Business

જાહેરાતો માટે TRPમાં ગોલમાલ કરવામાં આવે છે?

TVની ચેનલો ઉપર આવતા કોઇ પણ કાર્યક્રમની લોકપ્રિયતા માપવા માટે TRP નામના મીટરનો ઉપયોગ કરે છે. ભારતમાં ધંધો કરતી કંપનીઓ દર વર્ષે આશરે 11,000 કરોડ રૂપિયાની જાહેરખબરો TVની ચેનલોને આપે છે. આ જાહેરખબરો આપવા માટે તેઓ TRPને જ આધાર માને છે. જે કાર્યક્રમનો અને જે ચેનલનો TRP વધારે હોય તેને વધુ જાહેરખબરો મળે છે. હવે NDTV નામની ન્યૂઝ ચેનલે એવો આક્ષેપ કર્યો છે કે અમુક ચેનલો દ્વારા જાહેરાતોમાં વધુ હિસ્સો પડાવવા માટે TRPમાં ગોલમાલ કરવામાં આવે છે.

આપણા દેશમાં TVના કાર્યક્રમોના TRP નક્કી કરવાનું કામ ટેલિવિઝન ઓડિયન્સ મેઝરમેન્ટ (TAM)ઇન્ડિયા  નામની પ્રાઇવેટ કંપની સંભાળે છે, જે ભારતીય કંપની કંટાર અને અમેરિકી કંપની નેલ્સનનું સંયુક્ત સાહસ છે. આ કંપનીના અધિકારીઓને અને કર્મચારીઓને લાંચ આપીને TVની ચેનલો પોતપોતાના TRP વધારીને જાહેરખબરો આપનારી કંપનીઓને છેતરતી આવી છે. આ પાપ લગભગ બધી ચેનલો કરતી હોવાથી કોઇ ચેનલ તેની સામે ફરિયાદ નહોતી કરતી, પણ હવે NDTVએ અમેરિકાની અદાલતમાં નેલ્સન એન્ડ કંટાર સામે 1.3 અબજ ડોલરનો દાવો કર્યો છે. ભારતમાં કુલ 23.1 કરોડ ઘરો છે. તેમાંથી 14.8 કરોડ ઘરોમાં TV છે.

આ પૈકી 12.6 કરોડ ઘરોમાં કેબલ અથવા ડિજીટલ TVનું કનેકશન છે. આ પૈકી TAM ઇન્ડિયા દ્વારા આશરે 8,000 ઘરોમાં પીપલોમીટર નામનું ડેટાબોક્સ બેસાડવામાં આવ્યું છે. આ ડેટાબોક્સમાં દર્શક કઇ ચેનલનો ક્યો કાર્યક્રમ કેટલી મિનિટ સુધી જુએ છે, તેની વિગતોનો સંગ્રહ કરવામાં આવે છે. આ 8,000 ડેટાબોક્સના આંકડાઓના આધારે TRP નક્કી કરવામાં આવે છે. NDTVની દલીલ એવી છે કે ભારત જેવા દેશ માટે 8,000 મીટરો બહુ ઓછા કહેવાય. NDTVનો બીજો આક્ષેપ એવો છે કે ક્યાં ઘરોમાં પીપલોમીટર બેસાડવામાં આવ્યાં છે, તેની માહિતી TVની ચેનલોના સંચાલકોને આપી દેવામાં આવે છે. આ સંચાલકો જે ઘરોમાં મીટર લગાવાયા હોય તેમને લાંચ આપીને પોતાની ચેનલ જોવા રાજી કરી દે છે.

સેમ્પલની સાઇઝ નાની હોવાથી આ રીતે દર્શકોને લાંચ આપવી બહુ આસાન છે. ઘણી વખત ચેનલોના સંચાલકો ડેટા કલેક્ટ કરવા આવતા કર્મચારીઓને લાંચ આપે છે. NDTVનો આક્ષેપ છે કે આ રીતે આપવામાં આવતા ખોટા TRPના કારણે તેમને 3 વર્ષમાં 1.3 અબજ ડોલરનું નુકસાન થયું છે, જેનું વળતર તેમણે માંગ્યું છે.

