વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ માત્ર શિક્ષણ અને સંશોધન જ નહીં, પરંતુ પર્યાવરણ સંરક્ષણ અને ઊર્જા બચતના ક્ષેત્રમાં પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ ઊભી કરી છે. યુનિવર્સિટીના ઉધના-મગદલ્લા રોડ સ્થિત કેમ્પસને પર્યાવરણીય વ્યવસ્થાપન માટે ISO 14001:2015 અને ઊર્જા વ્યવસ્થાપન માટે ISO 50001:2018 એમ બે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં છે. યુનાઈટેડ રજિસ્ટ્રાર ઓફ સિસ્ટમ્સ (URS) દ્વારા આ પ્રમાણપત્રો આપવામાં આવ્યાં છે.
આ પ્રમાણપત્રો યુનિવર્સિટીમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, સંશોધન કાર્યક્રમો, સંશોધન પ્રોજેક્ટ્સ, કન્સલ્ટન્સી સેવાઓ તેમજ યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને સંલગ્ન કોલેજોના શૈક્ષણિક વહીવટના સંચાલનને આવરી લે છે. આ સિદ્ધિ દર્શાવે છે કે યુનિવર્સિટી શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે પર્યાવરણને અનુકૂળ વ્યવસ્થાપન અને ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગને પણ મહત્ત્વ આપી રહી છે. ઊર્જા વ્યવસ્થાપન માટેનું ISO 50001:2018 પ્રમાણપત્ર 7 નવેમ્બર, 2026ના રોજ જારી કરવામાં આવ્યું છે, જે 6 નવેમ્બર, 2029 સુધી માન્ય રહેશે. જ્યારે પર્યાવરણીય વ્યવસ્થાપન માટેનું ISO 14001:2015 પ્રમાણપત્ર 9 નવેમ્બર, 2026ના રોજ જારી કરાયું છે, જે 30 એપ્રિલ, 2029 સુધી માન્ય રહેશે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ગ્રીન કેમ્પસ, ઊર્જા કાર્યક્ષમતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનું મહત્ત્વ વધી રહ્યું છે ત્યારે નર્મદ યુનિવર્સિટીને મળેલી આ માન્યતા દક્ષિણ ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની શકે છે.