Editorial

રોગચાળાનું નવું મોજું ચીનમાં વ્યાપક અંધાધૂંધી નોંતરશે?

વર્ષ ૨૦૧૯ના અંતમાં જ્યાંથી કોરોનાવાયરસનો રોગચાળો શરૂ થયો હતો તે દેશ ચીનમાં ત્યારે ખૂબ જ ટૂંકા ગાળામાં સખત પગલાઓ લઇને આ રોગચાળાને સફળ રીતે કાબૂમાં લઇ લેવામાં આવ્યો હતો એમ કહેવાય છે. વિશ્વના  અનેક દેશો આ કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯ના રોગચાળાથી ખૂબ અસરગ્રસ્ત થયા ત્યારે ચીન પ્રમાણમાં ઘણુ ઓછું અસરગ્રસ્ત રહ્યું. પરંતુ હાલ છેલ્લા કેટલાક સમયથી ચીનમાં કોવિડ-૧૯ના કેસો ફરી વધી રહ્યા છે અને ચીને  દેશના વિવિધ ભાગોમાં નિયંત્રણો શરૂ કર્યા છે.  ત્યાં શાંઘાઇ પછી બીજા અનેક નગરો, મહાનગરોમાં શટ ડાઉન જેવા નિયંત્રણોનો અમલ શરૂ થઇ રહ્યો છે.

છેલ્લા ત્રણ સપ્તાહ કરતા વધુ સમયથી જ્યાં સખત લૉકડાઉન ચાલી રહ્યું  હતું તે અઢી કરોડની વસ્તીવાળા શાંઘાઇ શહેરમાં લોકોની વ્યાપક મુશ્કેલીઓ, ફરિયાદો અને નારાજગી જોઇને નિયંત્રણો હળવા બનાવવામાં આવ્યા છે ત્યારે ચીનના અન્ય ભાગોમાં ફેલાતા કોરોનાવાયરસને જોતા અન્ય શહેરો  પણ લૉકડાઉન જેવા નિયંત્રણોના માર્ગે જઇ રહ્યા છે. શાંઘાઇમાં પણ જો કે મોટા ભાગના ધંધાઓ તો હજી બંધ જ છે.

હોંગકોંગ નજીક આવેલું ૧૯૦ લાખની વસ્તી ધરાવતું ઔદ્યોગિક શહેર ગુઆંગઝોઉ પણ હાલમાં લૉકડાઉન જેવી  સ્થિતિમાં મૂકી દેવામાં આવ્યું છે. મધ્ય ચીનમાં આવેલા ૪૦ લાખની વસ્તી ધરાવતા તાઇયુઆન નામના શહેરમાં ઇન્ટરસિટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. તો દક્ષિણપૂર્વના નિંગડેમાં રહેવાસીઓને બહાર નિકળવાની  મનાઇ કરવામાં આવી છે. શેન્ઝેન અને ગુઆંગઝોઉ શહેરોને પણ ૧૩ માર્ચથી બંધ કરી દેવામાં આવ્યા છે અને લોકોના સામૂહિક ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે.

હવે ચીનના સૌથી મોટા શહેર શાંઘાઇમાં સપ્તાહોથી ચાલતા કોવિડ લોકડાઉન વચ્ચે લોકોનો રોષ વધી રહ્યો છે અને પોલીસ સાથે લોકોના સંઘર્ષના અહેવાલો પણ બહાર આવી રહ્યા છે જેની વચ્ચે કોવિડ-૧૯ના કેસોમાં વધારો  તો ચાલુ જ રહ્યો છે.ચીનમાં આ શુક્રવારે ૩૪૦૦ કરતા વધુ સ્થાનિક સંક્રમણના પોઝિટિવ અને ૨૦૭૦૦ કરતા વધુ લક્ષણહિન કોરોનાવાયરસના કેસો નોંધાયા હતા જેમાંના મોટા ભાગના શાંઘાઇમાં જ નોંધાયા હતા.

