Columns

એડમિશન રદ કરાવનાર વિદ્યાર્થીને બાકી ટર્મની પ્રમાણસરની ફીનું રીફંડ કરવા કોચીંગ કલાસીસ જવાબદાર

એડમિશન આપતી વખતે એડમિશનના ફોર્મમાં વિદ્યાર્થી કુલ કોર્ષ પૂરો ન થાય ત્યાં સુધી ઇન્સ્ટીટયુટ છોડી જશે નહીં અને જો વિદ્યાર્થી કોઈ પણ કારણસર ટયુશન કલાસ છોડી જાય તો તેણે ઇન્સ્ટીટયુટને ચૂકવેલ ફીનું રીફંડ કલેમ કરશે નહીં એવું લખાણ વિદ્યાર્થી પાસે લખાવી લીધું હોય તો પણ તેવી શરત/તેવું લખાણ કુદરતી ન્યાયના સિધ્ધાંતોની વિરૂધ્ધનું હોવાનું ગ્રાહક અદાલતે ઠરાવ્યું.

ટયુશન ક્લાસમાં એડમિશન આપતી વખતે એડમિશનના ફોર્મમાં વિદ્યાર્થી કુલ કોર્ષ પૂરો ન થાય ત્યાં સુધી ઇન્સ્ટીટયુટ છોડી જશે નહીં અને જો વિદ્યાર્થી કોઈ પણ કારણસર ટયુશન કલાસ છોડી જાય, તો તેણે ઈન્સ્ટીટયુટને ચૂકવેલ ફીનું રીફંડ કલેમ કરશે નહીં – એવું લખાણ વિદ્યાર્થી પાસે લખાવી લીધું હોય તો પણ તેવી શરત/તેવું લખાણ કુદરતી ન્યાયના સિધ્ધાંતોની વિરૂધ્ધનું હોવાનું ઠરાવી અત્રેની ગ્રાહક કોર્ટે  2 અલગ અલગ કેસમાં વિદ્યાર્થીઓએ ટયુશન કલાસમાં ચૂકવેલ રકમ વ્યાજસહિત ચૂકવવાનો ટ્યુશન કલાસને હુકમ કર્યો છે.

સૈયદ રુકૈયા યુનુસ તેમજ સગીર ફરહત અંસારી વતી સગીરના પિતા હુસૈન મોહબ્દ તસવ્વરે (ફરિયાદીઓ)  એડવોકેટ શ્રેયસ દેસાઇ અને એડવોકેટ ઇશાન શ્રેયસ દેસાઇ મારફત અત્રેની સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ‘The Quark’ નામક કોચીંગ ઇન્સ્ટીટયુટ (ઘોડદોડ રોડ, સુરત) તેમજ તેના સંચાલક રવિકુમાર વિરૂધ્ધ દાખલ કરેલી ૨ અલગ અલગ પરંતુ એક સરખી ફરિયાદમાં જણાવ્યું હતું કે ફરિયાદીઓ નવેમ્બર – 2013માં ધોરણ 10માં ઉત્તીર્ણ થયેલ. સામાવાળા દ્વારા સામાવાળા નં. (1) ઈન્સ્ટીટયુટ ‘The Quark A Pioneer Institute for JEE – PMT – GUJ-CET – BOARD હોવાની તેમજ સામાવાળા નં. (1) ઈન્સ્ટીટયુટમાં જ્ઞાન અને સમજ ખૂબ જ સારી રીતે અને સારા અને નિષ્ણાત તજજ્ઞો દ્વારા આપવામાં આવશે એવી જાહેરાતો થતી હતી. જેનાથી પ્રેરાઈને ફરિયાદીઓએ XI 2YR GSEB Eng AIPMTમાં પ્રવેશ મેળવવા માટે સામાવાળા નં. (1) ઈન્સ્ટીટયુટનો સંપર્ક નવેમ્બર – 2013ના રોજ કરેલ. ફરિયાદીઓએ સામાવાળાની સૂચના મુજબ XI 2YR GSEB Eng AIPMTના 2 વર્ષના કુલ કોર્સની કુલ ફી રૂ. 97,000 ચેક અન્વયે જમા કરાવેલ અને સામાવાળાની સૂચના મુજબ માર્કશીટ વગેરેની ઝેરોક્ષ નકલો વગેરે જમા કરાવી પ્રવેશ કન્ફર્મ કરાવેલ.

ત્યાર બાદ ફરિયાદીઓને ઉપરોકત XI 2YR GSEB Eng AIPMTના કોર્ષના પ્રથમ સેમેસ્ટર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સામાવાળા દ્વારા અપાતું કોચીંગ / શિક્ષણની ગુણવત્તા સંતોષકારક ન જણાતા ફરિયાદીઓ સામાવાળાના ઈન્સ્ટીટયુટમાં આગળ અભ્યાસ કરવા માંગતા ન હતા. જેથી ફરિયાદીઓ દ્વારા સામાવાળાના મજકૂર ઈન્સ્ટીટયુટમાં ઉપરોકત એડમિશન રદ કરાવવા રૂબરૂ રજૂઆતો કરવામાં આવેલી.

