Dakshin Gujarat

મોડી રાત સુધી IPSની પરીક્ષાના ચોપડા વાંચી ઊંઘેલી ઓલપાડની 21 વર્ષની યુવતી સવારે જાગી જ નહીં

સુરત: સુરતના ઓલપાડમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક યુવતીનું રહસ્યમયી સંજોગોમાં મોત નિપજ્યું છે. IPS (Indian Police Sercvice) ની તૈયારી કરતી યુવતી રાત્રે વાંચતા વાંચતા ઊંઘી ગઈ હતી. સવારે માતા યુવતીને ઊંઘમાંથી જગાડવા ગઈ ત્યારે તે ઉઠી જ નહોતી. તેના શરીરમાં કોઈ હલનચલન નહોતું. તેથી માતા ગભરાઈ ગઈ હતી. બૂમાબૂમ કરી પરિવારના અન્ય સભ્યોને ભેગા કરી દીધા હતા. પાડોશીઓની મદદથી પરિવારજનો યુવતીને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ખાનગી હોસ્પિટલમાંથી યુવતીને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રિફર કરાઈ હતી. નવી સિવિલમાં ફરજ પરના તબીબોએ યુવતીને મૃત જાહેર કરી હતી. આ સમગ્ર ઘટનાએ પંથકમાં ચકચાર જગાવી છે.

  • ઓલપાડના કોસમ ગામની ચકચારી ઘટના, 21 વર્ષીય યુવતી અમી પટેલનું રહસ્યમયી સંજોગોમાં મોત થયું
  • સવારે માતા ઊંઘમાંથી જગાડવા ગઈ ત્યારે અમી પટેલ જાગી જ નહીં, સિવિલના તબીબોએ મૃત જાહેર કરી
  • મોતનું સાચું કારણ જાણવા માટે અમી પટેલના મૃતદેહનું નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે ત્યાર બાદ અમી પટેલના મોતનું કારણ બહાર આવશે

પ્રાપ્ત માહિતી અનુસાર ઓલપાડના કોસમ ગામમાં રહેતી 21 વર્ષીય યુવતી અમી પટેલ આઈપીએસની તૈયારી કરી રહી છે. પરીક્ષા માટે તે રોજ મોડી રાત સુધી વાંચતી હતી. રવિવારની રાત્રીએ પણ તે મોડે સુધી વાંચતી રહી હતી. વાંચતા વાંચતા જ તે ઊંઘી ગઈ હતી. મોડેથી ઊંઘવા છતાં અમી રોજ સવારે નિયમિત સમયે જાગી જતી હતી, પરંતુ સોમવારે સવારે તે જાગી નહોતી, તેથી તેની માતા તેને ઉઠાડવા ગઈ ત્યારે તેના શરીરમાં કોઈ હલનચલન જોવા મળ્યું નહોતું, તેથી માતા ગભરાઈ ગઈ હતી. બૂમાબૂમ કરી મુકી હતી. જેથી પરિવારજનોએ ભેગા થઈ અમીને હોસ્પિટલમાં ખસેડી હતી.

ખાનગી હોસ્પિટલના તબીબોએ અમીને સુરતની સિવિલમાં લઈ જવાનું કહેતા પરિવારજનો અમીને સુરતની સિવિલમાં લાવ્યા હતા. સિવિલના તબીબોએ અમીને મૃત જાહેર કરી હતી. સિવિલ હોસ્પિટલમાં જ અમી પટેલના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ અમી પટેલનું મૃત્યુ કયા કારણોસર થયું તે હકીકત બહાર આવશે. એકાએક યુવાન આશાસ્પદ યુવતીનું મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. યુવતીના પરિવારજનો આ આઘાતને સહન કરી શક્યા નથી. શું થયું? કેવી રીતે થયું? તે સવાલ સમગ્ર ઓલપાડમાં ચર્ચાઈ રહ્યો છે.

Most Popular

To Top