Comments

એક એવી આર્થિક મહાસત્તા જ્યાં નાની બાળકીને કૂતરાં ફાડી ખાય છે

એક નાગરિક તરીકે તમને કઈ વાતમાં ગુસ્સો આવશે? ક્યા સમાચાર તમને ખલેલ પહોંચાડશે? એક મુસ્લિમ યુવકે ઇસ્લામની ટીકા કરનારા વ્યક્તિને દુકાનમાં ઘૂસીને મારી નાખ્યો એ સમાચારથી જો આપણે ગુસ્સે થતા હોઈએ તો ગુજરાતમાં છેલ્લા મહિનામાં ઉપરાઉપરી દસ બાર બાળકો પર રસ્તે રખડતાં કૂતરાંએ હુમલો કર્યો.બે ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો એ સમાચાર પણ આપણને વ્યથિત કરવા જોઈએ.ગત વર્ષમાં ઓછામાં ઓછા દસ લોકોએ રસ્તે રખડતા ઢોરને કારણે જીવ ગુમાવ્યો એ વાત ચિંતાનો વિષય બનવી જોઈએ. હજુ હમણાં જ વડોદરામાં ઉત્તરાયણના પંદર દિવસ પછી રસ્તે જતા બાઈકચાલકનું પતંગની દોરીથી ગળું કપાયું અને તે મૃત્યુ પામ્યો. શું આ યોગ્ય છે? શું આવા અપમૃત્યુ માટે આપણે કદી વિચારીએ છીએ કે આ કેવી રીતે અટકે? કોઈ પણ સમાચારને માત્ર હિંદુ અને મુસ્લિમના મુદ્દે વહેંચીને જોનારાં સૌને કહેવાનું કે આ તમામ અકસ્માતોમાં મરનારાં હિંદુ જ હતાં પણ તેથી એ આગળ તે આપણા દેશના જ ભારતીય જ હતા.

ભારતમાં અત્યારે ભારતની આર્થિક પ્રગતિના રાજકીય વાજા વગાડવામાં આવે છે.  વર્ષો પહેલાં રાષ્ટ્રીય આવકના માપદંડનો આંતર રાષ્ટ્રીય રાજનીતિના ભાગ રૂપે ઉપયોગ થયો. હવે આ જ માપદંડનો આંતરિક રાજનીતિના માપદંડ તરીકે ઉપયોગ થાય છે. દેશનો આર્થિક વિકાસ થાય, આવક, રોજગારી, નિકાસનો સતત વધારો થાય એ કોને ના ગમે? દેશની આર્થિક પ્રગતિ થાય પણ સાથે સાથે તે આર્થિક પ્રગતિના લાભ દેશના છેવાડાના માણસો સુધી પહોંચવા જોઈએ.રાષ્ટ્રીય આવકની સાથે માથાદીઠ આવક અને હવે તો પ્રજાના ભૌતિક જીવનધોરણનો દેશના આર્થિક વિકાસના માપદંડ તરીકે હવે ઉપયોગ થાય છે તે વાત ભૂલી જવા જેવી નથી.

દર બે દિવસે નેતાઓ અને પછી તેમના માનીતા લેખકો,વક્તાઓ દેશ દુનિયાની છ મોટી આર્થિક સત્તા છે તે વાત રમતી મૂકી દે છે. પણ આર્થિક તુલનામાં માત્ર રાષ્ટ્રીય આવકનો કુલ આંકડો કોઈ કામનો નથી. દુનિયાના જે છ દેશો અબજો કરોડોની રાષ્ટ્રીય આવક સાથે આર્થિક વિશ્વમાં ટોચ ઉપર છે તેમાં ચીન અને ભારત જ અતિ વસ્તી ધરાવે છે. પાંચ ટ્રીલીયન ડોલરથી વધુ આવકની અર્થ વ્યવસ્થાવાળા અમેરિકાની વસ્તી ત્રીસ કરોડ નજીક છે. મતલબ ભારત કરતાં પાંચ ગણી ઓછી. ફ્રાંસ કે  જર્મની આવકની રીતે આપણા કરતાં પાછળ હોય, પણ વસ્તીમાં એટલા બધા પાછળ છે કે ત્યાં આર્થિક સમૃદ્ધિ અહીં કરતાં વધુ અનુભવાય છે.

