Madhya Gujarat

આણંદ કોંગ્રેસ દ્વારા અગ્નિપથનો વિરોધ કરાયો

આણંદ : આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા અગ્નિપથના વિરોધમાં તાલુકા કક્ષાએ કાર્યક્રમ યોજવામાં આવ્યાં હતાં. જેમાં ખંભાત, બોરસદ અને આંકલવામાં આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી યોજવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં અગ્નિપથ ઉપરાંત મોંઘવારી સહિતના મુદ્દાઓ આવરી લેવામાં આવ્યાં હતાં. ખંભાત શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારના રોજ ગવારા ટાવર પાસે અગ્નિપથ કાયદાના વિરોધમાં ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ખંભાત તાલુકા – શહેરના આગેવાનો, કાઉન્સિલર અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ નોંધાવ્યો હતો અને યુવાનોના બેરોજગારીના હક્ક મક્કમતાથી લાડવા માટે યુવાનોનો અવાજ બની તેમની સાથે રહી તેમની લડાઈ લડવાની વાત કહી હતી.

બોરસદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નીતિ અને સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા વીજળી, મોંઘવારી, બેરોજગારી સહિત અનેકવિધ સમસ્યાઓ ઘેરાયલી છે, જયારે બીજી બાજુ નવયુવાનો માટે કેન્દ્ર સરકાર દ્વારા વગર વિચારે અને આયોજન વગર અગ્નિપથ યોજના લાવવામાં આવી છે. તેના વિરોધમાં ધરણા-પ્રદર્શન કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બોરસદ તાલુકાના આગેવાનો, કાર્યકર્તાઓ તથા પૂર્વ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ નટવરસિંહ મહીડા જોડાયા હતા.

આ ઉપરાંત આંકલાવમાં ધારાસભ્ય અમિત ચાવડાની હાજરીમાં અગ્નિપથ યોજના પાછી ખેંચોના બુલંદ નારા સાથે આંકલાવ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલી સ્વરૂપે ઉગ્ર વિરોધ પ્રદર્શન – આવેદનપત્ર આપવામાં આવ્યું હતું . આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ તથા આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં યુવાનોને રોજગાર મળે તેમના પ્રશ્નોને વાચા આપવા વિશાળ રેલી કાઢી અગ્નિપથ યોજનાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેને પાછી ખેંચવાની માગ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં આંકલાવ શહેર તાલુકાના તમામ વરિષ્ઠ આગેવાનો, યુવાનો, તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

મહુધામાં કોંગ્રેસ દ્વારા ધરણાં પ્રદર્શન કરાયું
નડિયાદ: કેન્દ્ર સરકાર દ્વારા જલ, થલ અને નભ એમ ત્રણેય ભારતીય સૈન્યમાં ભરતી પ્રક્રિયા માટે અગ્નિપથ યોજના અમલી બનાવી છે. સૈન્ય વિભાગમાં ફરજ બજાવતાં અધિકારીઓ, જવાનો સહિત મોટાભાગના દેશવાસીઓએ આ યોજનાને આવકારી છે. પરંતુ વિરોધ પક્ષ સહિત કેટલાક લોકો દ્વારા અગ્નિપથ યોજનાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત મહુધા કોંગ્રેસ દ્વારા અગ્નિપથ યોજના પરત ખેંચી, જુની પ્રક્રિયા હેઠળ જ સૈન્યમાં ભરતી કરવાની માંગ સાથે સોમવારના રોજ ધરણાં પ્રદર્શન યોજ્યું હતું. મહુધા ચોકડી ખાતે યોજાયેલાં આ ધરણાં પ્રદર્શનમાં ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરમાર સહિત તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં અને સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યાં હતાં.

Most Popular

To Top