Gujarat

ગુજરાત સરકારે પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે : કેગ

ગાંધીનગર : ગુજરાતના (Gujarat) સમુદ્રતટનો વિકાસ કરવામાં કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓની (agency) મંજૂરી લેવામાં બેદરકારી દાખવીને સરકાર અને તેના વિભાગોએ પર્યાવરણને નુકશાન કર્યું છે. ખાસ કરીને વિવિધ પ્રોજેક્ટોમાં સીઆરઝેડની મંજૂરી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી નથી. દરિયાકિનારે મેન્ગ્રુવનો વિનાશ કરવામાં આવ્યો છે. હરીત શાળાઓમાં ઊંચાભાવે ખરીદી કરવામાં આવી છે. માર્ગો ને પુલોના બાંધકામમાં પણ મંજૂરીઓમાં અખાડા કરવામાં આવ્યા છે. આજે વિધાનસભામાં રજૂ સીએજીના રિપોર્ટમાં સરકારની આકરી ટીકા કરાઈ છે.

ભારતના નિયંત્રક અને મહાલેખા પરિક્ષક (સીએજી)નો સમુદ્રતટીય પર્યાવરણના સંરક્ષણ અને વ્યવસ્થાપનની કામગીરીના ઓડિટ રિપોર્ટમાં કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. સીએજીનું કહેવુ છે કે, પૃથ્વી પર જેમ જીવન છે તેમ દરિયાઇ પાણીની નીચે પણ એક જીવન છે, જેને બચાવવાના તેમજ સંરક્ષણના પ્રયાસ જરૂરી છે. રિપોર્ટમાં એવું પણ ધ્યાન પર આવ્યું છે કે સીઆરઝેડની જોગવાઇના ઉલ્લંઘનના 32 કેસો પૈકી 14નો ઉકેલ લાવવાનો બાકી છે અને ચાર કેસો ન્યાયાધિન છે.
સરકારી વિભાગો, મહાનગરપાલિકાઓ, સ્વાયત્ત સંસ્થાઓ અને જાહેરક્ષેત્રોના ઉપક્રમો દ્વારા સીઆરઝેડના ઉલ્લંઘનના કેસો સામે આવ્યા છે, જેમાં સીઆરઝેડની મંજૂરી મેળવવામાં આવી નથી. મેન્ગ્રુવનો નાશ કરવામાં આવ્યો છે અને સીઆરઝેડ વિસ્તારમાં બિન પરવાનગીપાત્ર પ્રવૃત્તિઓ કરવામાં આવી છે.

મહત્વનું છે, કે આ વિસ્તારોમાં ગેરકાયદે તેમજ અનિધિકૃત બાંધકામોનું સંચાલન અને પ્રસારને શોધી કાઢવા કોઇ મજબૂત પ્રણાલી ઊભી કરવામાં આવી નથી. ઉલ્લંઘનો શોધી કાઢવા જીયો રેફરન્સ સહિતના સીઝેડએમપીની સાથે રિમોટ સેન્સિંગ એપ્લિકેશનોના ઉપયોગ દ્વારા દરિયાકાંઠાની સામયિક મોજણી માટેની કોઇ પદ્ધતિ અસ્તિત્વમાં નથી. એટલુ જ નહીં પરતું જે દબાણો સરકારના ધ્યાન ઉપર લાવવામાં આવ્યા છે તે દૂર કરવામાં પણ સરકાર નિષ્ફળ ગઇ છે. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ગંદા પાણીના નિકાલની પ્રક્રિયા થતી નથી અને આ પાણી જળાશયોમાં છોડવામાં આવી રહ્યું છે.

સીએજીના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર દરિયાકાંઠે મેન્ગ્રુવના વાવેતરનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ કુલ વાવેતરના 21 ટકા વિસ્તારમાં પરીક્ષણ અને ચકાસણી કરતાં હકીકતે વિસ્તાર વધ્યો નથી. જીઆઇએસ ટેકનિકના ઉપયોગ દ્વારા 33 સ્થળનું ઓડિટ કરવામાં આવ્યું હતું. તેમાં બહાર આવ્યું છે કે સરકારે કુલ 9415 હેક્ટરમાં મેનગ્રુવ્સના વાવેતરનો દાવો કર્યો હતો જોકે, 1968.80 હેક્ટરમાં જ વાવેતર થયું હોવાનું બહાર આવ્યું છે. જોવા મળ્યું છે, આથી સરકારે મેન્ગ્રુવ્સ વાવેતરની ઘટમાં સંડોવાયેલી એજન્સીઓને જવાબદારી નક્કી કરી પગલાં લેવા જોઇએ.

