વાંસદા તાલુકામાં વાંસદાથી ચીખલી જતા રાજ્ય ધોરી માર્ગ પર મોટીવાલઝર ગામથી દક્ષિણ દિશામાં પ્રકૃતિના ખોળે વસેલું નાનકડું ગામ એટલે ઉપસળ. સન ૨૦૧૧ની વસતી ગણતરી મુજબ આશરે 3 હજારથી વધુ વસતી ધરાવતા આ ગામમાં 99.99 ટકા જેટલી આદિવાસી વસતી વસે છે. ગામમાં મુખ્યત્વે ધોડિયા અને કુકણા આદિવાસી સમાજના લોકો રહે છે. ઉપસળમાં ધોડિયા અને કુકણા સમાજની પોતાની આગવી લોકબોલી છે, જે ગુજરાતી ભાષાથી અલગ ઓળખ ધરાવે છે. ગામની લોકબોલીમાં પરંપરાગત ગીતો ગવાય છે, તો અનેક લોકકથાઓ પણ પેઢી દર પેઢી સાંભળવા મળે છે. આ રીતે ગામની ભાષા અને લોકસંસ્કૃતિ આજે પણ પોતાની આગવી ઓળખ જાળવી રહી છે. સહ્યાદ્રી પર્વતમાળાની વાંસદા-ધરમપુરની ટેકરીઓના ખોળામાં વસેલું ઉપસળ ચારે તરફથી ડુંગરોથી ઘેરાયેલું છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં અહીંની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠે છે. લીલાછમ ડુંગરો, ખેતરો અને વરસાદી ઝરણાં ગામની સુંદરતામાં વધારો કરે છે. ગામમાં પ્રાથમિક શાળા, દૂધની ડેરી, પંચાયત ઘર અને આયુર્વેદિક દવાખાનાં જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી અને પશુપાલન છે. અહીં ડાંગર, શેરડી, કેરી તેમજ વિવિધ પ્રકારના શાકભાજીની ખેતી કરવામાં આવે છે. આદિવાસી પરંપરાઓથી સમૃદ્ધ ઉપસળ ગામમાં આજે પણ અનેક લોકપરંપરાઓ અને ધાર્મિક વિધિઓ જીવંત છે. કન્સેરી માતાની પરંપરાગત પૂજા, માવલી, બારહી, દિવાસાના દિવસે ઢીંગલા-ઢીંગલીનાં લગ્ન તેમજ રાત ઉજાણી જેવા વિવિધ પ્રસંગો પરંપરાગત રીતે ઉજવવામાં આવે છે. ગામના લોકો સનાતન હિન્દુ ધર્મના હનુમાનજી દાદા ઉપરાંત લોકદેવતાઓ તરીકે કન્સેરી માતા, માવલી માતા, ઘોસમાય માડી, ઝોળી માતા, ગોળીગઢ દેવ, ભવાની માતા, ચોસઠ જોગણી માતા અને બગલા દેવ સહિતના દેવ-દેવીઓ પ્રત્યે ઊંડી આસ્થા ધરાવે છે. સમયની સાથે ગામમાં શિક્ષણનું પ્રમાણ પણ વધ્યું છે. ગામની 50 ટકાથી વધુ વસતી શિક્ષિત બની છે. ગામના અનેક યુવાનો શિક્ષણ મેળવી શિક્ષક સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધ્યા છે. એટલું જ નહીં, ગામના કેટલાક લોકો સરકારી વિભાગોમાં વર્ગ-1 અને વર્ગ-2ની મહત્ત્વની જવાબદારીઓ પણ નિભાવી રહ્યા છે. આ રીતે પ્રકૃતિની અદભૂત સુંદરતા, આદિવાસી લોકબોલી, લોકસંસ્કૃતિ, પરંપરા અને આધુનિક શિક્ષણનો સમન્વય ધરાવતું ઉપસળ ગામ વાંસદા તાલુકાની આગવી ઓળખ બની રહ્યું છે.
આંગણવાડીઓમાં ભૂલકાંનો કિલ્લોલ ગૂંજે છે
ઉપસળ ગામમાં પ્રિ.શાળા ભણતર માટે આંગણવાડીઓ પણ આવેલી છે, જ્યાં સરકાર તરફથી બાળકોની સારી એવી સંભાળ સાથે પ્રિ-સ્કૂલ ભણતર આપવામાં આવે છે, ઉપસળ ગ્રામ પંચાયત પાસે આવેલી આંગણવાડી છેલ્લા કેટલાક સમયથી જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે. જેને લઇ આંગણવાડીની દીવાલ પર સર્જરી ઇમારત દર્શાવતું બેનર લગાડી બાજુમાં આવેલી પ્રાથમિક શાળામાં આંગણવાડીનાં બાળકોને અભ્યાસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ આંગણવાડી તોડી પાડી ફરીથી નવી આંગણવાડીનું નિર્માણ કરવામાં આવે એ ખૂબ જ જરૂરી બન્યું છે.

