ભારે ટીકાનો સામનો કર્યા બાદ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ પોતાનો નિર્ણય બદલ્યો છે. દિલ્હીમાં બોલાવેલી નવી પ્રેસ કોન્ફરન્સમાં હવે મહિલા પત્રકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અગાઉ તેમની ટીમે મહિલા પત્રકારોને બાકાત રાખતાં વિવાદ સર્જાયો હતો.
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી હાલમાં ભારતની એક અઠવાડિયાની મુલાકાતે છે. તેમની અગાઉની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહિલા પત્રકારોને હાજરી આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેના કારણે ભારે વિરોધ ઉઠ્યો હતો. પત્રકારો, મહિલા અધિકાર સંગઠનો અને રાજકીય નેતાઓએ આ નિર્ણયને ભેદભાવપૂર્ણ અને અયોગ્ય ગણાવ્યો હતો.
આ ટીકા બાદ મુત્તાકીની ટીમે રવિવારે નવી દિલ્હીમાં નવી પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આ વખતે બધા મીડિયા કર્મચારીઓ, જેમાં મહિલા પત્રકારો પણ સામેલ છે. તેમને આમંત્રણ આપ્યું. આ પગલાને ઘણા લોકો “ટીકાના દબાણમાં લેવાયેલ યુ-ટર્ન” તરીકે જોઈ રહ્યા છે.
એડિટર્સ ગિલ્ડ અને IWPCની કડક ટીકા
અગાઉની પ્રેસ કોન્ફરન્સ પછી એડિટર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા અને ઇન્ડિયન વિમેન્સ પ્રેસ કોર્પ્સ (IWPC)એ અફઘાન ટીમના નિર્ણયની કડક ટીકા કરી હતી. બંને સંસ્થાઓએ જણાવ્યું કે મહિલા પત્રકારોને બાકાત રાખવાનું પગલું “અત્યંત ભેદભાવપૂર્ણ” છે અને તેને કોઈ રાજદ્વારી ન્યાયસંગતતા નથી. તેઓએ આ ઘટનાને લોકશાહી અને મીડિયા સ્વતંત્રતાના વિરુદ્ધ ગણાવી હતી.
ભારત સરકારનો જવાબ
આ વિવાદ વચ્ચે ભારત સરકારે સ્પષ્ટતા કરી છે કે પાછલી પ્રેસ કોન્ફરન્સના આયોજનમાં તેની કોઈ ભૂમિકા નહોતી. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે “અફઘાન વિદેશ મંત્રી દ્વારા દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વિદેશ મંત્રાલયની ભાગીદારી નહોતી.”
તાલિબાનની છબી સુધારવાનો પ્રયાસ
2021માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા ત્યારથી મહિલા અધિકારો પર પ્રતિબંધો અને સ્વતંત્ર મીડિયા પર નિયંત્રણ માટે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ રહી છે. હવે મહિલા પત્રકારોને આમંત્રણ આપીને મુત્તાકીનો આ પગલું તાલિબાન સરકારની સકારાત્મક છબી રજૂ કરવાનો પ્રયાસ ગણાય છે.