Dakshin Gujarat

લ્યો બોલો, ફરિયાદીએ જૂનો ઝઘડો ભૂલી જઈ પતાવટ કરવાનું કહેતાં આરોપીએ સળિયાથી ફટકાર્યો

દેલાડ: ઓલપાડના (Aulpad) લવાછા ગામના શખ્સોએ તેના જ ગામના એક યુવકે જૂનો ઝઘડો ભૂલી જવાનું કહેતાં બબાલ મચાવી તેને લોખંડના (Iron) સળિયાથી (rod) ફટકારી (Attak) હાથમાં ફેક્ચર કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે બંને પક્ષના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.ઓલપાડની દરિયાઈ પટ્ટીના લવાછા ગામે ખેતરાડી ફળિયામાં આશિષ રાજુ પટેલ રહે છે. તે સુરત ખાતે ડી-માર્ટ પાસે એમેઝોનમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરી પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. ગત તા.૦૫ ના રોજ સાંજના સવા આઠેક વાગ્યાના સુમારે તેણે તેના લવાછા ગામે રહેતા મનીષ જનક પટેલને ફોન કરીને જણાવ્યું કે, હું તમને મળવા આવું છું. તમે ક્યાં છો? તે સમયે મનીષે કહ્યું કે, હું ડભારી ત્રણ રસ્તા ઉપર બેઠો છું.

દુકાન પાછળ પડેલો લોખંડનો પાઇપ લઈ તેને ડાબા હાથના ભાગે મારી
ગામના મિત્ર અક્ષય અજય પટેલ સાથે જ્યુપિટર મોપેડ બાઈક હંકારી ત્યાં પહોંચ્યો હતો અને મનીષને કહ્યું કે, આપણો જૂનો ઝઘડો ભૂલી જાવ અને જે થયું તે હવે પતાવી દો. હવે અમારે કંઇ મોટું કરવું નથી. એ સમયે આરોપી મનીષ પટેલે ઉશ્કેળાઇ જઇ ગાળો બોલી ત્યાંની દુકાન પાછળ પડેલો લોખંડનો પાઇપ લઈ તેને ડાબા હાથના ભાગે મારી ધમકી આપી હતી કે, હવે પછી તું દેખાશે તો તને જાનથી મારી નાંખીશું. આથી બંને મારથી બચવા મોપેડ મૂકીને ભાગ્યા હતા. બાદ આશિષ પટેલને લવાછાનો મનીષ જનક પટેલ સહિત તેનો ભાઈ રાકેશ તથા ચંદ્રેશ બળદેવ પટેલ વધુ માર મારવાના ઇરાદે લવાછા ગામમાં શોધવા ગયા હતા અને ત્રણે શખ્સોએ ડભારી ત્રણ રસ્તા પાસે મૂકેલી તેની નંબર વગરની જ્યુપીટર મોપેડને પણ નુકસાન કર્યું હતું.

મોડી રાત્રે જ ઓલપાડની એક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી
આ શખ્સો એટલેથી જ ન અટકતાં ફરી રાત્રે ૧૧:૩૦ કલાકના સુમારે તેના મોટાભાઇ દિવ્યેશ પટેલને ચંદ્રેશ પટેલ તથા અવિનાશ કાંતિ પટેલએ મોબાઈલ ફોન ઉપર ગાળો આપી મારી નાંખવાની ફરી ધમકીઓ આપી હતી. જ્યારે આશિષ પટેલને ડાબા હાથમાં ફેક્ચર થતાં તેને ઘટનાની મોડી રાત્રે જ ઓલપાડની એક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ મામલે આશિષ પટેલે ઓલપાડ પોલીસમથકમાં ચારે શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જો કે, સામે પક્ષે પણ મનીષ જનક પટેલે ઓલપાડ પોલીસમથકમાં મનીષ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, આ યુવક તેને લોખંડનો સળિયો લઈ મારવા માટે આવ્યો હતો અને મને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેના પગલે પોલીસે બંને પક્ષના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top