વલસાડઃ વલસાડમાં છેલ્લા કેટલાક સમયથી અનેક ખાનગી નાણાંકિય કંપનીઓએ ઉચું વળતર આપવાની લોભામણી જાહેરાત કરી ગ્રામ્ય પંથકના લોકોને ઠગાઇ કરી કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવ્યું છે. જેમાં વધુ એક કંપનીનો સમાવેશ થયો છે.
- રોકાણ સામે ઊંચા વળતરની લાલચ આપી વલસાડની ફાયનાન્સ કંપનીએ ગરીબોના 3 કરોડ ચાઉં કર્યા
- ગૌધારા નિધી લિમિટેડ નામની કંપનીએ ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ લોકોને છેતર્યાં
વલસાડ ધરમપુર ચોકડી નજીક હાઇવે પર ચાલતી ગોધારા નિધી લિમિટેડ કંપનીએ આ જ રીતે મધ્યમ વર્ગીય લોકો પાસે રોકાણ લઇ તેમને પાકતી મુદતે પૈસા નહીં ચૂકવી ઓફિસ જ બંધ કરી દીધી હતી. જેને લઇ અનેક લોકોએ રડવાનો વારો આવ્યો છે. આ આખો મામલો પોલીસ પાસે પહોંચતા પોલીસે ગૌધારા નિધી લિમિટેડ કંપની વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ગૌધારા નિધી લિમિટેડ કંપનીએ વલસાડમાં ધરમપુર ચોકડી નજીક હાઇવે પર ટ્રેડ આર્કેડ બિલ્ડીંગમાં, નાનાપોંઢામાં, ભિલાડમાં અને મહારાષ્ટ્રના પાલઘરમાં ઓફિસ રાખી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના મધ્યમ વર્ગીય લોકોને રોકાણ માટેની લોભામણી જાહેરાત કરી તેમની પાસેથી કંપનીમાં રોકાણ કરાવ્યું હતુ. જેમાં તેમણે રોકાણ સામે 50 ટકાની લોન આપવાની વાત કરી હતી. તેમજ પાકતી મુદતે ઉંચુ વળતર આપવાની પણ વાત કરી હતી.
આ લોભામણી જાહેરાત થતી તેમણે ડેઇલી સ્કીમના નામે પારડીના પોણિયા સ્કૂલ ફળિયામાં રહેતા ઉત્સવભાઇ વિષ્ણુભાઇ પટેલ પાસેથી રૂ. 1.19 લાખનું રોકાણ કરાવ્યું હતુ. તેમજ તેમને પાકતી મુદતે તેમના નાણાં પરત કર્યા ન હતા. આ સ્કીમમાં માત્ર ઉત્સવભાઇ જ નહી, તેમના જેવા અનેક રોકાણકારોના નાણાં તેમણે લીધા અને અંદાજીત રૂ. 3 કરોડથી વધુની રકમ પાકતી મુદતે નહીં ચૂકવી તેમના સંચાલકો અશ્વિન રમણભાઇ પટેલ (રહે. ચિવલ, પારડી), જનકરાવ વસંતભાઇ વલવી (રહે. ખોડાડા, નિઝર, તાપી) અને મુકેશ વસંતભાઇ ધોડી (રહે. અચ્છારી નવી નગરી, વલસાડ) તમામ ઓફિસ બંધ કરી ફરાર થઇ ગયા હતા. ત્યારે ઉત્સવભાઇ તેમજ તેમના જેવા અનેક રોકાણકારોને પોતે છેતરાયા હોવાની પ્રતિતિ થઇ હતી અને તેમણે ગૌધારા નિધિના સંચાલકો વિરૂદ્ધ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બેંક જેવું કામ કરતી આવી લેભાગુ કંપની સામે શરૂઆતમાં પગલાં ભરાતા નથી
વલસાડ જિલ્લામાં જ નહી, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગૌધારા નિધી જેવી અનેક ખાનગી ફાયનાન્સિયલ કંપનીઓ બેંક જેવું કાર્ય કરે છે. તેઓ બેંકની જેમ રોકાણ લે છે. તેમજ પોતાની કંપનીમાં ખાતું ખોલાવવા જણાવે છે. નાણાંનો વેપાર કરતી આ કંપનીઓ પાસે બેંકિંગ લાઇસન્સ છે કે નહી, તેની ચકાસણી ક્યારેય થતી નથી. તેઓ પોતાની રીતે યેન કેન પ્રકારે જુુદા જુદા લાયસન્સ લઇને આ પ્રકારની કંપનીઓ ચલાવતા હોય છે. જેમના સંચાલકો પૈસા ઉઘરાવી ફરાર થઇ જતા હોય છે. જેમની વિરૂદ્ધ સરકાર સકંજો કશે એ જરૂરી બન્યું છે.
