Comments

અમિતાભનું કથન ચોંકાવનારું પણ વધારે રાહત પહોંચાડનારું

વર્તમાન યુગના મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચને તેમના ટીકાકારોને સુખદ આંચકો આપ્યો છે અને શાસકોને ઝટકો આપ્યો છે. અમિતાભ બચ્ચન અને આવું બોલે! બન્ને પક્ષને વિસ્મય થઈ રહ્યું છે. પણ તમને આની જાણ નથી ને? ક્યાંથી હોય! ગોદી ગલૂડિયાં તમને એ જ કહે છે જે કહેવાનું તેમને કહેવામાં આવ્યું હોય અને એ નથી કહેતા જે ન કહેવાનું તેમને કહેવામાં આવ્યું હોય. દેશમાં કોરોનાનો ઉપદ્રવ શરૂ થયો ત્યારે વડા પ્રધાને કહ્યું હતું કે ચિંતા કરવાની જરૂર નથી. મહાભારતના યુદ્ધનો જેમ ૧૮ દિવસમાં અંત આવ્યો હતો તો કોરોના જીવાણુનો અંત તો એનાથી પણ વહેલો આવશે. હું કહું છું ને! બસ પણ તમારે એક કામ કરવાનું છે.

તેમણે દેશની જનતાને એક ટોટકો આપ્યો હતો કે તમારે ચોક્ક્સ દિવસે ચોક્ક્સ સમયે સપરિવાર હાથમાં થાળી લઈને પીટવાની છે અને કોરોનાના જીવાણુને કહેવાનું છે કે ‘ગો કોરોના ગો….’ અનેક લોકોએ થાળી પીટી હતી જેમાં અમિતાભ બચ્ચન અગ્રેસર હતા. તેઓ પૂરા પરિવાર સાથે તેમના બંગલાની અગાશીમાં ગયા હતા અને શ્રધ્ધાપૂર્વક થાળી પીટીને કોરોનાને દેશ છોડી જવાની તાકીદ કરી હતી. એમાં જરાય આશ્ર્ચર્ય ન થવું જોઈએ કે મોટી સંખ્યામાં મીડિયા અમિતાભ બચ્ચન અગાશીમાં પહોંચે એ પહેલાં બંગલાના રોડની સામેની બાજુએ પહોંચી ગયા હતા અને કેમેરા ગોઠવીને તૈયાર હતા. દેખીતી રીતે મીડિયાને આગોતરી જાણ કરવામાં આવી હોય તો જ આવું બને. અમિતાભ બચ્ચને હોંશે હોંશે એક હાસ્યાસ્પદ ઘટનામાં ભાગ લીધો હતો.

અને તમને એ વાતની તો જાણ હશે જ કે અમિતાભ બચ્ચન ગુજરાતના બ્રેન્ડ એમ્બેસેડર હતા. નરેન્દ્ર મોદીની ભારતના કોઈ પણ રાજયના મુખ્ય પ્રધાનની તુલનામાં શ્રેષ્ઠ મુખ્ય પ્રધાન તરીકેની અને ઇતિહાસમાં ક્યારેય ન થયા હોય એવા નેતા તરીકેની ઓળખ વિકસાવવામાં અને હવે પછી દેશના વડા પ્રધાનપદ માટે ઉત્તમ ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં અમિતાભ બચ્ચનનો ગુજરાતનાં બ્રેન્ડ એમ્બેસેડર તરીકે ફાળો હતો.

માટે આ લખનાર સહિત અનેક લોકો અમિતાભ બચ્ચનને મહાન કલાકાર પણ કરોડરજ્જુ વિનાના સામાન્ય દરજ્જાના ઈન્સાન તરીકે જોતા આવ્યા છે. અંગત નુકસાન થાય એવી ક્યારેય કોઈ ભૂમિકા નહીં લેવાની. પણ આ વખતે તેમણે ચોંકાવી દીધા. કોલકોતામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના ઉદઘાટન સમારંભમાં અમિતાભ બચ્ચને ૩૦ મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું. તેમના લેખિત ભાષણમાં તેમણે ભારતીય સિનેમાનો રાજ્ય સાથેના સંબંધોનો અને સમાજના ઠેકેદારો સાથેના સંબંધોનો એક ચિતાર આપ્યો હતો.

આઝાદી પહેલાંનો અને આઝાદી પછીનો. સિનેમાસર્જકોએ અથડામણ વહોરી હતી. પોતાના અવાજને ગૂંગળાવા નહોતો દીધો. શાસકો અને સ્થાપિત હિતોની સામે પડીને તેમણે અદના આદમીને તેમ જ શોષિતોને વાચા આપી હતી. હિન્દુ મુસલમાન વચ્ચે તિરાડ પાડવાના અંગ્રેજોના પ્રયત્નોને નિષ્ફળ બનાવવામાં અને મુસલમાનોની પડખે ઊભા રહેવા અને એ રીતે દેશની સામાજિક એકતા જાળવી રાખવામાં ફિલ્મસર્જકોએ એક ભૂમિકા નિભાવી હતી.

