National

ગો ફર્સ્ટે 9 મે સુધી તમામ ફ્લાઈટ્સ રદ કરી

નવી દિલ્હી: ગો-ફર્સ્ટ એરલાઇન્સની મુસીબતોનો અંત આવતો હોય તેવું લાગી રહ્યું નથી. એન્જિન સપ્લાયર પ્રેટ એન્ડ વ્હિટની દ્વારા એન્જિનની ડિલિવરી ન કરવાને કારણે એરલાઈન્સે 9 મે સુધી તેની તમામ ફ્લાઈટ્સ રદ કરવાની જાહેરાત કરવી પડી છે. અગાઉ કંપનીએ માત્ર ત્રણ દિવસ માટે ફ્લાઈટ્સ બંધ કરી હતી. જોકે, નાણાકીય કટોકટીનો ઉકેલ નહીં આવવાના કારણે GoFirstની મુશ્કેલીઓ વધી છે.

ડીજીસીએએ અગાઉ 3 મે થી 5 મે સુધીની ફ્લાઈટ્સ રદ કરવા માટે એરલાઈનને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. આ નોટિસનો જવાબ મળ્યા બાદ DGCAએ કહ્યું કે ગો ફર્સ્ટ અચાનક ઓપરેશન રદ કર્યા બાદ મુસાફરોને પડતી અસુવિધા ઘટાડવા માટે તત્પર છે.

આવી સ્થિતિમાં, મુસાફરોએ તેમની ટિકિટના રિફંડની માંગ કરવાનો મુદ્દો ઉઠાવ્યો છે. હવે એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ આ અંગે આદેશ જારી કર્યો છે. DGCAએ કહ્યું છે કે GoFirstએ મુસાફરોને રિફંડ આપવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. 

આ અગાઉ મુશ્કેલીમાં મુકાયેલી GoFirst એ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસેથી કેટલીક બાબતો પર વચગાળાના નિર્દેશો માંગ્યા હતા. GoFirst દ્વારા માંગવામાં આવેલા નિર્દેશોમાં એરક્રાફ્ટ પરત લેવા પર રોક લગાવવી અને રેગ્યુલેટર DGCA ને એરલાઇન સામે કોઈપણ પ્રતિકૂળ પગલાં લેવાથી રોકવાનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએકે એરલાઈન્સ GoFirst એ 17 વર્ષ પહેલાં કંપની શરૂ કરી હતી. એરલાઈન્સે કહ્યું છે કે પ્રેટ એન્ડ વ્હીટની દ્વારા એન્જિનની સપ્લાય ન થવાને કારણે તેના અડધાથી વધુ પ્લેન ગ્રાઉન્ડ થઈ ગયા છે, જેના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. એરલાઇન્સના માથે રૂ. 11,463 કરોડનું દેવું છે. જેમાં રૂ. 3,856 કરોડની રકમનો પણ સમાવેશ થાય છે જે તેણે ઓપરેશનલ લેણદારોને ચૂકવવામાં ડિફોલ્ટ કર્યું છે. એરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓના લેણાં રૂ. 2,600 કરોડ છે.

Most Popular

To Top