National

જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થયું

જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ (Indian Army Helicopter Crash) થયું હોવાની વિગતો સામે આવી છે. આ હેલિકોપ્ટરમાં 3 અધિકારીઓ હોવાની જાણકારી મળી છે. હેલિકોપ્ટરમાં કમાન્ડિંગ ઓફિસર પણ હતા. હેલિકોપ્ટર કેવી રીતે ક્રેશથયું તેની વિગતો હજુ સામે આવી નથી.

પ્રારંભિક માહિતી અનુસાર ભારતીય સેનાનું ALH ધ્રુવ હેલિકોપ્ટર કિશ્તવાડ જિલ્લામાંથી પસાર થતી ચેનાબ નદીમાં પડ્યું છે. હેલિકોપ્ટરમાં બે પાયલોટ અને એક કમાન્ડિંગ ઓફિસર હતા. કમાન્ડિંગ ઓફિસર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત પાયલોટને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

સેનાએ આ દુર્ઘટનામાં કોઈના શહીદ થયા અંગેની જાણકારી જાહેર કરી નથી. તેથી હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય લોકો સુરક્ષિત હોવાનું માની શકાય છે. સામે આવેલી તસવીરો અનુસાર હેલિકોપ્ટર ચેનાબ નદીના કિનારે પડ્યું હોવાનું લાગી રહ્યું છે. હેલિકોપ્ટર પડ્યા બાદ સ્થાનિક લોકો સૌથી પહેલા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેઓએ ઈજાગ્રસ્તોને બહાર કાઢવા પ્રયાસ કર્યા હતા. થોડી વાર બાદ સેના અને પોલીસની ટીમ ત્યાં પહોંચી હતી અને તેઓએ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘાયલો વિશે હજુ વધુ અપડેટ્સ પ્રાપ્ત થયા નથી.

વાદળછાયા વાતાવરણના લીધે ક્રેશ થયું હોવાની આશંકા
છેલ્લાં કેટલાંક દિવસથી જમ્મુ કાશ્મીરના આકાશમાં વાદળો ઘેરાયા છે. વરસાદ પણ પડી રહ્યો છે. ખરાબ હવામાનના લીધે હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હજુ સુધી સેના તરફથી કોઈ અધિકૃત માહિતી જાહેર કરવામાં આવી નથી.

જમ્મુ-કાશ્મીરમાં હેલિકોપ્ટર ક્રેશની આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ હવામાં ઉડતા હેલિકોપ્ટરોએ દેશના બહાદુર જવાનો અને અધિકારીઓના જીવ લીધા છે. માર્ચની શરૂઆતમાં, ભારતીય આર્મી એવિએશન ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશમાં મંડલા પહાડી પ્રદેશ નજીક ક્રેશ થયું હતું, જેમાં તેના બે પાઇલોટ માર્યા ગયા હતા.

અકસ્માત બાદ ભારતીય સેના, સશસ્ત્ર સીમા બલ (SSB) અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર આર્મીનું ચિત્તા હેલિકોપ્ટર ઓપરેશનલ સૉર્ટી પર હતું ત્યારે તેનો એર ટ્રાફિક કંટ્રોલર સાથે સંપર્ક તૂટી ગયો હતો. સેનાનું કહેવું છે કે તે દુર્ઘટના પાછળના ટેકનિકલ પાસાઓની તપાસ કરી રહી છે. પરંતુ આ અંગે સવાલો ઉભા થાય છે કે એવી કઈ ટેકનિકલ ખામીઓ છે જેના કારણે આવા અકસ્માતો થાય છે. 

આ પહેલા ડિસેમ્બર 2021માં પણ હેલિકોપ્ટરમાં આવી ટેકનિકલ ખામી સર્જાયા બાદ દેશને જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય સપોર્ટ સ્ટાફ સાથે તેની પ્રથમ સીડીએસ ગુમાવવી પડી હતી. તેમનું હેલિકોપ્ટર પણ ટેકનિકલ કારણોસર ક્રેશ થયું હતું. આમ છતાં સેનાના વિમાનમાં કોઈ સુધારો થયો નથી. 

Most Popular

To Top