હરિયાણાનો નૂહ જિલ્લો હાલમાં સળગી રહ્યો છે. બ્રિજ મંડળ જલાભિષેક યાત્રા દરમિયાન મુસ્લિમ બહુમતી ધરાવતા મેવાતમાં પથ્થરમારાને કારણે નૂહથી ગુડગાંવ સુધી તોફાનો ચાલુ છે. ૩૧ જુલાઈના રોજ આ ઘટના બાદ ફાટી નીકળેલી હિંસાથી નૂહને આગ લાગી ગઈ છે. સળગેલાં વાહનો, પથ્થરો, રસ્તાઓ પર તૂટેલાં દુકાનોના શટર આ હિંસાનું પરિણામ દર્શાવે છે. મોટો પ્રશ્ન એ છે કે આ ઘટના આટલી વિસ્ફોટક કેવી રીતે બની? એનસીઆરના સૌથી ઓછા વિકસિત અને ગરીબ જિલ્લાઓમાંનો એક નૂહ દેશમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવે છે. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા અનુસાર દેશના ૬૪૦ જિલ્લાઓમાંથી નુહમાં ૭૯.૨ ટકા મુસ્લિમ વસ્તી છે.
દર વખતે ભારતમાં ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે કોમી રમખાણો ભડકી ઊઠે છે. આ રમખાણો કોમી ધ્રુવીકરણ કરીને રાજકીય લાભ ખાટવા માટે કરાવાતાં હોવાની શંકા જાય છે. આ પ્રકારનાં રમખાણો અને હિંદુઓનાં ધાર્મિક તીર્થસ્થળો પરના હુમલા દેશમાં નવી વાત નથી, પરંતુ છેલ્લાં ૧૦ વર્ષમાં બનેલા કિસ્સાઓ પર નજીકથી નજર કરીએ તો તેમાં એક ચોક્કસ પેટર્ન જોવા મળે છે. તોફાની ટોળાંઓ પૂર્વ આયોજિત રીતે હુમલો કરે છે, ઘરોની છત પર અગાઉથી પથ્થરો સંગ્રહિત કરવામાં આવે છે. શસ્ત્રો એકત્રિત કરવામાં આવે છે અને સ્થાનિક સંસાધનોને શસ્ત્રોમાં ફેરવવામાં આવે છે. આ પ્રકારના હુમલામાં મહિલાઓ અને બાળકોનો પણ ભારે ઉપયોગ થઈ રહ્યો છે. તોફાનીઓનું એક જૂથ હુમલો કરે છે અને પીછેહઠ કરે છે, જ્યારે અન્ય જૂથ પથ્થરો અને હથિયારો સાથે આગળની હરોળ બનાવે છે.
મહિલાઓ, બાળકો અને વૃદ્ધો ઘરની છત પરથી પથ્થરોનો વરસાદ કરે છે. દિલ્હીનાં રમખાણોમાં, છત પર મોટી ગિલોલ બનાવવામાં આવી હતી. જે રીતે મોટા પથ્થરો ઝડપી ગતિએ આવી રહ્યા હતા, તેથી શક્ય છે કે નૂહમાં પણ આવી જ ગિલોલનો ઉપયોગ કરવામાં આવ્યો હશે. કાશ્મીર, પશ્ચિમ બંગાળ અને દિલ્હીનાં રમખાણોમાં તોફાનીઓ દ્વારા આવી જ યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કાશ્મીરમાં હિંદુઓ અને સેના સામે તોફાનો કરવા માટે વિદેશી એજન્સીઓ દ્વારા મુસ્લિમ યુવાનોને આ પ્રકારની તાલીમ આપવામાં આવી હતી. શક્ય છે કે વિદેશી એજન્સીઓ દ્વારા પણ આ પ્રકારની તાલીમ નૂહમાં પણ આપવામાં આવી હોય.
