આ લેખનું મથાળું વાંચીને કોઈને એવી શંકા પેદા થશે કે કેલિફોર્નિયા અમેરિકાનો પડોશી દેશ હશે, જેની સાથે અમેરિકાનું યુદ્ધ ચાલી રહ્યું છે. તેનો ખુલાસો કરી દઈએ કે કેલિફોર્નિયા કોઈ સ્વતંત્ર દેશ નથી પણ અમેરિકાનું એક રાજ્ય છે, જેનું મુખ્ય શહેર લોસ એન્જલસ છે. છેલ્લા કેટલાક દિવસથી કેલિફોર્નિયામાં જે પરિસ્થિતિ પેદા થઈ છે, તેને કારણે કેલિફોર્નિયા સ્ટેટની સરકાર અને અમેરિકાની ફેડરલ સરકાર સામસામે આવી ગઈ છે. આ સમસ્યાનો પ્રારંભ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની ઇમિગ્રેશન નીતિના કારણે થયો છે.
લોસ એન્જલસમાં ડોનાલ્ડ ટ્રમ્પ ગેરકાયદે વસાહતીઓ સામે કડક પગલાં લેવા માંગતાં હતાં, પણ કેલિફોર્નિયાના ગવર્નર તેના માટે તૈયાર નહોતા, કારણ કે કેલિફોર્નિયાનું અર્થતંત્ર વસાહતીઓ ઉપર જ ચાલે છે. આ સંયોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકાના અર્ધ સૈનિક બળોને લોસ એન્જલસમાં મોકલવામાં આવ્યા છે, જેનો પ્રતિકાર વસાહતીઓ ઉપરાંત સ્થાનિક લોકો પણ કરી રહ્યાં છે, કારણ કે તેઓ વસાહતીઓ માટે સહાનુભૂતિ ધરાવે છે. કેલિફોર્નિયાનાં નાગરિકો જ તેને અમેરિકાના હુમલા તરીકે જોઈ રહ્યા છે. લોસ એન્જલસના લોકો દ્વારા નેશનલ ગાર્ડ પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. અમેરિકાનો રાષ્ટ્રધ્વજ બાળવામાં આવી રહ્યો છે અને કેલિફોર્નિયાનો ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારથી ફરીથી અમેરિકાનું રાષ્ટ્રપતિપદ સંભાળ્યું છે, ત્યારથી દરરોજ કોઈ ને કોઈ મોટા સમાચાર બહાર આવતા રહે છે. હાલમાં અમેરિકાના લોસ એન્જલસમાં હિંસા ફાટી નીકળી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર ઇમિગ્રેશન અધિકારીઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઓળખવા અને તેમને અમેરિકાની બહાર મોકલવા માટે દરોડા પાડી રહ્યા છે અને લોકો તેનો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઊતરી આવ્યા છે. રાજ્ય સરકારના વાંધાઓ છતાં રવિવારે ડોનાલ્ડ ટ્રમ્પે લોસ એન્જલસના રસ્તાઓ પર ૨,૦૦૦ નેશનલ ગાર્ડ તૈનાત કરવાનો આદેશ જારી કર્યો હતો. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે કહ્યું છે કે તેમણે ટ્રમ્પ વહીવટીતંત્રને લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડની ગેરકાયદેસર તૈનાતી રદ કરવા માટે ઔપચારિક વિનંતી કરી છે. તેમણે સૈનિકોની તૈનાતીને રાજ્યના સાર્વભૌમત્વનું ગંભીર ઉલ્લંઘન ગણાવ્યું છે.
લોસ એન્જલસના દક્ષિણમાં આવેલાં નાના શહેર પેરામાઉન્ટથી શરૂ થયેલો આ વિરોધ અન્ય સ્થળોએ પણ ફેલાઈ ગયો હતો. પેરામાઉન્ટમાં લેટિનોની વસ્તી મોટી છે. યુએસ ઇમિગ્રેશન અને કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) એ લોસ એન્જલસમાં દરોડા પાડ્યા ત્યારે વિરોધ પ્રદર્શનો શરૂ થયાં હતાં. તેના જવાબમાં નાગરિક જૂથોએ મારિયાચી પ્લાઝાથી ડાઉનટાઉન LA માં ફેડરલ ડિટેન્શન સેન્ટર સુધી કૂચ કરી ICE OUT LA જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પની ઇમિગ્રેશન કાર્યવાહી આવતા વર્ષના વર્લ્ડ કપમાં અવરોધ બની રહી છે.