TRPની બાબતમાં ન્યૂઝ ચેનલો વચ્ચે ગળાકાપ સ્પર્ધા ચાલે છે. દર્શકોની સંખ્યા વધુ બતાવીને વધુ જાહેરખબરો ખેંચવા માટે ન્યૂઝ ચેનલો જાતજાતની ચાલાકીઓ કરે છે. સંસદમાં જે દિવસે ઇ.સ.2012-13નું બજેટ રજૂ કરવામાં આવ્યું તેના બીજા દિવસે ‘ટાઇમ્સ નાઉ’, બ્લૂમ્બર્ગ અને CNBC એ ત્રણેય ચેનલોએ દાવો કર્યો હતો કે બજેટના દિવસે તેમનો TRP સૌથી વધુ હતો. આ દાવાઓ વાંચીને દર્શકો અને જાહેરખબરો આપનારા મુંઝવણમાં પડી ગયા હતા.

ટાઇમ્સ નાઉએ દાવો કર્યો હતો કે બજેટના દિવસે સવારે 11 અને બપોરે 1 વચ્ચે તેમની વ્યૂઅરશીપ 32%ની હતી, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી NDTVની 25% અને CNN, IBNની 17% હતી. આ આંકડાઓમાં દૂરદર્શન અને હેડલાઇન્સ ટુડેનો સમાવેશ જ કરવામાં નહોતો આવ્યો. બ્લૂમ્બર્ગ UTVએ એવો દાવો કર્યો હતો કે બજેટના દિવસે તેના દર્શકોની સંખ્યા પણ સૌથી વધુ હતી. જો કે તેણે આ માટે સવારે 11થી બપોરે 1નો સમયગાળો પસંદ કરવાને બદલે સાંજે 7થી મધ્યરાત્રિ સુધીનો સમયગાળો પસંદ કર્યો હતો. વળી આ સર્વેમાં ભારતનાં 8 શહેરોનો અને ગુજરાત રાજ્યનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો. બ્લૂમ્બર્ગે એવો દાવો કર્યો હતો કે બજેટના દિવસે તેનો TRP 40% જેટલો હતો, જે અન્ય બિઝનેસ ચેનલો કરતાં વધુ હતો.

આ સાથે  એવો દાવો કર્યો હતો કે બજેટના દિવસે તેનો TRP સૌથી વધુ હતો. આ દાવો કરવા માટે તેમણે સવારે 6થી રાતે 12 વાગ્યા સુધીનો સમયગાળો ધ્યાનમાં લીધો હતો. ભૌગોલિક દૃષ્ટિએ પણ તેમણે માત્ર 8 શહેરો અને 1 રાજ્ય ગણતરીમાં લેવાને બદલે આખા ભારતને ગણતરીમાં લીધું હતું. આ રીતે નંબર 1ના દાવામાં એક જ દિવસે ત્રણેય ચેનલો સાચી હતી અને ખોટી પણ હતી. આ 3 ચેનલોના દાવાઓ કમ હોય તેમ બજેટના દિવસે NDTVએ પણ એવો દાવો કર્યો કે તેને કુલ દર્શકોના 51% ટકા મળ્યા હતા. તેના દાવા મુજબ NDTVને ટાઇમ્સ નાઉ, હેડલાઇન્સ ટુડે, દૂરદર્શન અને CNN-IBN કરતાં પણ વધુ દર્શકો મળ્યા હતા. આ દાવાના સમર્થન માટે TRPનો ઉપયોગ કરવામાં નહોતો આવ્યો પણ તેમણે પોતે દેશનાં 11 શહેરોના 5,000 દર્શકોનો સર્વે કરાવ્યો હતો. આ વાત પોતે પોતાની જાતને વિજેતા જાહેર કરે તેવી હતી.

TVના કાર્યક્રમોના સમીક્ષકો કહે છે કે TRPમાં ગોલમાલ થાય છે એ બહુ જાણીતી વાત છે. આ ગોલમાલમાં લગભગ બધી ચેનલો સંડોવાયેલી હોવાથી તેઓ અત્યાર સુધી ફરિયાદ કરતી નહોતી. હવે ‘ટાઇમ્સ નાઉ’ની સરખામણીમાં NDTV ચેનલ એટલી બધી પાછળ પડી ગઇ છે કે TRPમાં ગોલમાલ કરીને પણ તેઓ ‘ટાઇમ્સ નાઉ’ સાથે સ્પર્ધામાં ટકી શકે તેમ નથી, માટે હતાશામાં આવીને તેમણે અમેરિકાની અદાલતમાં TAM ઇન્ડિયા સામે કેસ કર્યો છે. આ કેસ પરથી TV પર જાહેરખબરો આપતી કંપનીઓએ સમજી જવાની જરૂર છે કે કોઈ પર ભરોસો રાખવા જેવો નથી.

Most Popular

To Top