જો આપણે અમેરિકા, જર્મની, ફ્રાંસ, ઇંગ્લેન્ડ કે ચીન સાથે આવકની તુલના કરીને હરખાતાં હોઈએ તો એ તુલના પણ કરવી જોઈએ કે આમાંથી ક્યા દેશમાં રસ્તે રખડતાં ઢોર અથડાવાથી માણસ મૃત્યુ પામે છે? આમાંથી ક્યા દેશમાં પોલ ગલીમાં રમતા બાળકને કૂતરાં ફાડી ખાય છે? આ દેશોમાં બનતા પુલ તૂટી પડવાની, સ્કૂલ બોટ ડૂબી જવાની છાસવારે ઘટના નથી બનતી. આ દેશોમાં જાહેર ગટર વ્યવસ્થામાં માણસ સફાઈ કરવા નથી ઉતરતો અને ગૂંગળાઈને મૃત્યુ નથી પામતો.

વાત દેશની પ્રગતિ ઉતારી પાડવાની નથી. દેશ ચોક્કસ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યો છે, કેટલાક વ્યવસાય અને લોકોની આવક અઢળક વધી છે.પણ આપણા જાહેર જીવન અને કાયદો વ્યવસ્થામાં આપણને વિકાસનો અનુભવ થતો નથી. આપણે આવતાં વર્ષોમાં બુલેટ ટ્રેન સુવિધાવાળો દેશ બની જઈશું, પણ આપણા આદિવાસી વિસ્તારોમાં બાળકો નદી પાર કરીને સ્કૂલે જતાં હશે તે તકલીફ દૂર નહીં થાય.

નેતાઓ આજના વિકાસથી સંતોષ ભલે માની લે, પ્રજા તરીકે આપણે સંતોષ માનવા જેવો નથી. આપણે સત્તાને સતત યાદ અપાવવાની જરૂર છે કે હજુ ઘણું કરવાનું બાકી છે. દુનિયાના મહાસત્તા ગણાતાં અને વિકસત ગણાતાં રાષ્ટ્રોમાં  પ્રજાના જાહેર જીવનમાં વિકાસનો અનુભવ છે. દુનિયાની છ મોટી અર્થ વ્યવસ્થામાં આપણા દેશમાં જ અલ્પવિકસિત દેશોમાં થાય તેવાં અપમૃત્યુ થાય છે. જો દેશના આગેવાનો સત્તાવાળાઓને પ્રજાના જીવનનું મૂલ્ય ના હોય તો રાષ્ટ્રીય આવકના આંકડાઓનું અમારે કોઈ મૂલ્ય નથી.

આવા મૃત્યુનો આપણે જવાબ માંગવો પડશે. છેલ્લાં વર્ષોમાં રસ્તે રખડતાં ઢોર દૂર કરવાથી માંડી સ્કૂલ પ્રવાસની સેફટી સુધીની પ્રજાલક્ષી બાબતોમાં કોર્ટના હુકમ પછી શાસકો જાગ્યા છે. પણ કોર્ટ બધે નહીં આવી શકે. પૂછવું પડશે કે સ્કૂલ બસ કે રીક્ષામાં નિયમપાલન કોણ કરાવશે? શટલ રીક્ષાના ત્રાસમાંથી શહેરને કોણ છોડાવશે? દવાખાનાથી માંડીને શાળાઓની ઉઘાડી લૂંટ નિયંત્રિત કોણ કરશે? સરકાર આના માટે જ છે. સરકારનું મુખ્ય કામ જ કાયદો વ્યવસ્થા પાળવાનું છે. દુઃખ તો એ વાતનું છે કે આટઆટલા મૃત્યુ પછી પણ પ્રજાને ગુસ્સો નથી આવતો માટે જ શરૂઆતમાં જે પ્રશ્ન પૂછ્યો તે ફરી યાદ આવે છે કે શું કોઈ મુસલમાન હિંદુને મારે ત્યારે જ આપણને ગુસ્સો આવે? અવ્યવસ્થા અને અરાજકતામાં માણસ મારે ત્યારે ના આવે?
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top