આ જિલ્લો દેશમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં ૧૪મા ક્રમે આવે છે. જો જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશના ૧૧ મુસ્લિમ બહુમતી ધરાવતા જિલ્લાઓને દૂર કરવામાં આવે તો મુસ્લિમ વસ્તીની દૃષ્ટિએ નૂહ ત્રીજો સૌથી મોટો જિલ્લો (લક્ષદ્વીપ અને આસામના ધુબરી પછી) બની જશે. NHFS સર્વે મુજબ સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતા જિલ્લાઓમાં નૂહ ૧૬મા ક્રમે છે. જે રમખાણોની આગથી સળગી ગયું છે અને જ્યાં કરોડોની સંપત્તિનો નાશ થયો છે, તેવા નૂહની ગણતરી એનસીઆરના સૌથી ગરીબ અને સૌથી અવિકસિત જિલ્લાઓમાં થાય છે.
૨૦૧૯-૨૧ના NFHS સર્વેક્ષણ મુજબ, NCRના ૩૫ જિલ્લાઓમાં નૂહ એ બીજો સૌથી ગરીબ જિલ્લો છે. આ યાદીમાં રાજસ્થાનનું ભરતપુર સૌથી ગરીબ જિલ્લો છે. જ્યાં સુધી પલવલ, રેવાડી, ફરીદાબાદ અને ગુરુગ્રામની સંપત્તિનો સંબંધ છે, આ જિલ્લાઓમાં સંપત્તિ નુહની સરખામણીમાં અનુક્રમે ૯.૮ ગણી, ૧૫.૨ ગણી, ૧૮.૫ ગણી અને ૧૯.૩ ગણી વધુ છે. NFHSના આંકડા મુજબ, આ જિલ્લાની ૩.૭ ટકા વસ્તી કાચાં મકાનોમાં રહે છે. કુલ વસ્તીના માત્ર ૧૯.૮% લોકો રસોઈ માટે રાંધણ ગેસ, વીજળી અથવા બાયોગેસનો ઉપયોગ કરે છે.
જો કે, આ પહેલી વાર નથી કે હરિયાણા આવાં તોફાનો અને હિંસાની આગમાં સળગી રહ્યું હોય. આ પહેલાં પણ ઘણી વખત આવી ઘટનાઓ બની છે. જાટ આંદોલન હોય, બલ્લભગઢ રમખાણો હોય કે હોંડ ચિલ્લર હત્યાકાંડ હોય; આ રમખાણોમાં હરિયાણાનાં ઘણાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. કેટલાક બદમાશો દ્વારા ફેલાયેલાં રમખાણોને કારણે સેંકડો જીવન બરબાદ થઈ ગયાં છે. હિસાર જિલ્લાના મિર્ચપુરની ઘટના હરિયાણાના ઈતિહાસમાં કાળા અક્ષરે લખાઈ છે.
આ હૃદય હચમચાવી દેનારી ઘટના ખૂબ જ નજીવી બાબતે બની હતી. ૧૩ વર્ષ પહેલાં હિસારના મિર્ચપુર કાંડમાં એક દલિત વસાહતમાંથી એક દબંગ પરિવારનો જમાઈ પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એક કૂતરો તે વ્યક્તિ પર ભસવા લાગ્યો. ગુંડાઓએ આ નાની વાત પર દલિતો સાથે મારપીટ શરૂ કરી. સ્થિતિ એવી બની કે ગુંડાઓએ આખી દલિત કોલોનીને આગ લગાવી દીધી, જેમાં ૭૦ વર્ષીય તારાચંદ અને તેમની વિકલાંગ પુત્રી સુમન જીવતાં સળગી ગયાં હતાં. અન્ય ૫૨ જેટલાં લોકો દાઝી ગયાં હતાં. આ પછી તોફાનોની આગ આખા હરિયાણામાં ફેલાઈ ગઈ. નેતાઓએ પણ રાજકારણ શરૂ કર્યું. સ્થિતિ એવી બની કે ૨૦૧૧માં ૧૩૦થી વધુ દલિત પરિવારો ગામમાંથી જ ભાગી ગયાં.