વર્ષોથી ઊભી રહેલી લાઈબ્રેરીની માંગ પૂરી થઈ
સરકાર દ્વારા ગામેગામ વિદ્યાર્થીઓ અને યુવાનોના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિવિધ શૈક્ષણિક સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે, ત્યારે ઉપસળ ગામમાં વર્ષોથી લાઈબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ હતી. ગામમાં લાઈબ્રેરીનો અભાવ હોવાથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને અન્ય ગામોમાં અથવા વાંસદા સુધી જઈને અભ્યાસ કરવાની ફરજ પડતી હતી. ગામના યુવાનોને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યોગ્ય વાતાવરણ મળી રહે તેમજ ગામમાં જ શાંતિપૂર્ણ માહોલમાં અભ્યાસ કરી શકે તે હેતુથી લાંબા સમયથી લાઈબ્રેરીની માંગ કરવામાં આવી રહી હતી. આ માંગને ધ્યાનમાં લઈને ગામના સરપંચ તથા વહીવટી તંત્રના પ્રયાસોથી ગામમાં સુંદર લાઈબ્રેરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. લાઈબ્રેરી શરૂ થતાં ઉપસળ ગામ સહિત આસપાસના વિદ્યાર્થીઓને પણ હવે ગામમાં જ અભ્યાસ કરવાની સુવિધા મળી છે. ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સુવિધા ઉપયોગી સાબિત થઈ રહી છે. વિદ્યાર્થીઓએ પણ લાઈબ્રેરી શરૂ થવા બદલ સંતોષ વ્યક્ત કર્યો છે. જોકે, વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ લાઈબ્રેરીમાં હજુ કેટલાક જરૂરી પુસ્તકો અને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી અભ્યાસ સામગ્રીની જરૂરિયાત છે. જો આ પુસ્તકો અને જરૂરી સામગ્રી પણ ઉપલબ્ધ કરવામાં આવે તો લાઈબ્રેરીનો વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાભ મળી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ સુવિધા વધુ ઉપયોગી બની શકે તેમ છે. ઉપસળ ગામની લાઇબ્રેરીના નિર્માણ માટે સરકાર દ્વારા ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે, છતાં ગામમાં લાઇબ્રેરીના બાંધકામ માટેની જગ્યાના અભાવે હાલ ઉસળ ગ્રામ પંચાયતના મકાન ખાતે જ ગામની લાઇબ્રેરી ચલાવવામાં આવી રહી છે. લાઇબ્રેરીમાં અભ્યાસ માટે આવતા યુવાનો અને વિદ્યાર્થીઓને જો ભીડભાળવાળી જગ્યાથી દૂર શાંત વાતાવરણમાં લાઇબ્રેરીનું નિર્માણ કરી અભ્યાસ માટે પૂરું પાડવામાં આવે તો વિદ્યાર્થીઓને વધુ લાભ મળી રહે તેમ છે.

સ્મશાનભૂમિનું કામ હજુ અધૂરું
ઉપસળ ગામમાં વર્ષોથી સ્મશાનભૂમિની સુવિધાના અભાવે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આઝાદીનાં વર્ષો બાદ પણ ગામમાં અંતિમસંસ્કાર માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનો દ્વારા સ્મશાનભૂમિ બનાવવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે સ્થાનિક ધારાસભ્ય અનંતભાઈ પટેલ દ્વારા ગામની મુલાકાત દરમિયાન ગ્રામજનો દ્વારા સ્મશાનભૂમિની રજૂઆત કરવામાં આવતાં ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને ત્યારબાદ સ્મશાનભૂમિ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, લાંબો સમય વીતી જવા છતાં સ્મશાનભૂમિનું કામ હજુ પણ અધૂરું જોવા મળી રહ્યું છે. ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કામગીરી પૂર્ણ ન થતાં લોકોમાં નિરાશા જોવા મળી રહી છે. ગામમાં કોઈનું અવસાન થાય ત્યારે અંતિમસંસ્કાર માટે નદી કિનારે ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવો પડે છે અથવા મૃતદેહને અનાવલ કે વાંસદા જેવા અન્ય સ્થળોએ લઈ જવાની ફરજ પડે છે. જેના કારણે મૃતકના પરિવારજનોને અંતિમસંસ્કાર સમયે વધારાનો સમય, મુસાફરી અને આર્થિક ખર્ચનો સામનો કરવો પડે છે. ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારો માટે અન્ય ગામે મૃતદેહ લઈ જઈ અંતિમસંસ્કાર કરવાની સ્થિતિ વધુ મુશ્કેલીજનક બની રહે છે. તેથી ઉપસળ ગામની સ્મશાનભૂમિનું બાકી રહેલું કામ વહેલી તકે પૂર્ણ કરી ગ્રામજનોને યોગ્ય અંતિમસંસ્કારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઊઠી છે.

