Charchapatra

મોદી સરકારની સિદ્ધિ

ભારતીય નૌકાદળના 8 ભૂતપૂર્વ સૈનિકોને મુકત કરવામાં મોદી સરકારની મહેનત રંગ લાવી છે. મૃત્યુ દંડની સજા પામેલા કતારની દોહાની અદાલતે સૈનિકોને નિર્દોષ છોડીને ભારત પરત મોકલી આપ્યા છે. મોતના મુખમાંથી પરત ફરેલા સૈનિકોના પરિવાર રાજીના રેડ થયા છે. ભારત સરકારની આ જીતમાં મહત્ત્વની ભૂમિકા અદા કરનાર યશના અધિકારી અજીત ડોભાલને જેટલા પણ અભિનંદન આપીએ એટલા ઓછા પડે. સમય સમય પર તેઓએ ભારત સરકાર માટે જાનનું જોખમ લઇને નિ:સ્વાર્થ સેવા આપી છે એ નહીં ભૂલાય. દૂરંદેશી નેતા વિદેશ પ્રધાન એસ. જયશંકરને પણ જરૂર યાદ કરવા પડે. આજ દિન સુધી તેઓ વિદેશ નીતિમાં ખાસ્સા સફળ થયા છે.

બહુ ઝડપથી તેઓ કતારના નેતાને વિશ્વાસમાં લેવામાં સફળ થયા છે. વાટાઘાટો દ્વારા આ મિશનમાં મુત્સદ્દીગીરી વાપરીને તેઓએ સફળતા હાંસિલ કરી છે. એની જરૂર નોંધ લેવી પડે. વડા પ્રધાન મોદીએ આ સૈનિકોને માફ કરવા માટે નમ્ર અપીલ કરી હતી. એમાં મોદી સરકારના મીઠા મધુરા સંબંધ પણ કામ કરી ગયા. પ્રથમ વખત કાંઇ દેશ તેમના મૂળ દેશના જાસૂસી જેવા ગંભીર આરોપોમાં દોષિત ઠરેલા વિદેશીઓને જેલમાંથી મુકત કર્યા હોય એવી આ અભૂતપૂર્વક ઘટના ગણાય. આ વિધાન ‘ગુજરાતમિત્ર’ અખબારની ટુ ધ પોઇન્ટ કોલમમાં સમકિત શાહે કર્યું છે. આ કોઇ જેવી તેવી વાત નથી. વડા પ્રધાન મોદી સરકારને ખૂબ ખૂબ અભિનંદન.
સુરત      – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

તંત્રી લેખ સૌ કોઈ વાંચો
કોરોના મહામારી સૌને ભયભીત કરી ગયેલી. ગભરાયેલાં લોકોએ રસીઓ મૂકાવી અને સેફ બની ગયેલા.પરંતુ આજકાલ સારા ને સ્વસ્થ દેખાતાં યુવાનોને અચાનક હાર્ટએટેક આવી જતાં અને સારવાર લેતાં પહેલાં જ મોતને ભેટી જતાં વાંચવામાં આવ્યું છે. બહુ જ ખતરનાક કહેવાય લોહી જામી જાય અને હ્યદયમાં લોહી લઇ જતી તથા આવતી નળીઓમાં અવરોધ ઊભો થાય છે. એટેક એનું જ પરિણામ છે. બધાએ જ લોહી પાતળું કરવાની દવા કે અન્ય સાવધાની લીધી હોતી નથી. તેથી અચાનક આવા ગંભીર કિસ્સા બની રહ્યા છે. જે ગંભીર કહેવાય. આ માટે સંશોધન કરી સચોટ ઉપાય માનવશરીરને ઉપયોગી થાય તથા શું ક્ષતિ રહી ગઇ? તેનાં કારણો – ઉપાય – સાવચેતીનાં પગલાં કયાં અને કેવી રીતે લેવામાં આવે તેની જાણકારી મળી રહેવી જોઈએ. જાપાને જે જાણકારી આપી છે તે પ્રજા સમક્ષ મૂકી તંત્રીલેખમાં મુકાઇ છે. તંત્રીશ્રીને અભિનંદન પ્રજાને વાકેફ કરવા માટે.
સુરત     – જ્યા રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top