Comments

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીથી ઠંડી-ગરમીની બદલાઈ રહેલી પેટર્ન ભારત માટે જોખમકારક

સામાન્ય રીતે ડિસેમ્બર મહિનો ઠંડો રહેતો હોય છે પરંતુ આ વખતે ડિસેમ્બર મહિનો ગરમ રહ્યો છે અને ઠંડીનો પ્રકોપ હવે જાન્યુઆરી માસની શરૂઆતમાં જોવા મળી રહ્યો છે. જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહમાં જ સમગ્ર ઉત્તર ભારત બર્ફીલા પવનોને કારણે કાતિલ ઠંડીથી ધ્રુજી ઉઠ્યું છે અને તેની અસર છેક દક્ષિણ ભારત સુધી અનુભવાઈ રહી છે. પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે અને ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય પણ છવાઈ જવાને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. મહત્તમ તાપમાન પણ 12થી 18 ડિગ્રી નીચે જતું રહ્યું છે. જે સામાન્ય કરતાં અનેક ડિગ્રી ઓછું છું. સતત વાદળછાયું આકાશ અને દિવસ દરમિયાન પણ સુરજ દેખાતો નહીં હોવાને કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ તેમજ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2થી 6 ડિગ્રી ઘટી ગયું છે.

ભારતીય હવામાન વિભાગના કહેવા પ્રમાણે, જો મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 4થી 6 ડિગ્રી જેટલું ઓછું હોય તો તેને ઠંડા દિવસો જાહેર કરાય છે અને જો તાપમાન સામાન્ય કરતાં 6.5 ડિગ્રી ઓછું હોય તો તેને તીવ્ર ઠંડીનો દિવસ કહેવામાં આવે છે. દિલ્હીમાં તાપમાન સામાન્ય કરતાં 6.8 ડિગ્રી ઓછું છે. જેને પગલે આ વિસ્તારોમાં કાતિલ ઠંડીનો માહોલ છે. જે આગામી રવિવાર સુધી રહેવાની સંભાવના છે. સંભવત: આગામી રવિવારે ગરમ અને ભેજવાળા પવનો ફુંકાયા બાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થશે. આ સ્થિતિમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, દક્ષિણ હરિયાણા, દક્ષિણ ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ પણ રહેવાની સંભાવના હોવાથી તકેદારી રાખવા માટે પણ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.

ભારત ગરમ પ્રદેશનો દેશ છે. સામાન્ય રીતે ભારતમાં ઠંડી ઓછી રહે છે પરંતુ ક્યારેક હવામાનનો પ્રકોપ એવો આવે છે કે તે સમયે આખું ભારત ભારે ઠંડીનો અનુભવ કરે છે. ઠંડીની સાથે સાથે દેશના અનેક પ્રદેશોમાં વરસાદ પડે છે અને તેને કારણે ભારે નુકસાન પણ થાય છે. ક્લાઈમેટ ચેન્જની અસર એવી થઈ રહી છે કે ભારતમાં ભૂતકાળમાં જ્યાં ઠંડી પડતી હતી ત્યાં તાપમાન વધવાની સાથે જ્યાં ગરમી પડતી હતી ત્યાં ધીરેધીરે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગ અને તેને કારણે ક્લાઈમેટ ચેન્જને કારણે હવામાનની આખી પેટર્ન બદલાઈ રહી છે અને તે પર્યાવરણ માટે ભારે જોખમકારક છે.

કેટલાક દેશોમાં તો વરસાદ નહીં પડતાં વાદળોને તોડીને કુત્રિમ વરસાદ લાવવામાં આવે છે. જોકે, તેની અસર ઉલ્ટી થાય છે અને આવા પ્રયોગોને કારણે ક્લાઈમેટમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ગરમી વધવાને કારણે ગ્લેશિયરો પીગળવાની પણ અનેક ઘટનાઓ બને છે અને તેને કારણે સમુદ્રની સપાટી પણ વધી રહી છે.

ક્લાઈમેટ ચેન્જની સ્થિતિમાં ભારતે ખાસ ધ્યાન રાખવાની જરૂરીયાત છે. ભારતમાં ક્લાઈમેટ ચેન્જની મોટી અસર દેખાઈ રહી છે. ઠંડી-ગરમીની પેટર્ન બદલાઈ રહી છે. ભારતનું હવામાન ખાતું હજુ પણ એટલું સચોટ બની શક્યું નથી કે આવનારી કુદરતી આફતોને સમજી શકે. આ કારણે જ ભારત સરકારે સતર્ક રહેવાની જરૂરીયાત છે. પર્યાવરણને ઓછું નુકસાન થાય તે જોવાની જવાબદારી સરકાર અને ઉદ્યોગકારોની છે. દેશભરમાં ગમે ત્યાં ઝેરી કચરો ઠાલવવાથી માંડીને જંગલોને કાપવા સુધીની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેને કારણે નદી-નાળાનું પાણી ઝેરી થઈ જઈ રહ્યું છે.

સરકારે આ પ્રદૂષણ ફેલાવવાની પ્રવૃત્તિ પર કાબુ કરવાની જરૂરીયાત છે. સમુદ્રમાં પાણીની સપાટી વધવાને કારણે જાપાનમાં એક આઈલેન્ડ પર આવેલું એરપોર્ટ પાણીમાં ગરક થઈ રહ્યું છે. આ જ રીતે જો સમુદ્રની સપાટી વધશે તો આગામી દિવસોમાં સમુદ્રની નજીકના અનેક શહેરો પણ ડૂબી જશે. ઠંડીનો પ્રકોપ એમ જ આવતો નથી. પ્રદૂષણને જો અટકાવી શકાશે તો તેના જોખમોથી બચી શકાશે. સરકાર દ્વારા તેના પ્રયાસો કરવામાં આવશે જ પરંતુ સાથે સાથે લોકો દ્વારા તેને યોગ્ય પ્રતિસાદ આપવામાં આવશે તો જ તે સાર્થક રહેશે તે નક્કી છે.

Most Popular

To Top