ગામમાંથી બે નદી પસાર થવા છતાં ઉનાળામાં પાણીની અછત
ઉપસળ ગામમાંથી કાવેરી અને ઓઝર કોતર એમ બે નદી પસાર થતી હોવા છતાં ઉનાળાના દિવસોમાં ગ્રામજનોને પીવાના તેમજ સિંચાઈના પાણીની ખૂબ જ અછતનો સામનો કરવો પડે છે. નદીઓ નજીક હોવા છતાં પાણીનો પૂરતો સંગ્રહ ન થતો હોવાથી ઉનાળામાં પાણીની ખેંચ વર્તાતી હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ વર્ષોથી નદીઓમાં સતત વહેણ રહેતા નદીના પટમાં કાંપ અને માટી જમા થવાને કારણે નદીઓ છીછરી બની ગઈ છે. પરિણામે વરસાદી પાણીનો પૂરતો સંગ્રહ થતો નથી અને પાણી વહેણ સાથે આગળ વહી જાય છે. ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા વધુ ગંભીર બનતી હોવાનું ગ્રામજનોનું કહેવું છે. ઓઝર કોતર નદી પર નાના બંધ અને પાણી રોકવાના અન્ય માળખાં બનાવીને પાણી સંગ્રહ કરવામાં આવે છે, આ જ પ્રકારના ઉપાયો કાવેરી નદીમાં પણ કરવામાં આવે તો પાણીની સમસ્યામાં રાહત મળી શકે તેમ છે. કાવેરી નદીના પટમાંથી માટી અને કાંપ દૂર કરી નદીને ઊંડી કરવી તેમજ યોગ્ય સ્થળોએ નાના ચેકડેમ બનાવવામાં આવે તો વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકે તેમ છે. આ પ્રકારના જળસંગ્રહનાં કામોથી માત્ર ઉનાળામાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યામાં રાહત જ નહીં, પરંતુ ભૂગર્ભ જળનું સ્તર પણ ઊંચું આવી શકે છે. જેથી ઉપસળ ગામના ખેડૂતો અને ગ્રામજનોને લાંબા ગાળે પણ પાણીની સમસ્યામાંથી રાહત મળી શકે તેમ છે.

શિક્ષણ માટે ત્રણ શાળાઓની સુવિધા
ઉપસળ ગામમાં બાળકોને પાયાનું શિક્ષણ મળી રહે એ માટે સાંદિપની આશ્રમશાળા, વર્ગ શાળા અને પ્રાથમિક શાળા એમ ત્રણ શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. ગામના મોટા ભાગના વિદ્યાર્થીઓ ઉપસળ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. શાળામાં ૧૨૯ વિદ્યાર્થી અને ૧૧૮ વિદ્યાર્થિની મળી કુલ આશરે ૨૪૭ વિદ્યાર્થીઓ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરી રહ્યાં છે. શાળામાં બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે રમતગમત ક્ષેત્રે પણ પ્રોત્સાહન આપવામાં આવે છે. શિક્ષકો દ્વારા અદ્યતન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવતું હોવાથી અહીં અભ્યાસ કરેલા અનેક વિદ્યાર્થીઓ આજે વિવિધ ક્ષેત્રોમાં સારી જગ્યાઓ પર ફરજ બજાવી રહ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા છે, તો કેટલાક વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારી તરીકે પણ સેવા આપી રહ્યા છે. ગામની વર્ગ શાળામાં ધોરણ-૧થી ૫ સુધીના વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. જ્યારે સાંદિપની આશ્રમશાળામાં વિદ્યાર્થીઓને રહેવા સાથે શિક્ષણની સુવિધા આપવામાં આવે છે. અહીં દૂરના વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. ખાસ કરીને માતા-પિતા રોજગાર અને મજૂરી માટે પોતાના ગામથી દૂર સ્થળાંતર કરતા હોય ત્યારે બાળકોનું શિક્ષણ ન અટકે તે હેતુથી તેમને આશ્રમશાળામાં પ્રવેશ અપાવવામાં આવે છે. સાંદિપની આશ્રમશાળામાં ધોરણ-૧થી ૮ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જોકે, આશ્રમશાળા તેમજ ગામમાં ઉચ્ચ અભ્યાસ માટેની સુવિધાનો અભાવ હોવાથી ધોરણ-૮ બાદ વિદ્યાર્થીઓને હાઈસ્કૂલના શિક્ષણ માટે અન્ય ગામોમાં જવું પડે છે. જેથી ઉપસળ ગામમાં ધોરણ-૮ બાદના અભ્યાસ માટે પણ યોગ્ય શૈક્ષણિક સુવિધા ઉપલબ્ધ થાય તો સ્થાનિક વિદ્યાર્થીઓને વધુ લાભ મળી શકે તેમ છે.

