SURAT

‘આ રીતે બનો નંબર વન’, સુરતમાં બેડમિન્ટન પ્લેયર પીવી સિંધુએ ખેલાડીઓને આપ્યો ગુરુમંત્ર

સુરત: નેશનલ ગેમ્સ (National Games) માટે સુરતની (Surat) મુલાકાતે આવેલા વિશ્વ વિખ્યાત બેડમિન્ટન (Badminton) પ્લેયર પી.વી. સિંધુ (PVSindhu) ખેલાડીઓ સાથે બેડમિન્ટન રમ્યા હતા અને કેટલીક ટીપ્સ આપી હતી. ત્યાર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સિંધુએ નંબર વન બનવા માટેનો ગુરૂમંત્ર જણાવ્યો હતો.

પીવી સિંધુએ કહ્યું કે, નંબર વન બનવા માટેનો એક જ મંત્ર છે. સખત પરિશ્રમ. કોઈ શોર્ટ કટ નથી. સતત વર્ષો સુધી એકધારી મહેનત કરનારને સફળતા અવશ્ય મળે છે. અધવચ્ચે રમવાનું છોડી દેનાર સફળ થતા નથી. આ સફરમાં અનેકવાર હારનો સામનો કરવો પડશે, પરંતુ તેનાથી નિરાશ થવું જોઈએ નહીં. હારને સ્વીકારી વધુ મહેનત કરી રમતા રહેવું જોઈએ તો સફળતા ચોક્કસ મળે છે.

પીવી સિંધુએ કહ્યું સુરતમાં હું પહેલીવાર આવી છું. અહીં ખુબ જ સારો આવકાર મળ્યો છે. અહીં નેશનલ ગેમ્સ રમતા ખેલાડીઓ સાથે વાતચીત કરવાની તક મળી. તેઓમાં શીખવાની ખૂબ ધગશ છે. મેં તેઓને કેટલીક ટીપ્સ આપી. જ્યારે ખેલાડીઓ રમતા નહીં હોય ત્યારે સારા મિત્રો હોય છે પરંતુ જ્યારે રમતા હોય ત્યારે મિત્રતા ભુલી કોમ્પિટિટીવ માઈન્ડસેટ રાખવું જોઈએ તેવી સલાહ આપી છે.

સિંધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કરતા કહ્યું હતું કે, માત્ર 90 દિવસના ટૂંકા ગાળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય સ્તરની નેશનલ ગેમ્સનું આયોજન કર્યું તે ખૂબ જ સરાહનીય છે. તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખૂબ ખૂબ આભાર. ખેલાડીઓ પાસે હવે બધી જ વ્યવસ્થા છે તેઓએ માત્ર સારું રમવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

તમને જણાવી દઈએ કે, પી વિ સિંધુનું આખું નામ છે પુસરલા વેંકટ સિંધુ. 5 જુલાઇ 1995માં સિંધુનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. 5 ફિટ 9 ઇંચ લાંબી આ છોકરીના માતા પિતા પણ વોલીબોલના ખેલાડી હતા. અને હાલ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. પીવી સિંધુએ 8 વર્ષની ઉંમરથી બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું. સિંધુની હાઇટ વધુ હોવાના કારણે તે આખા કોર્ટને કવર કરીને ડિફેન્સિવ શોર્ટ સારી રીતે રમી શકે છે. શાંત સ્વભાવની સિંધુને ગોપીચંદે એગ્રેસીવ બનવાની સલાહ આપી છે.વિશ્વ મહિલા બેડમિન્ટનના શ્રેષ્ઠ ખેલાડીઓમાં પી.વી. સિંધુ ટોપ ટેનમાં સામેલ છે. 2015માં તેને પદ્મશ્રી અને 2013માં અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

Most Popular

To Top