કેટલાક ફૂટબોલ ચાહકો આનાથી ગભરાઈ ગયા છે. કેલિફોર્નિયા નેશનલ ગાર્ડ ટુકડીઓ રવિવારે લોસ એન્જલસમાં પહોંચી હતી. તેમણે ઇમિગ્રેશન એજન્ટોને મદદ કરતી વખતે વિરોધીઓને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રમ્પ દ્વારા લગભગ ૨,૦૦૦ નેશનલ ગાર્ડની ટુકડીઓ મોકલવાથી સ્થાનિક અધિકારીઓ પણ ગુસ્સે થયા છે. ડોનાલ્ડ ટ્રમ્પનાં કડક પગલાં બાદ સુરક્ષા દળોએ લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ટીયર ગેસના સેલ અને રબર ગોળીઓ છોડ્યાં હતાં. એડવર્ડ આર. રોયબલ ફેડરલ બિલ્ડીંગ, મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટર અને ૧૦૧ ફ્રીવે નજીક ત્રીજા દિવસે પણ અથડામણ થઈ છે.
વ્હાઇટ હાઉસે નેશનલ ગાર્ડ ટુકડીઓને તૈનાત કરવાના આદેશને રદ કરવાની કેલિફોર્નિયાના ગવર્નરની અપીલને ફગાવી દીધી છે. લોસ એન્જલસમાં ફરી વિરોધ શરૂ થયો છે. ઇમિગ્રેશન દરોડા સામે દેખાવકારો નેશનલ ગાર્ડના અધિકારીઓ સાથે અથડાયા હતા. નેશનલ ગાર્ડના સૈનિકોએ અનેક સ્થળોએ ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ શહેરના મુખ્ય ૧૦૧ ફ્રીવેને બ્લોક કરી દીધો હતો. અહીં નેશનલ ગાર્ડના સૈનિકો સાથે લોકોની ભીષણ અથડામણ થઈ હતી. પ્રદર્શનકારીઓએ લોસ એન્જલસના ડાઉનટાઉનમાં ઘણાં ઓટોમેટિક વાહનોને આગ ચાંપી દીધી હતી. પોલીસના ઘોડાઓ પર પણ હુમલાઓ કરવામાં આવ્યા હતા.
નેશનલ ગાર્ડ એ યુનાઇટેડ સ્ટેટ્સની અનામત સૈન્ય છે જે સત્તરમી સદીમાં દેશની સ્થાપના પહેલાં અમેરિકન વસાહતોમાં બનાવવામાં આવેલા સ્થાનિક લશ્કરમાં મૂળ ધરાવે છે. નેશનલ ગાર્ડ પાસે ઘણી જવાબદારીઓ છે: સ્થાનિક આપત્તિ રાહત અને સુરક્ષા, અમેરિકાની ભૂમિનું સંરક્ષણ અને નાગરિક અશાંતિ અટકાવવા અને વિદેશમાં લશ્કરી તૈનાતી માટે અનામત દળ તરીકે સેવા આપવી. ડોનાલ્ડ ટ્રમ્પે ૭ જૂનના રોજ કેલિફોર્નિયામાં નેશનલ ગાર્ડ તૈનાત કરવાના તેમના આદેશમાં યુએસ કોડના શીર્ષક ૧૦નો ઉલ્લેખ કર્યો હતો. આ એક ફેડરલ કાયદો છે જે અમેરિકન સશસ્ત્ર દળોની ભૂમિકાની રૂપરેખા આપે છે. શીર્ષક ૧૦ ની કલમ ૧૨૪૦૬ રાષ્ટ્રપતિને ત્રણ કિસ્સાઓમાં નેશનલ ગાર્ડ એકમોને ફેડરલ સેવામાં તૈનાત કરવાની મંજૂરી આપે છે:
(૧) જો અમેરિકા પર હુમલો થાય તો
(૨) જો બળવો થાય અથવા બળવાનો ભય હોય તો
(૩) જો રાષ્ટ્રપતિ નિયમિત બળ દ્વારા કાયદા લાગુ કરવામાં અસમર્થ હોય.
કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસને કહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જાણી જોઈને નેશનલ ગાર્ડ મોકલીને પરિસ્થિતિ વધુ ખરાબ કરી છે. તેમણે કહ્યું કે ટ્રમ્પે તેમની સંમતિ વિના આવું કરીને ફેડરલ સત્તાઓનો દુરુપયોગ કર્યો છે. દરમિયાન, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ઇમિગ્રેશન અધિકારીઓના માર્ગમાં આવનાર કોઈ પણ પ્રદર્શનને યુનાઇટેડ સ્ટેટ્સ સામેનો બળવો ગણવામાં આવશે.
૧૯૬૫માં રાષ્ટ્રપતિ લિન્ડન જોહ્નસને અલાબામાના મોન્ટગોમરી ખાતે નાગરિક અધિકાર વિરોધીઓના રક્ષણ માટે નેશનલ ગાર્ડના સૈનિકો મોકલ્યા હતા, ત્યારથી આ પહેલી વાર છે કે જ્યારે કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ રાજ્યના ગવર્નરની વિનંતી વિના રાજ્યના નેશનલ ગાર્ડ દળોને સક્રિય કર્યાં છે. સ્થાનિક માનવાધિકાર કાર્યકરો કહે છે કે અમેરિકામાં કાયદેસર રીતે રહેતાં લોકોને પણ હેરાન કરવામાં આવી રહ્યાં છે અને સમાજમાં વિભાજન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
જો કે, ડોનાલ્ડ ટ્રમ્પ પાસે વિકલ્પોની કોઈ કમી નથી. જો ટ્રમ્પ ઇચ્છે તો તેઓ ૧૭૯૨ના બળવાખોર કાયદાને લાગુ કરવા માટે પગલાં લઈ શકે છે. આ કાયદો સૈનિકોને નાગરિક કાયદાના અમલીકરણની ભૂમિકામાં સીધો ભાગ લેવાની મંજૂરી આપશે. એક કાનૂની નિષ્ણાતે જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનોને બળવાખોરી તરીકે રજૂ કરવાનું પગલું કાયદેસર રીતે જોખમી હોઈ શકે છે, કારણ એ છે કે આવાં વિરોધ પ્રદર્શનો અને નાની ઘટનાઓ મોટા ભાગે શાંતિપૂર્ણ હોય છે. તે એવી બાબતો નથી જેને સંબોધવા માટે બળવાખોરીનો કાયદો બનાવવામાં આવ્યો હતો.
રવિવારે ન્યુ જર્સીથી એરફોર્સ વનમાં ચઢતાં પહેલાં મિડિયા સાથે વાત કરતાં ડોનાલ્ડ ટ્રમ્પે વિરોધીઓ પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે હવે તેમની પાસે એક નવી પદ્ધતિ છે : થૂંકવું. તેઓ પોલીસ અને સૈનિકો પાસે જાય છે અને તેમના ચહેરા પર થૂંકે છે. જો આવું થાય છે, તો તેમની સાથે કડક કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ સુરક્ષા દળોની ગરિમા સાથે રમી શકે નહીં. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે આ વિરોધ પ્રદર્શનોને બળવો ગણાવ્યો હતો, જ્યારે રાષ્ટ્રપતિના વરિષ્ઠ સલાહકાર સ્ટીફન મિલરે તેને હિંસક બળવો ગણાવ્યો હતો. સંરક્ષણ પ્રધાન પીટ હેગસેથે ચેતવણી આપી હતી કે જો હિંસા બંધ ન થાય તો સૈનિકોને પણ બોલાવી શકાય છે. આ દર્શાવે છે કે સરકાર આ આંદોલનને માત્ર વિરોધ તરીકે નહીં, પરંતુ એક ધમકી તરીકે જોઈ રહી છે.
અમેરિકાના પડોશી દેશ મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમે અમેરિકામાં રહેતા તેમનાં નાગરિકોનો મજબૂત રીતે બચાવ કર્યો છે. તેમણે કહ્યું હતું કે તેઓ જરૂરિયાતને કારણે સ્થળાંતર કરે છે. તેઓ ગુનેગાર નથી. રાષ્ટ્રપતિ શેનબૌમે વચન આપ્યું હતું કે સરકાર તેમના દેશમાં પાછા ફરવા માંગતાં તમામ સ્થળાંતર કરનારાંઓને શક્ય તેટલી મદદ પૂરી પાડશે. જો કેલિફોર્નિયાની પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો તે અમેરિકાથી કદાચ અલગ થઈ જશે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
