Vadodara

અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર રૂ.2નો વધારો

આણંદ: આણંદ સ્થિત ગુજરાત કો – ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમુલ ફેડરેશન) દ્વારા અમૂલ પાઉચ દૂધના ભાવમાં 17મીથી પ્રતિલીટર રૂ.2નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તત્કાલ લાગુ કરાયેલા આ ભાવ વધારા પાછળ ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં વધારો થયો હોવાનું કારણ આપવામાં આવ્યું છે. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમુલ ફેડરેશન) કે જેમના દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટીંગ કરવામાં આવે છે. તેમના દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત, દિલ્હી એનસીઆર, મુંબઇ, પશ્ચિમ બંગાળ અને અન્ય તમામ બજારોમાં 17મી ઓગષ્ટ,2022થી દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારોમાં 17મી ઓગષ્ટ,22થી 500 મિલી અમૂલ ગોલ્ડનો ભાવ રૂ.31, જ્યારે 500 મિલી અમૂલ તાજાનો ભાવ રૂ.25 અને 500 મિલી અમૂલ શક્તિ દૂધનો ભાવ રૂ.28 પ્રતિ થશે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2નો વધારો થયો છે. જે મહત્તમ વેચાણ કિંમતમાં ટકાવારીની દ્રષ્ટિએ 4 ટકાનો વધારો સૂચિત કરે છે. જે હજુ પણ સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે. આ ભાવ વધારો એકંદરે ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકના ખર્ચમાં અંદાજીત 20 ટકા જેટલો વધારો થયો છે. ઇનપુટ ખર્ચ અને પશુઓના ખોરાકમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અમૂલ ફેડરેશનના સંલગ્ન દૂધ સંઘો દ્વારા પણ ખેડૂતોના દૂધ સંપાદનના ભાવમાં પાછલા વર્ષની સરખામણીએ 8થી 9 ટકા જેટલો વધારો કર્યો છે.

Most Popular

To Top