Columns

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ થકી સરકારને અમર્યાદ સત્તાઓ મળી ગઈ છે

પશ્ચિમ બંગાળના કેબિનેટ મિનિસ્ટર પાર્થ ચેટરજી પાસેથી બેહિસાબી કાળું નાણું મળી આવ્યું તેની ચર્ચા નેશનલ મીડિયામાં ચાલી રહી છે ત્યારે સુપ્રિમ કોર્ટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ),૨૦૦૨ ને પડકારતી ૨૦૦ અરજીઓ ડિસમિસ કરીને ભાજપ સરકારની તાકાત વધારી દીધી છે.

કેન્દ્ર સરકાર દ્વારા વિરોધ પક્ષના નેતાઓને હેરાન કરવા માટે ઇડી, સીબીઆઇ, ઇન્કમ ટેક્સ વગેરે એજન્સીઓનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે તે બહુ જાણીતી વાત છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાં સત્તાપરિવર્તન કરાવવા માટે ઇડીનો ચાલાકીપૂર્વક ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇડીના પંજામાંથી બચવા માટે શિવસેનાના વિધાનસભ્યો પોતાની વફાદારી બદલવા મજબૂર થઈ ગયા હતા. ભ્રષ્ટાચાર તો જેટલા વિપક્ષી નેતાઓ આચરે છે તેના કરતાં વધુ ભાજપના નેતાઓ આચરે છે, પણ ઇડીનો કોરડો ક્યારેય ભાજપના નેતાઓ ઉપર વીંઝવામાં આવતો નથી.

કેટલાક લોકો દલીલ કરશે કે ભાજપની જેમ કોંગ્રેસના રાજમાં પણ ઇડીનો ઉપયોગ કરવામાં આવતો હતો, પણ તેના પ્રમાણમાં ફરક છે. ૨૦૦૪ થી ૨૦૧૪ દરમિયાન યુપીએના રાજમાં ઇડી દ્વારા ૧૧૨ દરોડાઓ પાડવામાં આવ્યા હતા, પણ ભાજપના ૮ વર્ષના રાજમાં ૩૦૧૦ દરોડાઓ પાડવામાં આવ્યા હતા, જે ૨૭ ગણો વધારો સૂચવે છે. પીએમએલએનો ઉપયોગ કરીને જે દરોડાઓ પાડવામાં આવે છે, તેનો ઉદ્દેશ રાજકીય નેતાને સજા કરાવવાનો નથી હોતો પણ તેને માત્ર હેરાન કરવાનો જ હોય છે. આ કારણે પીએમએલએ હેઠળ જેટલા કેસો નોંધાય છે, તેમાંના બહુ ઓછા લોકોને સજા થતી હોય છે.

છેલ્લાં ૧૭ વર્ષમાં આ કાયદા હેઠળ આશરે ૫,૪૦૦ કેસો નોંધાયા હતા, પણ તેમાંના માત્ર ૨૩ ને જ સજા થઈ હતી. ઘણી વખત તો વિરોધ પક્ષના નેતા પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ જાય તે પછી તેમની સામેના કેસો પાછા ખેંચાઈ જતા હોય છે. આ બધી વાતો જગજાહેર હોવા છતાં સુપ્રિમ કોર્ટે પીએમએલએ કાયદાને મજબૂત સંરક્ષણ પૂરું પાડ્યું છે. કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે તો તેને સજા મળવી જોઈએ, એ વાતનો કોઈ ઇનકાર કરતું નથી; પણ કાનૂની પ્રક્રિયામાં ન્યાયના મૂળભૂત સિદ્ધાંતોનું પાલન થવું જોઈએ. પીએમએલએમાં એવી કેટલીય કલમો છે, જેને કારણે આરોપીને અન્યાય થવાની સંભાવનાઓ વધી જાય છે.

(૧) દેશના તમામ ફોજદારી કાયદાઓ પ્રમાણે આરોપીને ગુનેગાર પુરવાર કરવાની જવાબદારી તપાસકર્તા એજન્સીની હોય છે. પીએમએલએમાં આરોપીની ધરપકડ કરવામાં આવે તે ક્ષણથી તેને ગુનેગાર માનીને ચાલવામાં આવે છે. હવે પોતાની જાતને નિર્દોષ પુરવાર કરવાની જવાબદારી આરોપીની હોય છે. તે જવાબદારી તપાસકર્તા એજન્સીની નથી.
(૨) દેશના કાયદાઓ હેઠળ કોઈ પણ વ્યક્તિને ત્યાં દરોડા પાડવા હોય અને તેની માલમત્તા જપ્ત કરવી હોય તો કોર્ટમાંથી વોરન્ટ લઈને આવવું પડે છે. પીએમએલએમાં તેવી કોઈ જરૂર માનવામાં આવી નથી. ઇડીના અધિકારીઓ વોરન્ટ વગર દરોડાઓ પાડી શકે છે.

