વલસાડઃ વલસાડમાં જમીન વેચાણમાં અનેક કિસ્સામાં બોગસ સહી કે બોગસ દસ્તાવેજો મુકી જમીન વેચી દેવાના કિસ્સાઓ બહાર આવતા રહે છે. આવી જ રીતે અટકપારડીમાં બે બહેન અને એક ભાઇએ તેમના બાપદાદાની સહિયારી જમીન કાકાઓને જાણ કર્યા વિના જ ખોટા દસ્તાવેજોના આધારે જમીન પોતાના નામે કરી લીધી હતી. આ સંદર્ભે તેમના કાકાને જાણ થતાં તેમણે આ અંગે પોલીસ ફરિયાદ કરી છે.
- સગા કાકાએ ભત્રીજા અને ભત્રીજી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરી
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા ટીનાબેન વિશાલ સક્શેના, પ્રિતિ મનસુખલાલ પટેલ અને જયદિપ મનસૂલખાલ પટેલે તેમના પિતા મનસૂખલાલ પટેલની સહિયારી જમીન પોતે જ વેચી લીધી હતી.
આ જમીનમાં તેમના કાકા જશવંતભાઇ બાબુભાઇ પટેલનું પણ નામ હતુ, પરંતુ તેમની જાણકારી વિના તેમણે ખોટો વહેચણી લેખ કરી લાભાખત બનાવી સરકારી કચેરીમાં સોગંધ પર ખોટી સહી કરાવી જમીન પોતાના નામે કરી લીધી હતી. જેના પગલે કાકા જશવંતભાઇએ આ અંગે વલસાડ ટાઉન પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે બનાવ સંદર્ભે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
