Comments

મન કી બાતની રાજકારણ વિનાની શતાબ્દી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો લોકપ્રિય રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ને વિરોધ પક્ષે એકપક્ષી વાર્તાલાપ તરીકે ક્ષુલ્લક ગણાવે પણ હીકકત એ છે કે તેણે તા. 30મી એપ્રિલે 100 હપ્તા પૂરા કર્યા તે આ વ્યાયામને સમજવા માટે પ્રેરે છે. છેલ્લાં લગભગ નવ વર્ષોમાં તેણે વૈશ્વિક ઇતિહાસ રચ્યો તેમાં કોઇ શંકા નથી. ભારત સહિતના કોઇ વૈશ્વિક નેતાએ લોકો સાથે સીધી વાતચીત કરવામાં આવી કોઇ સંદેશવ્યવહાર વ્યૂહરચના ગોઠવી નથી. ટીકાકારો ગમે તે કહે, મન કી બાત વડા પ્રધાન દ્વારા સજાગપણે એકપક્ષી સંવાદ તો નથી જ. તે એક પ્રકારનો દ્વિમાર્ગી સંવાદ બન્યો છે. સેંકડો શ્રોતાઓએ વડા પ્રધાનને વિવિધ મુદ્દાઓ પર લેખિત વિચારો અને સૂચનો પાઠવ્યાં છે.

કાર્યક્રમની સંરચના જ એવી થઇ છે કે તે ખૂબ હિસ્સેદારીભર્યો બની રહ્યો છે અને તેમાં નાગરિકોને સાંકળી લેવામાં આવ્યાં છે. લગભગ દરેક કાર્યક્રમમાં શ્રોતાઓનો રસ જાળવી રાખે તેવી ભારતની કલા, લોક સંસ્કૃતિ અને વીર નર-નારીઓની પ્રેરણાદાયી અને શિક્ષણદાયી વાતો હોય છે. વડા પ્રધાન મોદીએ અત્યાર સુધીમાં લગભગ 730 વ્યકિતઓ અને 281 ખાનગી સંસ્થાઓની વાત કરી છે અને તેમાં ગામડાંઓનાં સ્વાશ્રયી જૂથો અને બિનસરકારી સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે.

મોદીએ સો સંસ્થાઓ અને જૂથોની તેમના પ્રેરણાદાયી કામ માટે પ્રશંસા કરી છે. ‘મન કી બાત’માં વિદેશોની 38 વ્યકિતઓની પણ તેમની અસાધારણ કામગીરી માટે મોદીએ વાત કરી છે. વિષયવૈવિધ્યની દૃષ્ટિએ જુઓ તો મોદીએ યોગ, સ્ત્રીઓની આગેવાની હેઠળની પ્રવૃત્તિઓ, યૌવન અને સ્વચ્છતાની ‘મન કી બાત’ની તા. 3જી ઓકટોબર 2014થી શરૂઆત થઇ ત્યારથી અત્યાર સુધીમાં વાત કરી છે. મોદીએ ભારતીય સૈનિકોનાં શૌર્ય, બલિદાન, ભારતના સાંસ્કૃતિક વારસા વગેરેની વાત કરી અને એવોર્ડવિજેતાઓનાં જીવન અને કાર્યનું સુપેરે વર્ણન કર્યું હતું.

મોદીએ વિજ્ઞાન અને પર્યાવરણની વાત કરી છે તેમજ ખાદીની ચર્ચા કરી છે. તેમણે પહેલા જ કાર્યક્રમમાં લોકોને ખાદી પહેરવા અનુરોધ કર્યો હતો અને બીજા જ કાર્યક્રમમાં કહ્યું હતું કે મેં કોઇને ખાદીધારી થવાનું નથી કહ્યું પણ તે જ અઠવાડિયામાં ખાદીનું વેચાણ 125 ટકા વધી ગયું! 100મા કાર્યક્રમમાં મોદીએ કહ્યું હતું કે મેં કેટલાક મહત્ત્વના મુદ્દાઓની વાત કરીને તે મુદ્દા વ્યાપક આંદોલન બની ગયા! જાતિ અસમતુલાથી પીડાતા એક રાજય હરિયાણામાં સુનીલ જાગલને ‘સેલ્ફી વિથ ડોટર’ ઝુંબેશ તેના રાજયમાં ચાલુ કરી અને વડા પ્રધાનના કાર્યક્રમમાં  જોડાયા અને ‘સેલ્ફી વિથ ડોટર’ એક વૈશ્વિક ઝુંબેશ બની ગઇ. આવું જ સ્વચ્છતા ઝુંબેશ, પર્યાવરણ અને પ્રાકૃતિક સમતુલા તેમજ સ્વદેશીની ઝુંબેશમાં બન્યું છે.