(૩) કોઈ પણ ફોજદારી કેસમાં તપાસકર્તા એજન્સીએ પહેલાં એફઆઈઆર નોંધવાની હોય છે. ત્યાર પછી જ તેઓ આરોપીની ધરપકડ કરી શકે છે. ધરપકડ વખતે તેમણે આરોપીને એફઆઈઆરની કોપી આપવી પડે છે, જેમાં તેના ગુનાની વિગતો હોય છે. પીએમએલએમાં કરવામાં આવતી ધરપકડના કેસમાં એફઆઈઆર કરવાની જ જરૂર રાખવામાં આવી નથી. ઇડી દ્વારા એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ તૈયાર કરીને તેના આધારે ધરપકડ કરવામાં આવે છે.
(૪) કોઈ પણ ફોજદારી કેસમાં જે કાર્યવાહી કરવામાં આવે છે તે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરના કાયદા મુજબ કરવામાં આવે છે, જેની નકલ જાહેરમાં ઉપલબ્ધ છે. પીએમએલએમાં જે કાર્યવાહી કરવામાં આવે છે તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના મેન્યુઅલ મુજબ કરવામાં આવે છે. આ ખાનગી દસ્તાવેજ છે, જેની નકલ જનરલ પબ્લિકને મળી શકતી નથી. આ કારણે આરોપીને ખબર જ નથી હોતી કે હવે તેની સામે ક્યા પ્રકારની કાર્યવાહી થવાની છે. સુપ્રિમ કોર્ટે ઇડીને ભલામણ કરી છે કે તેમણે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના મેન્યુઅલને તેની વેબસાઇટ પર મૂકવો જોઈએ.

(૫) કોઈ પણ વ્યક્તિને ત્યાં ઇડીના દરોડા પાડવામાં આવે ત્યારે તેની તમામ સંપત્તિ જપ્ત કરી લેવામાં આવે છે. આ બધી સંપત્તિ ભ્રષ્ટાચાર કરીને કમાવામાં આવી હોય તેવું જરૂરી નથી; પણ તેમાં સૂકા ભેગું લીલું પણ બળી જાય છે. હજુ તો ગુનો પુરવાર પણ ન થયો હોય ત્યાં જપ્ત કરવામાં આવેલી સંપત્તિનું લિલામ કરવાની સત્તા ઇડીના સત્તાવાળાઓને મળી જાય છે.
પીએમએલએમાં જેમની ધરપકડ કરવામાં આવે છે, તેમને કોર્ટમાંથી જામીન મેળવવા પણ બહુ મુશ્કેલ બની જાય છે. સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ જામીન નિયમ છે, પણ જેલ અપવાદ છે. આ કાયદા હેઠળ જામીન અપવાદ ગણવામાં આવે છે અને જેલને નિયમ ગણવામાં આવે છે. તેમાં જામીન મેળવવા માટે એવી શરત મૂકવામાં આવી હતી કે જો જજને ખાતરી હોય કે આરોપી નિર્દોષ છે તો જ તેને જામીન મળી શકે. આ કલમ બહુ વિચિત્ર છે.

હજુ તો ખટલો શરૂ પણ ન થયો હોય ત્યાં કોર્ટ કેવી રીતે નક્કી કરી શકે કે આરોપી નિર્દોષ છે. ૨૦૧૮ માં સુપ્રિમ કોર્ટે જ આ મતલબની કલમ રદ કરી હતી, પણ મોદી સરકારે ૨૦૧૯ માં તે ફરી દાખલ કરી હતી. હવે સુપ્રિમ કોર્ટે તે કલમ પર મંજૂરીની મહોર મારી દીધી છે. આ રીતે સુપ્રિમ કોર્ટે પોતાના ૨૦૧૮ ના ચુકાદાને જ ઉલટાવી નાખતો ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ બદલાઈ જાય ત્યારે ચુકાદાઓ પણ બદલાય છે.

પીએમએલએમાં સુધારા કરવા માટે મોદી સરકારે ૨૦૧૯ માં મની બીલનો સહારો લીધો હતો. આ કાયદામાં સરકારની તિજોરી કે બજેટને લગતી કોઈ વાત નહોતી, તો પણ રાજ્ય સભાને બાયપાસ કરવા માટે તેનો સમાવેશ મની બીલમાં કરવામાં આવ્યો હતો. વિપક્ષો દ્વારા તેને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટે તેનો નિર્ણય કરવા સાત જજોની બેન્ચ બનાવી છે. સુપ્રિમ કોર્ટે પોતાના ચુકાદામાં ટિપ્પણ કરી હતી કે કોઈ પણ આરોપી ગુનેગાર પુરવાર ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ ગણવો જોઈએ, તેવી વાત હવે જરીપુરાણી થઈ ગઈ છે. ફરિયાદીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે પીએમએલએમાં તપાસ દરમિયાન આરોપી દ્વારા જે નિવેદન કરવામાં આવે તેનો ઉપયોગ કોર્ટના કેસમાં તેમની સામે થઈ શકે છે, જે મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે.

સુપ્રિમ કોર્ટે આ દલીલ ફગાવી દેતાં કહ્યું હતું કે ઇડીના અધિકારીઓ પોલીસ ન હોવાથી આ વાત તેમને લાગુ પડતી નથી. આ કલમનો લાભ તેમની ધરપકડ કરવામાં આવે તે પછી જ મળી શકે છે.
પીએમએલએનો કાયદો ૨૦૦૨ માં અમલમાં આવ્યો હતો. આ કાયદો અમલમાં આવ્યો તેના પહેલાં કોઈ નેતાએ ભ્રષ્ટાચાર આચર્યો હોય તો તેને સજા થઈ શકતી નહોતી. ૨૦૧૯ માં મોદી સરકારે કાયદામાં સુધારો કરીને ૨૦૦૨ પહેલાંના ભ્રષ્ટાચારને પણ આવરી લેતાં દલીલ કરી હતી કે તેની પાસે ભ્રષ્ટાચારથી મેળવેલી સંપત્તિ આજની તારીખમાં પણ છે, માટે તેની સામે કામ ચલાવી શકાય છે. આ સુધારાને પણ સુપ્રિમ કોર્ટે માન્ય રાખ્યો છે. ભાજપના રાજમાં જે રીતે કોર્ટોના ચુકાદાઓ આવી રહ્યા છે તે જોયા પછી લાગ્યા વિના રહેતું નથી કે દેશમાં સરકાર જ સર્વોપરી છે.

Most Popular

To Top