Gujarat

આગામી તા.૧૮ થી ૨૦ નવેમ્બરે રાજ્યભરમાં ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ યોજાશે

આજે સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જેમાં ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે હજુયે મક્કમ હાથે પગલા ભરવા સરકારે મન બનાવી લીધુ છે. કેબિનેટ બેઠક બાદ રાજય સરકારના પ્રવકત્તા મંત્રી જીચુ વાઘાણીએ કહયું હતું કે રાજયના યુવાનોને નશાની ચુંગાલમાંથી બહાર કાઢવા અને એ તરફ જતા રોકવા માટે પણ રાજકીય દ્રઢ ઇચ્છા શક્તિ સાથે ઘનિષ્ઠ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને માદક દ્રવ્યો સામે કાર્યવાહી કરવા આગામી સમયમાં પણ ખાસ ડ્રાઇવ હાથ ધરાશે.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ હેઠળ મળેલ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી શરુ કરેલ PM ગતિશક્તિ પ્રોજેક્ટ અંતર્ગત પણ ગુજરાતમાં સત્વરે કામગીરી હાથ ધરી આ ક્ષેત્રે પણ ગુજરાત રોલ મોડલ પુરવાર થશે. આ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. પ્રવક્તા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે કૌશલ્ય વિકાસને બળ આપવા અલગ કૌશલ્ય યુનિવર્સિટીની સ્થાપના કરી છે. મુખ્યમંત્રીરી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં કરાયેલા નિર્ણય મુજબ રાજ્યનો શ્રમ અને રોજગાર વિભાગ હવે ‘શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગના નવા નામથી ઓળખાશે તેના માટે ટૂંક સમયમાં જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે રાજ્યના ૩૦ વર્ષથી વધુ વયના ૩ કરોડથી વધુ એટલે કે ૪૦ ટકા નાગરિકોને સાંકળી લેતી ”નિરામય ગુજરાત યોજના” જાહેર કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી તા.૧૨ નવેમ્બરે સવારે ૧૧.૩૦ કલાકે પાલનપુરથી, જ્યારે સવારે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ મહેસાણાથી આ નિરામય ગુજરાત યોજનાનો શુભારંભ કરાવશે. આ ઉપરાંત આ યોજનાના લોન્ચિંગ માટે રાજ્યના ૩૩ જિલ્લા અને ૮ મહાનગર પાલિકાઓમાં એક સાથે વિવિધ મંત્રીશ્રીઓ, MLA, MP, સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમો યોજાશે.

આરોગ્ય પરિવારની સુરક્ષા-પ્રિવેન્ટિવ કેરના હેતુથી આ નવી યોજના શરૂ કરવામાં આવી રહી છે. રાજ્યમાં ચેપી રોગ કરતાં બીન ચેપી રોગ, જેવા કે, B.P.-લોહીનું ઉંચુ દબાણ, હાર્ટ એટેક, લકવો, કેન્સર, કિડની, પાંડુરોગ, ડાયાબિટિસ જેવા રોગોથી મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પ્રકારના રોગોથી કાળજી લેવા ૩૦ થી વધુ વયના નાગરિકોનું દર શુક્રવારે એટલે મમતા દિવસે રાજ્યના PHC, CHC, અને હોસ્પિટલો ખાતે આરોગ્ય સ્ક્રીનિંગ-તપાસ કરવામાં આવશે. જેમાં તેમની આરોગ્યલક્ષી વિગતો સાથેનું એક નિરામય કાર્ડ આપવામાં આવશે. આ પ્રકારના લોકોના આરોગ્ય સુખાકારી માટે બીન ચેપી રોગો માટે સ્ક્રીનિંગ થી સારવાર સુધીની સુવિધાથી સામાન્ય પરિવારનો અંદાજે રૂા.૧૨ થી ૧૫ હજારનો ખર્ચ બચશે.

તેમણે જણાવ્યું હતું કે રાજ્યના લોકોની આરોગ્ય સુખાકારી માટે સ્થળ ઉપર જ ત્વરિત ખોરાકની ગુણવત્તાની તપાસ-ચકાસણી માટે રૂા.૪૫ લાખના ખર્ચે ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ’ શરૂ કરવામાં આવી છે. જેનાથી વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભેળસેળ અટકાવી શકીએ. દૂધમાં થતી ભેળસેળ સામે સરકાર કડક હાથે કામ લઇ રહી છે. જેના માટે આ વાનમાં મિલ્ક એનાલાયઝર-મિલ્કો સ્કેન મીટર મુકવામાં આવ્યુ છે જેનાથી દૂધમાં થતી ભેળસેળની સ્થળ તપાસ કરી તેમાં થતી ભેળસેળ અટકાવી શકાશે.

વાઘાણીએ કહયું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આગામી તા. ૧૮ થી ૨૦ નવેમ્બર દરમિયાન ગ્રામ વિકાસ વિભાગ તેમજ અન્ય આઠ વિભાગોને સાંકળી લઇને આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ ગ્રામ વિકાસ યજ્ઞના ભાગરૂપે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં ‘આત્મનિર્ભર ગ્રામ યાત્રા’ યોજવામાં આવશે. આ યાત્રા દરમિયાન અંદાજે રૂા.૫૦૦ કરોડના ખર્ચે વિવિધ જિલ્લાઓમાં ૨૩,૮૩૫ જેટલા વિકાસ કામોના ખાતમુહૂર્ત તેમજ ૯,૫૦૩ જેટલા લોકાર્પણ કરવામાં આવશે. આ આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ તા. ૧૮ નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્વારા મહેમદાવાદથી કરવામાં આવશે

Most Popular

To Top