ફરિયાદીઓ દ્વારા ભરવામાં આવેલ 4 સેમેસ્ટરની કુલ ફીની રકમ રૂ 97,000માંથી ફરિયાદીઓએ એક સેમેસ્ટરનો અભ્યાસ કરેલ હોવાથી એક સેમેસ્ટરના રૂ 24,500 બાદ કરતાં બાકી રહેતા રૂ 72,500 પરત ચૂકવવા રૂબરૂમાં વિનંતીઓ કરેલી પરંતુ સામાવાળા નં (1) (2)નાએ દાદ આપેલ નહીં. ફીના રીફંડ માટેની અરજીની (એકનોલેજમેન્ટ) આપવાનો પણ ઈન્કાર કરેલ. ફરિયાદીઓએ ત્યારબાદ તા : 29/12/2014ના રોજનો રજીસ્ટર્ડ પોસ્ટ એ.ડી. પત્ર લખીને ફીનું રીફન્ડ આપવાની લેખિત રજૂઆત કરેલી પરંતુ સામાવાળાએ ફરિયાદીઓને ફીનું રીફંડ આપેલ નહીં કે ફરિયાદી નં (2) ના પત્રનો જવાબ આપવાની દરકાર સુધ્ધાં કરેલ નહીં. જેથી ફરિયાદીઓએ ગ્રાહક અદાલતમાં ફરિયાદ કરાવવી પડેલ.

ફરિયાદીઓ તરફે ગ્રાહક અદાલત સમક્ષ એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઇએ દલીલો કરતા નામદાર નેશનલ કમિશન અને સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના રેફરન્સ આપીને જ્યારે વિદ્યાર્થીને પ્રાઇવેટ કોચીંગ કલાસમાં આપવામાં આવતા ટીચિંગની Method અનુકૂળ ન આવે તો કોચીંગ ક્લાસ ફી પરત કરવા માટે જવાબદાર અને બંધાયેલા છે. તેવા કેસો ચલાવવાની ગ્રાહક અદાલતને હકૂમત છે. વધુમાં ફી નોન-રીફંડેબલ હોવાની એડમિશન ફોર્મમાં છાપેલી શરત કુદરતી ન્યાયના સિધ્ધાંતની વિરૂધ્ધની હોવાથી લાગુ પડી શકે નહીં અને કોચીંગ કલાસ પ્રથમ સેમેસ્ટરની ફી બાદ કરીને બાકીની ફી ચૂકવવા જવાબદાર હોવાની દલીલો કરી હતી.

સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડિશનલ) તત્કાલીન પ્રમુખ ન્યાયાધીશ એમ.એચ.ચૌધરી અને તત્કાલીન સભ્ય પૂર્વીબેન જોષીએ આપેલ ચુકાદામાં ટયુશન કલાસમાં એડમિશન આપતી વખતે એડમિશનના ફોર્મમાં વિદ્યાર્થી કુલ કોર્ષ પૂરો ન થાય, ત્યાં સુધી ઇન્સ્ટીટયુટ છોડી જશે નહીં અને જો વિદ્યાર્થી કોઈ પણ કારણસર ટયુશન કલાસ છોડી જાય તો તેણે ઈન્સ્ટીટયુટને ચૂકવેલ ફીનું રીફંડ કલેમ કરશે નહીં એવું લખાણ વિદ્યાર્થી પાસે લખાવી લીધું હોય તો પણ તેવી શરત/તેવું લખાણ કુદરતી ન્યાયના સિધ્ધાંતોની વિરૂધ્ધ હોવાનું જણાવી તેમજ નામદાર નેશનલ કમિશન/સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ટયુશન ક્લાસ વિદ્યાર્થીને રીફંડ આપવા જવાબદાર હોવાનું ઠરાવ્યું હતું. પરંતુ સાથોસાથ ફરિયાદીએ એક સેમેસ્ટરનો અભ્યાસ કરેલ હોય, તેમાં પ્રથમ વર્ષમાં પ્રથમ સત્ર બાદ અધવચ્ચેથી કોચીંગ કલાસ છોડી દીધેલ હોય તે સંજોગોમાં એક વર્ષની ફી પરત કરવી ન્યાયોચિત ગણાશે એમ ઠરાવી બંને વિદ્યાર્થીને 1 વર્ષની ફીના રૂ. 48,500, રૂ. 48,500 વાર્ષિક 7% ના વ્યાજસહિત તેમ જ વળતર/ખર્ચના બીજા રૂ. 5000 સહિત હુકમની તારીખથી દિન 30માં ચૂક્વવાનો ટયુશન ક્લાસ/સંચાલકને આદેશ આપતો હુકમ કર્યો છે.

Most Popular

To Top