સ્થાનિક  સંક્રમણના ૩૨૦૦ કેસ અને સ્થાનિક લક્ષણ વિહીન ૧૯૮૭૨ કેસો શાંઘાઇમાં નોંધાયા હતા. અઢી કરોડ કરતા વધુ વસ્તી ધરાવતું શાંઘાઇ શહેર છેલ્લા ત્રણ સપ્તાહ કરતા પણ વધુ સમયથી લૉકડાઉન હેઠળ છે અને લૉકડાઉન  છતાં કેસો નહીં ઘટતા અને બીજી બાજુ રોજીંદા જીવનમાં હાલાકી પડતા લોકોની અકળામણ વધી રહી છે. જો કે લોકોમાં રોષ વધી રહ્યો હોવાના અહેવાલો વચ્ચે છેલ્લા કેટલાક દિવસમાં અમુક નિયંત્રણો હળવા બનાવાયા છે તેમ  છતાં હજી આ શહેરના ધંધાઓ, દુકાનો બંધ છે અને ઘરમાં ગોંધાયેલા લોકોમાં નારાજગી વધી રહી છે.

હાલમાં કેટલાક વીડિયો બહાર આવ્યા છે જેમાં જોઇ શકાય છે કે લૉકડાઉનનો અમલ કરાવી રહેલા પોલીસ કર્મચારીઓ સાથે  લોકો રસ્તાઓ પર અને શેરીઓમાં લડી રહ્યા છે. એક એપાર્ટમેન્ટને અધિકારીઓ ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા જેનો વિરોધ કરી રહેલા લોકો અધિકારીઓ અને પોલીસ સાથે અથડામણમાં ઉતરી આવ્યા  હતા જેમાં કેટલાકને તો પોલીસે ભોંયસરસા ચાંપી દીધા હતા એવી તસવીર પણ બહાર આવી છે. ચીન તેની સખત નીતિઓ માટે જાણીતું છે અને રોગચાળાની શરૂઆતમાં ચીને વુહાન અને તેની આજુબાજુના વિસ્તારોમાં જે સખત  દમનકારી નિયંત્રણો મૂ્ક્યા હતા તેવા જ નિયંત્રણો હવે તે બીજા વિસ્તારોમાં મૂકી રહ્યું છે એમ જણાય છે પરંતુ આ વખતે લોકરોષ બોલકો બની રહ્યો છે.

ચીન ફક્ત તેના દમનકારી નિયંત્રણો માટે જ નહીં પરંતુ સામાન્ય લોકોની સવલતો અને સુખાકારી માટે બેદરકાર પણ આવા રોગચાળા જેવા પ્રસંગોએ જણાઇ આવ્યું છે અને હાલમાં પણ તે ક્વોરેન્ટાઇન અને આઇસોલેશન  સેન્ટરોની બાબતમાં આવું જ જણાઇ રહ્યું છે. કેટલાક આઇસોલેશન કેન્દ્રોમાં ખૂબ જ સાંકડી જગ્યામાં ઘણા લોકોને રાખવમાં આવ્યા છે તેવી તસવીરો પણ બહાર આવી છે. એક વૃદ્ધાએ આવી સાંકડી જગ્યાનો એક વીડિયો ઉતારી  લીધો હતો. આવા વીડિયો અને તસવીરો બહાર આવતા સરકાર સામે લોકોનો રોષ વધુ ઉગ્ર બની શકે છે. વિશ્વના અનેક મંચો પરથી ચીનની આવી નીતિઓની ટીકા થઇ છે પરંતુ ચીની સામ્યવાદી સરકાર સુધરતી નથી. પરંતુ  એવું લાગે છે કે રોગચાળાની શરૂઆતમાં તેને યેનકેન પ્રકારે નાથવામાં અને ટૂંક સમયમાં અર્થતંત્રને દોડતું કરવામાં સફળ રહેલ ચીન રોગચાળાના આ નવેસરના મોજામાં મોટી અંધાધૂંધીમાં સપડાઇ જઇ શકે છે.

Most Popular

To Top