‘મન કી બાત’ વડા પ્રધાનનું રાજકીય કે ચૂંટણી પ્રચાર ઝુંબેશ બની ગયેલો કાર્યક્રમ છે?
ના. મોદી પાસે પોતાનો રાજકીય સંદેશો ફેલાવવા માટે અન્ય મંચ છે. ટવીટર, યુ ટયૂબ, જાહેર સભાઓ, રોડ શો વગેરે. ‘મન કી બાત’ની સફળતાનું રહસ્ય સામાજિક પ્રશ્નોની ચર્ચામાં પક્ષાપક્ષીઓથી અભિગમ છે. હા, મોદી લોકો સુધી વ્યાપક સ્તરે પહોંચી શકયા. પણ આ કાર્યક્રમમાં કોઇ સીધી રાજકીય સામગ્રી નથી. રાષ્ટ્રની પ્રગતિમાં લોકોને જોડવાનો હકારાત્મક ખ્યાલ છે. લોકોને રાષ્ટ્રની પ્રગતિ સાથે સાંકળી તેમનામાં આશાવાદ પેદા કરવાનો ખ્યાલ છે. મહામારી દરમ્યાન થયેલી ‘મન કી બાત’માં લગભગ તમામ હપ્તાઓમાં આરોગ્યની વાત હતી. વડા પ્રધાને આ મંચનો ઉપયોગ લોકોનાં સરકારની યોજનાઓ અને પહેલ, નિકાસ, ઇ-બજાર, પ્રધાનમંત્રી સંગ્રહાલય, આઝાદી કા અમૃત મહોત્સવ, હર ઘર તિરંગા, ડિજિટલ લેવડદેવડ, સ્ટાર્ટસઅપ અને યુનિકોર્ન તેમજ અંતરિક્ષ ક્ષેત્રની પ્રગતિ વિશે જાગૃતિ પેદા કરવા પણ કર્યો છે.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખો બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પે ટેલિવિઝન અને વિડીયોનો સોશ્યલ મિડીયા પર ઉપયોગ કર્યો હતો પણ મોદીએ છેક છેવાડાના માણસો સુધી પહોંચી શકાય તે માટે રેડિયોનો ઉપયોગ કર્યો છે. મોદીને ખબર છે કે ઇન્ટરનેટનો ઝડપી વિકાસ થયો છે પણ દરેક પાસે મોબાઇલ ફોન નથી હોતા અને દેશના કેટલાક ભાગોમાં કનેકટીવિટીની સમસ્યા છે. અમેરિકાના પ્રમુખ ફ્રેંકલિન ડીરૂઝવેલ્ટે 1933થી 1944 સુધીમાં રેડિયો પ્રસારણનો પ્રથમ વાર ઉપયોગ કર્યો હતો. અમેરિકા મહામંદીથી માંડીને વિશ્વયુદ્ધ સુધીની ગંભીર સમસ્યાનો સામનો કરતું હતું ત્યારે લોકો સાથે સંવાદ સાધવામાં આ માધ્યમ ખૂબ ઉપયોગી હતું.

1975 થી 1979 સુધી રોનાલ્ડ રીમને પ્રમુખપદ જીતવા માટે રેડિયોનો ઉપયોગ કર્યો હતો. તેમણે દર સપ્તાહે બે થી ત્રણ કરોડ શ્રોતાઓ સમક્ષ 1027 સંબોધનો કર્યાં હતાં અને ‘રાષ્ટ્રીય નેતા’ બની ગયા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝે તા. 7 જાન્યુઆરી 1942ના દિને પ્રથમ રેડિયો પ્રવચન આપી જર્મનીની રેડિયો સેવાના ભાગરૂપે ‘આઝાદ હિંદ રેડિયો’ શરૂ કર્યો હતો અને વિદેશવાસી તેમજ બ્રિટીશ શાસન હેઠળનાં ભારતીય લોકો વચ્ચે સંવેદનાનો તંતુ જોડયો હતો. મોદીએ કહ્યું હતું કે મેં સંઘના પ્રચારક તરીકે ભારતભ્રમણ કર્યું ત્યારે મને રેડિયોની તાકાતનો અંદાજ આવી ગયો હતો. ‘મન કી બાત’ના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે મને ખબર પડી કે હિમાલયના ઉપરવાસના દુર્ગમ વિસ્તારમાં લોકો સમાચાર અને મનોરંજન મેળવવા માટે રેડિયોનો ઉપયોગ કરે છે. મોદીએ રેડિયોને સાચે જ ઉપયોગી બનાવ્યો છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top