ કડવા છોડની જેમ ઉપયોગી પણ નથી.અને જ્યાં જાય છે ત્યાં પ્રજાને તારી કડવાશથી ત્રાસ આપે છે અને માતા પિતાનું નામ ડુબાડી તેમના જીવનમાં પણ કડવાશ ઘોળે છે.’ કુંવરની આંખો ખુલી ગઈ. તેણે ઋષિના ચરણ પકડી પોતાના વર્તનની બધી કડવાશ કાઢી નાખી સુધરી જવાનું વચન આપ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે