Columns

બાલગોપાલ કેજરીવાલ આવ્યા તેવા જશે લાલ!

ટોની બ્લેર UKના વડાપ્રધાન હતા ત્યારે એમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે આજકાલ રાજનેતાઓ અર્થાત પોલિટિશિયનની આબરૂ ઘટી ગઇ છે. તમારું શું કહેવું છે? જવાબમાં ટોનીએ કહ્યું હતું કે સાચી વાત છે. લોકો આજે આપણને પત્રકારોની હરોળમાં ગણી રહ્યા છે. અર્થાત એક એવો સમય હતો કે બ્રિટનમાં પત્રકારો કરતાં નેતાઓને વધુ પ્રામાણિક ગણવામાં આવતા હતા. આજે દેશમાં કે વિદેશમાં થોડા ઘણા કર્તવ્યનિષ્ઠ પત્રકારો છે. વધારે તો ખાડે ગયા છે. પત્રકારોને પોતાને પણ ટ્રમ્પનિષ્ઠ, ભાજપનિષ્ઠ, કોંગ્રેસનિષ્ઠ પત્રકાર ગણાવવાની શરમ નથી આવતી. એ ગર્વ અનુભવે છે. પત્રકારનું કામ એક ન્યાયાધીશ જેવું છે અને હોવું જોઇએ.

આજકાલ ન્યાયાધીશો પણ સરકારે ગુમાવેલી આબરૂ પાછી લાવવા સત્તાવાર રીતે બેફામ બફાટ કરે છે. એક રમના હતા તે ન્યાયમૂર્તિ ઓછા અને રાજકારણી વધુ હતા. પત્રકારોનું તો એવું પણ બને કે પોતે જે વિચારધારામાં માનતો હોય અને સત્તાવાર રાજકીય પક્ષની પણ એ જ વિચારધારા હોય તો હિતોનો સંયોગ થાય. પ્રખર તંત્રી હસમુખ ગાંધી લખતા કે અમે સંયોગથી વી.પી. સિંહ સાથે જણાઇએ છીએ, બીજી કોઇ પ્રેરણાથી વી.પી. સિંહ સાથે નથી. પત્રકારો તો, આગળ લખ્યું તેમ, ઘણા વ્યવસ્થિત અને વિચારશીલ છે.

એક પણ રાજકારણી સીધો કે સરળ જોવા મળતો નથી. જે અપવાદ છે એ દુર્લભ અપવાદ છે. નેતાઓની નીતિઓ, ચાલ-ચલગત, બોલી, નફટાઇની હદે ગટરિયા બની ગયાં છે. અગાઉના નેતાઓ મનથી ભલે ગમે એવા હશે (લાગે છે કે આજ કરતાં ઘણા સારા હતા) પરંતુ બોલવામાં શાલીન અને ભદ્ર હતા. એક મર્યાદાનું પાલન કરતા હતા. આજે તો અભી ગાલી બોલા, અભી ફોક. એક શિક્ષણ, સંસ્કૃતિ અને ઇતિહાસ ભૂગોળની જાણકારી વગરનો અડબાઉ, રેઢિયાળ ફાલ રાજકારણી નેતાઓનો ઊગ્યો છે.

એક આશા જાગી હતી અન્ના હઝારેના આંદોલન વખતે. આખા દેશમાં જાગી હતી. કંઇક સારું થશે પણ કોઇક કાવતરું રચીને વચ્ચે બે વાલનો (એમણે યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણને જે ગાળ આપી હતી તે અહીં લખાય તેમ નથી) કેજરીવાલ અંદર ઘૂસી ગયો કે આખું આંદોલન ચોપટ કરી નાખ્યું. શું થયું લોકપાલનું? પારદર્શિતાનું? પોતાના દિલ્હી રાજય માટે તો નીમવા હતા. રાજનેતાઓ તો ઘણા છે અને કેજરીવાલથી નાલાયક પણ ઘણા હશે, પણ આ રાવણ પર ગુસ્સો એટલા માટે આવે છે કે લોકશાહીની ભાવના, આશાઓનું એ અપહરણ કરી ગયો. હવે અનેક દાયકાઓ સુધી કોઇ આંદોલનની વાતોમાં નહીં આવે અને રાવણ એટલા માટે કહ્યો છે કે આજે વાત વાતમાં એ પોતાના ગંદા વિચારો ગંદી ભાષામાં વ્યકત કરી અટ્ટહાસ્ય કરે છે. પક્ષો અને નેતાઓ લગભગ તમામ નાલાયક છે પણ સૌથી વધુ ગુણ કેજરીવાલ લઇ જાય છે. બદમાશી અને બેશરમીનો કોઇ સુભગ અને શ્રેષ્ઠ સંયોગ થયો હોય તો તે કેજરીવાલમાં થયો છે.

ઇન્સાન કા ઇન્સાન સે હો ભાઇચારા બબ્બે વખત જાહેરમાં ગાઇને એવું નાટક કર્યું હતું તે હવે સમજાય છે અને એ માણસ દેશના નેતાઓને નવી રાજનીતિ શિખડાવવા આવ્યો હતો એ આજે દેશની એક મોટી પ્રજાને કંસની ઔલાદ અને પોતાને કૃષ્ણનો અવતાર ગણાવી રહ્યો છે. એની આ નવી રાજનીતિ ભલે રહી પણ દિલ્હીના આ ઠગને દેશ જાણી ચૂકયો છે કે ખરો કંસ તો આ કેજરીવાલ છે જે દેશમાં એક નવી લહર ઊઠી હતી તેમાં મામો થઇને કૂદી પડયો હતો અને નવી આશા, નવી ચેતના નામની ભાણીનું જ દિલ્હીની વિધાનસભામાં પટકી પટકીને મોત નીપજાવ્યું છે.

વડોદરામાં આ બહુરૂપી રાક્ષસ બોલ્યો કે, ‘મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો છે. ભગવાને મને ખાસ હેતુસર મોકલ્યો છે.’ કદાચ આશારામ પણ આવું નહીં બોલ્યા હોય. આ માણસ લોકોને ભરમાવીને ખાસ ધાર્મિક આસ્થાનો ચૂંટણીમાં ફાયદો લેવા માગે છે. ચૂંટણી પંચે તેની નોંધ લેવી જોઇએ. જો કે પ્રજા જાણે છે કે જન્માષ્ટમીના દિવસે જન્મે એ બધા કૃષ્ણ બનતા નથી. બનતા હોય તો આપણને દર વરસે નવા નવા કૃષ્ણ લાખોની સંખ્યામાં મળતા હોત. હજારો વરસ પહેલાં થયેલા દેવકીનંદનને આજે દિલથી યાદ કરવા પડે છે તે શા માટે? જે માણસની સાથે સેંકડો નિષ્ઠાવાન માણસો હતા તે જતા રહ્યા, જે રોજ નવા નવા જૂઠાણાં આચરે છે, જે લોકોને ઘરે ઘરે દારૂ સસ્તામાં પહોંચાડે છે તે પોતાને કૃષ્ણ ગણાવતો હોય તો એના પર એક કેસ ઠોકી દેવાની જરૂર છે? જેના ગીતાજ્ઞાનને આખી દુનિયાએ સ્વીકાર્યું છે તેનો અવતાર ગણાવી મત મેળવવાની યુકિતઓ પ્રયોજવી એ કામ કોઇ ઠગ જ કરી શકે.

એના મતે જે ‘દુષ્ટ અને ભ્રષ્ટતમ’ કોંગ્રેસ હતી તેની સાથે મળીને, દીકરાઓના જાહેરમાં સોગંદ લીધા હતા તે વિસારે પાડીને, સરકાર રચવા તૈયાર થઇ ગયો એ માણસ કોઇ પણ કુકર્મ આચરતા અચકાય નહીં તે પ્રજાએ સમજવું જોઇએ. આ કૃષ્ણ જાળીદાર ટોપી પહેરીને ઇફતાર પાર્ટીમાં જાય તેની સામે પણ વાંધો નથી પરંતુ કાશ્મીરથી નસાડી મૂકેલા હિન્દુ પંડિતોની ફિલ્મ બાબતમાં આ માણસ દિલ્હી વિધાનસભાના ફલોર પર હિન્દુઓને અને ફિલ્મોના નિર્માતાને ટોન્ટ મારે, ‘તમને શરમ નથી આવતી આવી ફિલ્મ બનાવવા માટે?’ એમ કહીને ટીખળ ઊડાડે તે પોતાને કૃષ્ણનો અવતાર ગણાવે છે!

વાહ કૃષ્ણ (સાચા કૃષ્ણ વાસુદેવપુત્ર, દેવકીનંદન) તારી લીલા. આ નવા પ્રકારની રાજનીતિ છે જેમાં કેજરીવાલ સૌથી વધુ આગળ નીકળી ગયા છે. સાઇકલ અને રિક્ષામાં બેસીને વિધાનભવન રોજ આવવાજવાની વાત કરતા હતા હવે એ દિલ્હીથી ચાર્ટર્ડ પ્લેન કરીને વડોદરા આવે છે. કેજરીવાલના જૂના લાયક સાથીદારો એમને છોડી ગયા છે. કેટલાક ગેરલાયકને છોડવાની ફરજ પડી. કેટલાક સારા દેખાતા હતા એટલા સારા ન હતા. જેમ કે કિરણ બેદી, શાઝિયા ઇલ્મી, કુમાર વિશ્વાસ વગેરે.
કુમાર વિશ્વાસ ડબલ ઢોલકી છે.