ખરાઇ નસલના ઉંટના અસ્તિત્વ સામે જોખમ…
ખરાઇ નસલના ઉંટ તરતા ઉંટ તરીકે પ્રખ્યાત છે. તે માત્ર ગુજરાતમાં મળી આવતી એક પ્રજાતિ છે. તે જમીન અને કિનારાના એમ બેવડા પર્યાવરણમાં રહે છે. મેન્ગ્રુવના વૃક્ષો આ વિશિષ્ટ જાતિ માટે જીવાદોરી છે અને આ વનસ્પતિનો વિનાશ એ તેના અસ્તિત્વ માટે જોખમરૂપ બની શકે છે કચ્છ જિલ્લામાં કચ્છ કેમલ બ્રિડર્સ એસોસિયેશન તરફથી વ્યાપર ફરિયાદો છતાં સરકારના ધ્યાનમાં આ હકીકત આવી નથી.
આ બાબત છેવટે રાષ્ટ્રીય હરિત પંચ (એનજીટી) સમક્ષ ગઇ હતી અને તેણે છ મહિનામાં મેન્ગ્રુવની ફરીથી સ્થાપન કરવાનો વન અને પર્યાવરણ વિભાગને આદેશ કર્યો હતો છતાં સરકારે પગલાં ભર્યા નથી. સમિતિના અહેવાલમાં બહાર આવ્યું છે કે 9511 મીટરના પાળા બાંધવામાં આવ્યા હતા અને આશરે 117 હેક્ટરમાં મેન્ગ્રુવનો વિનાશ કરવામાં આવ્યો હતો.

કચ્છના સીઆરઝેડમાં ત્રણ રિસોર્ટ બની ગયા…
કચ્છના માંડવીમાં સીઆરઝેડની અંદર ત્રણ રિસોર્ટનું બાંધકામ કરવામાં આવ્યું છે. તપાસ દરમિયાન જણાયું છે કે સેરેના બીચ રિસોર્ટે 26 રૂમો તાણી બાંધી છે. એટલું જ નહીં એક રેસ્ટોરન્ટ, એક દુકાન, બે બેન્કવેટ હોલ, ત્રણ ઓફિસ, 15 સ્ટાફરૂમ સહિતના બાંધકામ કરી દીધાં છે. બીજા કેસમાં ખુદ ટીસીજીએલ એ રિસોર્ટ બનાવી તેમાં ડાઇનિંગ હોલ, ઓફિસ અને 32 રૂમ બાંધી દીધી છે. ત્રીજી કેસમાં એચવી રિસોર્ટ્સ કંપનીએ 11 રૂમ, ચાર ભુંગા અને એક રેસ્ટોરન્ટ બનાવી છે. આ તમામને નોટિસ આપવામાં આવી હતી છતાં કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.

બેટ – દ્વારકા ઓખા વચ્ચેનો પુલ વિવાદમાં આવી ગયો
બેટ દ્વારકા અને ઓખા વચ્ચેના દરિયાઇ પુલના બાંધકામની યોજનામાં માર્ગ-મકાન વિભાગના જામનગર પ્રભાગ સંકળાયેલો છે. આ યોજના પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારમાં હોવાથી રાજ્ય પર્યાવરણીય અસર મૂલ્યાંકન સત્તામંડળ પાસેથી સંયુક્ત મંજૂરી એટલે કે સીઆરઝેડ મંજૂરી અને પર્યાવરણ મંજૂરી એ બંને જરૂરી હતા છતાં પ્રસ્તાવ કે માત્ર સીઆરઝેડ માટે મંજૂરીની અરજી કરી હતી.

હરીત શાળાની કલ્પનામાં ઊંચા ભાવે ખરીદી કરી
રાજ્યમાં હરીત શાળાની કલ્પના કરવામાં આવી છે પરંતુ તેના માટે ખરીદ કરવામાં આવેલી ચીજવસ્તુઓના ભાવ બજારભાવ કરતાં અનેકગણાં ઊંચા છે. સીસીટીવી કેમેરા, વોટરકુલર, અગ્નિશામક, ગાણિતિક પ્રયોગશાળા, બાળકોના રમતગમતના સાધનો, પબ્લિક એડ્રેસ, સેટઅપ, વર્ગખંડો માટે પ્રોજેક્ટર અને સૌર્ય ઉર્જાના પ્લાન્ટની ખરીદી ઊંચી કરવામાં આવી છે.

Most Popular

To Top