અમિતાભ બચ્ચન ભારતીય સિનેમાના સર્જન સ્વાતંત્ર્યનો તેમ જ સામાજિક સરોકારનો એક સદીનો મનનીય કેનવાસ આપ્યા પછી તેમણે વર્તમાનની વાત કરી હતી જેમાં સત્તાવાર સેન્સરનો માર્ગ અપનાવ્યા વિના સામાજિક અને પ્રજાકીય દબાવોનો ઉપયોગ કરીને સર્જન સ્વાતંત્ર્યને રૂંધવામાં આવી રહ્યું છે. તેમનો ઇશારો શાહરૂખ ખાનની ફિલ્મ વિશે હતો. આમિર ખાનની ફિલ્મના કરવામાં આવેલા બહિષ્કાર વિષે હતો. એ પછી તેમણે આજકાલ ઇતિહાસની કોઈ ઘટના કે ઇતિહાસ પુરુષને લઇને ફિલ્મો બનાવવાનો જે દોર ચાલી રહ્યો છે તેનો ઉલ્લેખ કર્યો હતો અને તેને તેમણે અંગ્રેજીમાં ઇમેજિનરી ઝિંગોઇઝમ (કાલ્પનિક રાષ્ટ્રવાદી ઉન્માદ) તરીકે ઓળખાવ્યો હતો. આમાં કોઈ ઐતિહાસિક ઘટના અને ઇતિહાસ પુરુષ તો એક નિમિત્ત હોય છે મુખ્ય એજન્ડા કાલ્પનિક રાષ્ટ્રવાદી ઉન્માદ પેદા કરવાનો હોય છે.

તેમણે તેમના ભાષણમાં જે છેલ્લી વાત કહી એ તો કોઈ સામાજિક હિતોને વરેલા પ્રતિબદ્ધ કલાકાર કહે એવી હતી. તેમણે સત્યજીત રાય, મૃણાલ સેન અને ઋત્વિક ઘટકનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે અત્યારે સમય આવી ગયો છે કે આપણે તેમની પાસે પાછા જઇએ. તેમણે સિનેમાને સાર્થકતા આપી હતી. અને એ પછી કહ્યું હતું કે આવતું વર્ષ સત્યજીત રાયનું શતાબ્દી વર્ષ હશે, પણ અત્યારે સત્યજિત રાય હયાત હોય તો? તેમણે ખાસ સત્યજિત રાયની ફિલ્મ ‘‘ગણશત્રુ’’નો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આજે જો સત્યજિત રાય હયાત હોય તો તેમની હાલત એવી થઈ હોત જેવી તેમના ‘‘ગણશત્રુ’’ના નાયકની થઈ હતી.

ઘણા વાચકોને ‘ગણશત્રુ’ફિલ્મ વિશે ખાસ કોઈ જાણકારી નહીં હોય એટલે અહીં થોડો પરિચય કરાવવો રહ્યો. ‘ગણશત્રુ’હેનરિકઇબ્સનની મહાન કૃતિ ‘એન એનીમી ઓફ ધ પીપલ’પર આધારિત છે. ફિલ્મની કથા એવી છે કે એક કસબામાં અશોક ગુપ્તા નામના લોકો માટે નિસબત ધરાવનારા એક તબીબ રહે છે. કસબામાં અચાનક કમળાના કેસો વધવા લાગે છે. ડૉક્ટર અશોક ગુપ્તાને સમજાઈ જાય છે કે આ પ્રદૂષિત પાણીનું પરિણામ છે. ગામના દરેક કૂવા અને જળાશયોનાં પાણીની ચકાસણી તેઓ કરે છે પણ કોઈ પાણી બિમારી પેદા કરે એવું પ્રદૂષિત નહોતું. એક દિવસ તેમના ધ્યાનમાં આવ્યું કે લોકો ભક્તિભાવથી મંદિરમાં જાય છે અને ત્યાં તેમને ચરણામૃત આપવામાં આવે છે અને લોકો એ પીવે છે. ડૉ. ગુપ્તા ચરણામૃતનાં પાણીની ચકાસણી કરે છે અને ધ્યાનમાં આવે છે કે ચરણામૃતનું પાણી પ્રદૂષિત છે.

