Dakshin Gujarat

ભરૂચ-અંકલેશ્વર-માંડવીમાં પતંગ-દોરાની ખરીદી સાથે જ ઊંધિયાનો સ્વાદ માણવા શાકમાર્કેટમાં ભીડ

ભરૂચ, માંડવી: દક્ષિણ ગુજરાતમાં (South gujarat) ભરૂચ, અંકલેશ્વર અને સુરત (Surat) જિલ્લાના માંડવી સહિતના વિસ્તારમાં ઉત્તરાયણ (Uttrayan) પર્વને લઈને પતંગરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે પતંગ-દોરા અને ચશ્માની ખરીદી સાથે જ ઊંધિયાનો સ્વાદ માણવા શાકભાજી બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ વખતે ઉત્તરાયણનો તહેવાર 2 દિવસ મનાવી શકાય તેવો સમય હોવાથી શનિવારે ઉત્તરાયણ પર્વની રજા અને રવિવારે જાહેર રજા હોવાથી પતંગરસિકોમાં ઉત્સાહ છવાયો છે. પતંગ દોરીની સાથે પતંગ ચગાવતી વખતે આંખને તકલીફ ન થાય અને સૂર્યનાં કિરણો વચ્ચે પણ પતંગ ચગાવી શકાય તે માટે સન ગ્લાસીસ એટલે કે, ચશ્માની માંગ પણ વધુ જોવા મળી રહી છે. જેમાં રૂપિયા ૩૦થી માંડી ૫૦૦ રૂપિયા સુધીના સનગ્લાસીસનું ધૂમ વેચાણ જોવા મળ્યું હતું. સવારથી જ ભરૂચનાં બજારોમાં વિવિધ સામગ્રી ખરીદીમાં બજારોમાં પણ રોનક જોવા મળી હતી.

ચાલુ વર્ષે રો-મટિરિયલ તેમજ મજૂરીમાં વધારો થતાં પતંગ-દોરીના ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો ભાવવધારો નોંધાયો છે. પતંગોના ભાવમાં ધરખમ ભાવવધારો નોંધાતાં મધ્યમ વર્ગ માટે પર્વની ઉજવણી કેવી રીતે કરવી તે પ્રશ્ન સામે આવ્યો છે.
બીજી તરફ ઉત્તરાયણનો તહેવાર જ્યારે મધ્ય ચરણમાં પહોંચે છે, ત્યારે ઊંધિયાની જયાફત વગર આ તહેવાર અધૂરો જ કહેવાય છે. તેવામાં ઉતરાયણના એક દિવસ પૂર્વે અંકલેશ્વરના બજારમાં ઊંધિયામાં વપરાતી શાકભાજીની ખરીદી માટે ઘરાકી નીકળી હતી. જેમાં સુરતી પાપડી, રવૈયા, રતાળું, સુરણ, લીલવા, કાચાં કેળાં અને બટાકા સહિતના અન્ય શાકભાજીની ખરીદી માટે ગ્રાહકો બજારમાં ઊમટી પડ્યા હતા. જો કે, શાકભાજીમાં ૨૫થી ૩૦ ટકાનો ઉછાળો પણ જોવા મળ્યો છે. તેમ છતાં ઉત્તરાયણમાં ચીકીના સ્વાદ સાથે સ્વાદિષ્ટ ઊંધિયું પણ લોકોને તહેવારની મજામાં ઇજાફો કરશે.

માંડવીના સૂપડી વિસ્તાર બસ સ્ટેન્ડ નજીક પતંગોની ખરીદી માટે મોડી સાંજ સુધી પતંગરસિયાઓની ભીડ જોવા મળી હતી. કોરોના કાળનાં બે વર્ષ બાદ આ વર્ષે તહેવારોની રોનક જોવા મળી રહી છે. ત્યારે શનિ અને રવિના દિવસે ઉત્તરાયણ પર્વે પણ માંડવી નગરજનોને મોજ પડી જશે. શુક્રવારે ઉત્તરાયણના પૂર્વ દિવસે બરોડિયાવાડ શાકમાર્કેટમાં પણ હકડેઠઠ ભીડ જોવા મળી હતી.

Most Popular

To Top