વર્ષ ૨૦૧૬માં હરિયાણામાં જાટ આરક્ષણ આંદોલન થયું હતું. આ આંદોલન ટૂંક સમયમાં રમખાણોમાં ફેરવાઈ ગયું હતું. લગભગ ૧૦ થી ૧૫ દિવસ સુધી સમગ્ર હરિયાણામાં તેની અસર જોવા મળી હતી. તેની સૌથી વધુ અસર રોહતક જિલ્લામાં જોવા મળી હતી. રાજ્યની સંપત્તિને ભારે નુકસાન થયું હતું. તોફાનીઓએ હાહાકાર મચાવ્યો હતો. રસ્તાઓ પર વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. ૨૦ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ બદમાશોએ દુકાનોને આગ ચાંપી હતી. હિંસા પર કાબૂ મેળવવા માટે સુરક્ષાકર્મીઓએ ગોળીબાર કર્યો, જેમાં ત્રણ યુવકો માર્યા ગયા. બાદમાં હોબાળો વધુ વધી ગયો હતો. રમખાણોમાં ૨૦ હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ હતો.
૨૫ ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ સિંહને બળાત્કારના દોષી ઠેરવ્યા બાદ ઉત્તર ભારતમાં મોટા પાયે રમખાણો ફાટી નીકળ્યાં હતાં. આ રમખાણો હરિયાણાના પંચકુલા જિલ્લામાંથી શરૂ થયાં હતાં. જો કે, બાદમાં રમખાણોની આગ પંજાબ, ઉત્તર પ્રદેશ અને નવી દિલ્હીના અન્ય ભાગોમાં ફેલાઈ ગઈ હતી. આ રમખાણોમાં ઓછામાં ઓછાં ૪૧ લોકોએ જીવ ગુમાવ્યા હતા. રામ રહીમને દોષિત ઠેરવવાના સમાચાર સાંભળીને તેના અનુયાયીઓ લાકડીઓ લહેરાવતા રસ્તા પર આવી ગયા અને પથ્થરમારો કરવા લાગ્યા હતા.
બલ્લભગઢ એ હરિયાણા રાજ્યના ફરીદાબાદ જિલ્લામાં આવેલ એક તાલુકો છે. અહીં વર્ષ ૨૦૧૫ માં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. હરિયાણા વક્ફ બોર્ડને મસ્જિદની જમીન ફાળવવાના મુદ્દે સ્થાનિકોએ અટાલી ગામમાં ચોક્કસ સમુદાયના ૪૦૦ લોકો પર હુમલો કર્યો હતો. તે તમામ લોકો પાછળથી ગામમાંથી સ્થળાંતર કરી ગયાં હતાં. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ૩૦ વર્ષ જૂની મસ્જિદને લઈને વિવાદ થયો હતો. ૨૦૦૯ માં ગામના એક સમુદાયે દાવો કર્યો કે મિલકત ગ્રામ પંચાયતની છે, જ્યારે અન્ય સમુદાયના સભ્યોએ આગ્રહ કર્યો કે જમીન હરિયાણા વકફ બોર્ડની છે. માર્ચ ૨૦૧૫માં ફરીદાબાદ કોર્ટે ચોક્કસ સમુદાયની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. પરંતુ અન્ય સમુદાયનાં લોકોએ આનો વિરોધ ચાલુ રાખ્યો હતો. અંતે વિવાદ એટલો વધી ગયો કે મસ્જિદને લઈને વિવાદ હુલ્લડમાં ફેરવાઈ ગયો. લગભગ બે હજાર લોકોનાં ટોળાએ તલવારો, ઇંટો અને આગનો ઉપયોગ કરીને ગામ પર હુમલો કર્યો. ઘણી જગ્યાએ આગ પણ લગાવવામાં આવી હતી.