મંદિર પ્રસિદ્ધ હતું. તેનું ચરણામૃત દરેક અસાધ્ય રોગોને પણ મટાડે એવું ચમત્કારી માનવામાં આવતું હતું. લોકો દૂરદરાજથી દર્શન કરવા અને ચરણામૃત પીવા આવતા હતા, તેની બંધ ટબૂડીઓ વેચાતી હતી, ધર્માચાર્યો લાખો રૂપિયા કમાતા હતા, બીજા અનેક ધંધા મંદિર પર આધારિત હતા અને આ ડૉક્ટર કહે કે પાણી પ્રદૂષિત છે એટલે ચરણામૃત ચમચીભર પણ પીવામાં ન આવે. લોકો ભલે મરે પણ ધંધો બંધ ન થવો જોઈએ. ડૉક્ટર અશોક ગુપ્તા પણ મોટા પ્રમાણમાં બીમાર પડતાં દર્દીઓની સારવાર કરીને પૈસા કમાઈ શક્યા હોત અને તેમને એવી સલાહ પણ આપવામાં આવી હતી, પરંતુ તેમનો માંહ્યલો જાગતલ હતો. તેમણે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો અને શું થયું ખબર છે? તેમને સ્થાપિત હિતોએ પ્રજાના શત્રુ જાહેર કર્યા. ધર્મવિરોધી અને નાસ્તિક જાહેર કરવામાં આવ્યા. પછી તેમને જે રીતે સતાવવામાં આવ્યા એની કોઈ સીમા નહોતી. સતાવનારાઓમાં તેમાંના સગા ભાઈ પણ હતા જે રાજકારણી હતા. લોકો અંધભક્ત બની રહે અને તેમની કયારેય આંખ ન ખૂલે એમાં તેમનો સ્વાર્થ હતો. લોકો મરે એનાથી તેમને કોઈ ફરક નહોતો પડતો. ધર્મ, સત્તા અને વાણિજ્યની ધરી રચાય છે અને એ ધરી એટલી શક્તિશાળી હોય છે જે એક ભલા માણસને પણ પ્રજાના શત્રુ જાહેર કરી શકે છે.

આપણને ગુજરાત વિરોધીઓની એક જમાત ઓળખી બતાવવામાં આવી હતી. હજુ હમણાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે ગુજરાતના શત્રુ તરીકે વડા પ્રધાને મેધા પાટકરને ખાસ યાદ કર્યાં હતાં. એ સિવાય હિન્દુઓના શત્રુ, દેશના શત્રુ, રાષ્ટ્રના શત્રુ એવી મોટી યાદી છે જેનાથી તમે વાકેફ છો. કદાચ તમે પણ એ યાદી લઇને ફરતા હશો. વાસ્તવમાં આ લોકો પ્રજામિત્ર છે જે પ્રજાનાં હિતની વાત કરે છે પણ ઉપર કહી એવી ધરીને એવા માણસો પોસાતા નથી એટલે તેમને ‘‘ગણશત્રુ’’અર્થાત્ પ્રજાનાં શત્રુ જાહેર કરવામાં આવે છે. ગમે તે થાય, પ્રજાની આંખ ખુલવી ન જોઈએ. એ માટે ભાઈ પણ ભાઈની વિરુદ્ધ જઈ શકે.

અમિતાભ બચ્ચને કહ્યું કે આજે જો સત્યજિત રાય હયાત હોય તો તેમની હાલત એવી જ થાય જેવી તેમની ફિલ્મના નાયકની થઈ હતી. અમિતાભ બચ્ચનનું આ કથન ભલે ચોંકાનારું છે પણ એનાથી વધારે રાહત પહોંચાડનારું છે. હવે ઘડીભર વિચારો કે નસીરુદ્દીન શાહ કે આમીર ખાન કે શાહરૂખ ખાને આ વાત કહી હોત તો? તો ગોદી ગલૂડિયાં તેમના પર તૂટી પડ્યાં હોત. ભક્તો ક્રોધાયમાન થઈને ધૂણતા હોત. પણ અમિતાભ બચ્ચન તો મહાનાયક છે, કરોડો લોકો તેમને ચાહે છે એટલે તેમના કથનને ઢબૂરી દેવામાં આવ્યું. ખબર પ્રસારિત કરવાની નહીં કે તેના વિષે બોલવાનું જ નહીં! અનુપમ ખેરને પણ કહેવામાં આવ્યું હશે કે દેશપ્રેમ પર લગામ રાખવાની છે.

અહીં એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે જેનાં વિશે ભક્તોએ વિચારવું જોઈએ. શા માટે સમયને અતિક્રમી જનારા મહાન સર્જકો ‘‘ગણશત્રુ’’બનાવે છે અને ‘કાશ્મીર ફાઈલ્સ’નથી બનાવતા? અથવા શા માટે ‘કાશ્મીર ફાઈલ્સ’બનાવનારાને માત્ર બે મહિનામાં જ્યુરીની ઝાપટ ખાવી પડે છે જયારે ‘‘ગણશત્રુ’’ને દાયકાઓ પછી પણ યાદ કરવામા આવે છે? જવાબ સરળ છે. કઢીચટ્ટા આ મહાન કૃતિ ન આપી શકે અને મહાન સર્જકો કઢી ન ચાટી શકે. અમિતાભ બચ્ચનને પણ એવું લાગવા માંડ્યું હશે કે વ્યવસાયી હિતો અને ભય અંદર બેઠેલા સર્જકને મારી રહ્યો છે. એક કલાકારનો તરફડાટ અસહ્ય બનવા લાગ્યો હશે અને બોલી નાખ્યું!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top