બ્રાહ્મણનો વિદ્વાન દીકરો ગણાવી, સંસ્કૃત પ્રચુર કવિતાઓ લખી દેશમાં મહત્ત્વ વધારે. ભારતમાં હોય ત્યારે BJPની વાહ વાહ કરે. દુબાઇ વગેરે સ્થળોએ જાય ત્યારે BJPની ટીકા થાય તેની વાહ વાહ કરે. જો કેજરીવાલે ખાલીસ્તાનના વડા બનવાની વાત રાખી તો એ સમયે જ ઘટસ્ફોટ કેમ ન કર્યો? કેજરીવાલ એટલા પાગલ તો નહીં જ હોય કે આવી વાત કરે? એ શકય બને તેમ જ નથી. ખાલીસ્તાન બને તો પણ શકય ન બને. એટલું સાચું હોઇ શકે કે કેજરીવાલ શીખોના મત મેળવવા ખાલીસ્તાનીઓ સાથે મળીને કંઇક રમત રમતા હોય. આહ્‌વાન અપાય છે, ચેલેન્જ કરાય છે તો પણ આ કૃષ્ણ (બીજો) ખાલીસ્તાનવાદીઓની ટીકા કરતો નથી. જે થયું તે પણ કુમાર વિશ્વાસને વાય પ્રકારની સુરક્ષા મળી ગઇ.

આપમાં જોડાયેલા બધા જિતેન્દ્ર તોમર જેવા નાલાયકો છે એવું નથી. કેટલાક ખરેખર સ્થિતિ બદલવા માગે છે. તેઓ એક જૂથ રહ્યા હોત તો BJP સામે એક મોટી તાકાત બનીને ઊભા હોત. એક રહેવા માટે વિચારો પ્રત્યેની પ્રતિબધ્ધતા મજબૂત હોવી જોઇએ. ગુજરાતમાં કેટલાક જોડાયા તેમાંના અમુકને ઓળખું છું અને તેઓ સરસ ભાવનાશીલ અને સિધ્ધાંતમય લોકો છે. અમુક એવા છે જે કયાંક ઠેકાણું ન મળ્યું તો આપમાં જોડાઇ ગયા. કેજરીવાલે પ્રારંભમાં કહ્યું હતું કે પક્ષના દરેક સભ્ય અને ઉમેદવારને આકરી કસોટી બાદ પસંદ કરવામાં આવશે.

પછી શું શું થયું તે પૂછવા માટે તોમર પાસે જવાની જરૂર છે! કસોટી તો બાજુએ રહી, કેજરીવાલે એ શઠને, ધુતારાને મહિનાઓ સુધી બચાવી રાખ્યો. એક ડાળના પંખી સાથે જ રહેવાનું પસંદ કરે. હા, તો ગુજરાતમાં અને ભારતમાં આપના જે નિષ્ઠાવંત સભ્યો છે તે કેજરીવાલ વગર વધુ સારો દેખાવ કરી શકે તેમ છે. BJP પણ નાનાં શહેરો અને ગ્રામીણ કક્ષાએ લોકોનો પ્રિય પક્ષ રહ્યો નથી. દક્ષિણ ગુજરાતમાં અમુક એવા વિધાનસભ્ય છે જે લોકોની વચ્ચે કયારેય ગયા નથી.

શહેરોમાં બંગલા બાંધીને રહે છે પણ શહેરના લોકોએ તેઓને કોઇ આંદોલનમાં, કોઇ ઝુંબેશમાં, પ્રજાના પ્રશ્નોમાં ભાગીદાર બનતા જોયા નથી. તેઓ એવી ધીરજ ધરીને બેઠા છે કે શ્રી નરેન્દ્ર મોદીના નામથી પથ્થરો તરી જશે. વરસોની સત્તા બાદ આ પ્રકારની લેથાર્જી તેઓમાં ઘર કરી ગઇ છે. ભ્રષ્ટાચાર અટકયો નથી. છાશવારે (જે સપ્તાહમાં એક- બે વખત આવે) વીજળી જતી રહે છે. આ બધાનું કારણ એ છે કે યોગીજીને બાદ કરતાં કોઇ રાજયમાં BJPએ શકિતશાળી મુખ્યમંત્રીઓ નીમ્યા નથી. આ લખનારને હજી સમજાતું નથી કે પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ છે કે નહીં? ગુટખા વેચવા તે ગેરકાયદે છે કે કેમ? જો વેચવાનું ગેરકાયદે હોય તો ખાવાનું કાયદેસર કેમ?

