Vadodara

ભારે આગાહી વચ્ચે શહેરમાં માત્ર ઝાપટાં પડ્યા

વડોદરા : હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને વડોદરા સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી હતી. વડોદરા જીલ્લામાં દિવસભર છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ  શહેરમાં પણ દિવસભર કાળા વાદળો સાથે ઝાપટાઓ વરસતા રહ્યા હતા છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લેતા વડોદરા શહેર અને જિલ્લામાં થોડી રાહત થઇ હતી જોકે ગુજરાત સહિત વડોદરા શહેર અને જિલ્લામાં વરસાદની હવામાન વિભાગની આગાહી મુજબ આજે સવારથી જ  આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા.

જોકે ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે માત્ર ને માત્ર છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો દિવસભર ઉકળાટ વચ્ચે બપોરના સમયે શહેરમાં જોરદાર વરસાદી ઝાપટાએ ફરી એકવાર રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને એક બે દિવસથી વધી રહેલી ગરમીમાં વડોદરાના નગરજનોને રાહત અનુભવી હતી વરસાદ સાથે ગરમીનો પારો પણ ગગડી ગયો હતો  વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી. દિવસભર ઝાપટાઓને  કારણે અનેક વાહન ચાલકો અને રાહદારીઓ અટવાય ગયા હતા.

આજવાની સપાટી સ્થિર, વિશ્વામિત્રીમાં ઘટાડાથી કિનારે વસતા લોકોમાં રાહત

શહેર અને જિલ્લામાં વરસાદનું જોર ઘટતા આજવા સરોવરની સપાટીમાં નજીવો વધારો થયો હતો. ગઇકાલના પ્રમાણમાં આજે કોઈ મોટો વધારો નોધાયો ન હતો અને  આજવા સરોવરની સપાટી ૨૦૯.૫૦ ફૂટ થઈ હતી, જ્યારે વિશ્વામિત્ર નદીની સપાટી ઘટીને ૧૩.૫૦ ફૂટે પહોંચી હતી. ગઈકાલે વિશ્વામિત્રી બે કાંઠે જોવા મળે હતી. વિશ્વામિત્રીની સપાટી ઘટતાં નદીની આસપાસ રહેતા હજારો લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પાંચ દિવસ સુધી વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ  રાજસ્થાન પર સર્ક્યુલેશનને લઈ ઉત્તર ગુજરાત સાથે મધ્ય ગુજરાત માં વરસાદ થશે  વડોદરામાં  સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ અનુસાર પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે અને ક્યાંક ભારે કે પછી મધ્યમ વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહી ને લઈને તંત્ર પણ એલર્ટ બન્યું છે

Most Popular

To Top