World

વુહાનથી બહાર જવા હજારો લોકોનો ધસારો

જ્યાંથી નવો ઘાતક કોરોનાવાયરસ શરૂ થયો હોવાનું મનાય છે તે ચીનના વુહાન શહેરમાં ૭૬ દિવસથી ચાલી રહેલું લૉકડાઉન આજે વહેલી સવારે ઉઠાવી લેવાયું હતું અને લોકોને શહેરની બહાર લઇ જતી ટ્રેનો દોડવા માંડી હતી અને ખાસ કરીને આ શહેરમાં વસતા દેશના અન્ય ભાગોના લોકોએ બહાર જવા માટે ભારે ધસારો કરી મૂક્યો હતો. જો કે આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે મહામારી ફરીથી ફેલાય તેનું જોખમ હજી સમાપ્ત નથી થયું.
પ્રતિબંધ ઉઠી જતા હજારો લોકો માસ્ક પહેરીને શહેરની બહાર જતા દેખાવા લાગ્યા હતા, શહેરમાં ટ્રેનો, ઘરેલુ વિમાન સેવા અને ટેક્સીઓની સેવા ફરીથી શરૂ કરાઈ હતી. સરકારે તે લોકોને માર્ગો, વિમાનથી અને ટ્રેન મારફતે મુસાફરીની મંજૂરી આપી છે જેમણે આરોગ્ય પ્રમાણપત્ર મેળવ્યું હોય.
મંગળવારની રાત્રે શહેરની બહાર જવા પર લાગેલાં પ્રતિબંધ હટતા જ માર્ગો પર ગાડીઓની લાઈનો લાગી હતી જ્યારે અન્ય કટેલાંક મુસાફરો ટ્રેન પકડીને વુહાનથી બહાર જવા તૈયાર થયા હતા. 55,000થી વધુ મુસાફરો ટ્રેન મારફતે વુહાનથી બહાર જશે જ્યારે બુધવારે આશરે 200 જેટલી ફ્લાઈટ શહેરમાંથી ઉડાન ભરશે જ્યારે 270 જેટલી ટ્રેનો વુહાનથી બહાર જશે. જો કે તમામ મુસાફરોની આરોગ્ય તપાસ કર્યા બાદ જ તેમને રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પ્રવેશ આપવામાં આવશે.
18 માર્ચના રોજ વુહાનમાં કોરોનાનો કોઈ નવો કેસ નોંધાયો ન હતો અને ત્યારથી ત્યાં હકારાત્મક વલણ જળવાયું હતું. પૂર્ણ રીતે પ્રતિબંધ હટાવતા મોટાભાગના વેપાર ઉદ્યોગ ફરી શરૂ થયા છે જેના પગલે બુધવાર બાદ શહેરમાં 18 લાખ વાહનોની અવર જવર શરૂ થશે.
મધ્ય ચીનના હુબેઇ પ્રાંતના વુહાન શહેરમાં આ વાયરસના કેસો મોટા પ્રમાણમાં દેખાવા માંડ્યા બાદ ૨૩ જાન્યુઆરીએ આ શહેરને સખત લૉકડાઉન હેઠળ મૂકવામાં આવ્યું હતું અને તેની સરહદો પણ બંધ કરી નાખવામાં આવી હતી અને બહારની દુનિયા સાથે તેનો સંપર્ક લગભગ સંપૂર્ણ કાપી નાખવામાં આવ્યો હતો. આ શહેરમાં કોઇને બહારથી આવવાની કે આ શહેરના લોકોને શહેરની બહાર જવાની પરવાનગી ન હતી. જો કે કોવિડ-૧૯ના કેસો ઓછા થવા માંડતા આ શહેરમાં લૉકડાઉન કેટલાક દિવસથી થોડું હળવું કરાયું હતું પરંતુ તેમાં લોકોને શહેરની અંદર જ હરવા ફરવાની મોકળાશ અપાઇ હતી અને બહાર જવાની તેમને પરવાનગી ન હતી. પરંતુ આજે વહેલી સવારે પાંચ વાગ્યે આ શહેરમાંથી રવાના થતી ટ્રેનો દોડવા માંડી હતી અને મોટા ધોરી માર્ગો પણ ખોલવાનું શરૂ કરવામાં આવ્યું હતું. લૉકડાઉન સંપૂર્ણ ઉઠાવી લેવાતા રસ્તાઓ પર લોકોની ભીડ ફરી દેખાવા માંડી હતી. આજે ટ્રેનો ફરી શરૂ થતાં જ હજારો લોકોએ શહેર છોડવા ધસારો કરી મૂક્યો હતો. ખાસ કરીને એવા લોકો કે જેઓ ચીનના અન્ય ભાગોમાંથી આવીને આ મહાનગરમાં વસ્યા છે તેમણે પોતાના વતન જવા ધસારો કર્યો હતો. હાઇ-વે પર પણ વાહનોની ભીડ થઇ ગઇ હતી. વુહાનમાં પોતાનો ધંધો ચલાવતા શેન્ડોંગ પ્રાંતના વતની એવા ગુઓ લેઇએ જણાવ્યું હતું કે લૉકડાઉનને કારણે હું અહીં ફસાઇ ગયો હતો, હવે વતન પરત જવા માટે વધુ રાહ જોઇ શકું તેમ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે વુહાનના લભગગ પ૦૦૦૦ લોકોન કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હતો અને ૨૫૭૧ જેટલા લોકોનાં મોત આ શહેરમાં આ વાયરસથી થયા હતા. વુહાન શહેરની વસ્તી લગભગ ૧ કરોડ ૧૦ લાખની છે. આ લૉકડાઉન એવા સમયે એવા ઉઠાવાયું છે જ્યારે ચીનના અન્ય વિસ્તારોમાં નવા કેસો વધ્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top