જુગાર રમવા પર પ્રતિબંધ છે તો શાહરૂખ ખાનથી માંડીને અનંગ દેસાઇ રમી રમવાનું પ્રોત્સાહન આપતી જાહેરખબરો કેમ કરે છે? નકલી દૂધ, સ્ટેરોઇડસ યુકત શાકભાજી, બનાવટી માલસામાન માટે સરકારમાં વ્યવસ્થા તંત્ર છે? આવી ઘણી ફરિયાદો છે અને તેને દૂર કરવા માટે BJPએ પૂજય પાંડુરંગ શાસ્ત્રીજીની માફક વયસ્થ સંચલન કરવાની જરૂર છે. પેધી ગયેલાઓને ઘરે બેસાડી નવું લોહી લાવવાની જરૂર છે. એવા લોકોને ટિકિટ ન આપો જેમણે એક- બે મુદતના ગાળામાં બંગલા બનાવી દીધા.

BJPમાં આ બધી ખોટ છે છતાં લોકો BJPને જ મત આપશે. સારાં કામો દિલ્હી સ્તરેથી થઇ રહ્યા છે. લોકો પાસે બીજો વિકલ્પ નથી. જે રીતે પંજાબમાં ભગવંત માનની વ્યકિતગત આબરૂનો લાભ લઇ આમ આદમી પક્ષ ચૂંટાઇ આવ્યો અને કેજરીવાલનું તેમાં કશું યોગદાન ન હતું તેમ ગુજરાતના યુવાનો જાહેરમાં ગાળો ન બકે તો કેજરીવાલ વગર પણ વિકલ્પ બની શકે. આમ આદમી માટે કેજરીવાલ હવે એક બોજો ગણાય. ભગવંત માને મેળવેલ વિજયને કેજરીવાલે પોતાનો વિજય ગણાવ્યો. માને શંકાના આધારે એક પ્રધાનને છૂટા કર્યા તો કેજરીવાલે તેમાં જાતે યશ લીધો. તો પછી તોમરને શા માટે સાચવી રાખ્યો હતો? એની બનાવટી ડિગ્રીની તપાસ કરવાનું સાવ સહેલું હતું. માનના માનને પોતાનું બનાવી લેવું એનો અર્થ એ થયો કે પૂંછડી એમ માને છે કે પોતે શ્વાનને પટપટાવી રહી છે!

વારું, ટોની બ્લેરની વાત વધુ સાચી પડી રહી છે. બ્રિટનમાં એવી મહિલા વડાં પ્રધાન બની છે જેને રંગ બદલવામાં વાર નથી લાગતી. અગાઉ બ્રેકિઝટનો વિરોધ કરતી હતી. પછી બ્રેકિઝટવાળા ફાવી ગયા તો તેની તરફેણ કરવા માંડી. જે સત્તા પર હોય તેની પ્રશંસા કરે, પછી ભલે ગઇકાલ સુધી તેને ગાળો આપતી હોય. અજિત પવારને તળાવો ભરવા છે પણ એટલો પેશાબ આવતો નથી. કોઇ ઇતિહાસ જાણ્યા વગર રોમપુત્ર રાહુલ રાડો પાડે છે કે ‘હું સાવરકર (જેમ માફી માગનાર) નથી.’ તારું આખું ખાનદાન ભેગું મળીને પણ સાવરકર ન બની શકે.

તું નથી એમાં જ સાવરકર કુટુંબની શાન છે. કોંગ્રેસના અધીર રંજન ચૌધરી શું એટલા અભણ છે કે જાહેરમાં રાષ્ટ્રપતિને રાષ્ટ્રપત્ની બોલી નાખે? ગુજરાતના આમ આદમી પક્ષના નેતા ગોપાલ ઇટાલિયા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ‘નીચ’ કહીને ગાળો આપે છે. આ છે આમ આદમીની ફીતરત. ગોપાલ ઇટાલિયાના આ સંસ્કારો એણે ખાનગીમાં દબાવી રાખ્યા હશે પણ વીડિયો લીક થઇ ગયો છે. નીચ કહેવાનો અને બોલવાનો ફાયદો કોને મળે છે તે જાણવા માટે ઇટાલિયાએ મણિશંકર ઐય્યર નામના પાગલને મળવાની જરૂર છે. બાકી નરેન્દ્ર મોદી તો વરસોથી કહે છે કે, ‘કાદવ જીતના ઉછાલોગે, કમલ ઉતના ઔર ખીલેગા.’ જીત્યા પછી BJPએ આ લોકોની કદર જરૂર કરવી પડશે. BJPની જીતમાં તેઓનું યોગદાન નાનુંસૂનું નથી.

Most Popular

To Top