હનુમાનજી મંદિર અને ઝોળી માતા મંદિર ગામની આસ્થાનાં કેન્દ્ર
ઉપસળ ગામમાં વિવિધ ધાર્મિક સ્થળો વર્ષોથી ગ્રામજનોની આસ્થા અને શ્રદ્ધાનાં કેન્દ્ર બન્યાં છે. ગામમાં પ્રવેશતા જ ઓઝર નદીના કિનારે આદિવાસી સમાજમાં પૂજનીય ગોળીગઢ દેવના દર્શન થાય છે. ખાસ કરીને ધોડિયા આદિવાસી સમાજમાં ગોળીગઢ દેવ પ્રત્યે વિશેષ આસ્થા જોવા મળે છે. હોળીના આગલા રવિવારે ગામના પુરુષો પરંપરા મુજબ દેવસ્થાને પાણી ભરેલી માટલી અર્પણ કરવા જાય છે. ગામના નિશાળ ફળિયામાં હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. અહીં રામનવમી, હનુમાન જયંતી તેમજ શ્રાવણ માસ દરમિયાન ગ્રામજનો દ્વારા ભજનમંડળનું આયોજન કરવામાં આવે છે અને મંદિર પરિસર ભક્તિના માહોલથી ગૂંજી ઊઠે છે. મંદિર શાળાની નજીક હોવાથી શાળાના વિદ્યાર્થીઓ પણ અવારનવાર અહીં દર્શન કરવા આવે છે. ધોડિયા સમાજમાં પરંપરાગત રીતે યોજાતા ‘રાત ઉજાણી’ના કાર્યક્રમ દરમિયાન પણ ગ્રામજનો મોટી સંખ્યામાં અહીં એકત્રિત થાય છે. ઉપરાંત ઉપસળ ગામના આશ્રમ ફળિયામાં આવેલું ઝોળી માતાનું મંદિર પણ ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારોના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. સંતાન પ્રાપ્તિની માનતા અને શ્રદ્ધા સાથે અનેક લોકો ઝોળી માતાના દર્શન કરવા અહીં આવે છે. ગામ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ દર્શનાર્થીઓ અહીં આવતા હોવાથી મંદિર સાથે લોકોની ઊંડી શ્રદ્ધા જોડાયેલી જોવા મળે છે. હાલમાં ઉપસળ ગામના પટેલ ફળિયામાં સ્વામિનારાયણ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. વિવિધ ધાર્મિક તહેવારો અને પ્રસંગોએ અહીં ભક્તિમય કાર્યક્રમો યોજાતા મંદિર પરિસર ભક્તિભાવથી ભરાઈ જાય છે. આમ, વિવિધ ધાર્મિક સ્થળો ઉપસળ ગામની આસ્થા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.

ઉપસળ ગામમાં રાત્રિ હાટ બજાર શરૂ થાય તો ગ્રામ પંચાયતની આવક પણ વધે
ઉપસળ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા રાત્રિના સમયે હાટ બજાર શરૂ કરવામાં આવે તો ગ્રામજનોને ઘરઆંગણે જ જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સરળતાથી અને યોગ્ય ભાવે મળી શકે તેમ છે. હાટ બજારમાં વિવિધ સ્થળેથી વેપારીઓ આવે તો સ્થાનિક સ્તરે રોજગારી અને વ્યવસાયની તકો પણ ઊભી થઈ શકે. સાથે જ વેપારીઓ પાસેથી મળતા ટેક્સ અથવા અન્ય આવકના માધ્યમથી ગ્રામ પંચાયતની આવકમાં પણ વધારો થઈ શકે તેમ છે. ઉપરાંત ગામમાં હજુ જરૂરી એવી અન્ય પાયાની સુવિધાઓ અંગે પણ આયોજન કરવામાં આવે તો ઉપસળ ગામના સર્વાંગી વિકાસને વધુ વેગ મળી શકે તેમ છે. ગ્રામજનોની લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે સંબંધિત તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે કામગીરી કરવામાં આવે તેવી અપેક્ષા છે.
બંધ થયેલી બસ સેવા ફરી શરૂ કરવાની માંગ
ગામના ભૂતપૂર્વ સરપંચ સ્વ.શંકરભાઈ રવજીભાઈ પટેલના સમયગાળા દરમિયાન ઉપસળ ગામમાં સવારે અને સાંજે બસ સેવા ઉપલબ્ધ હતી. જોકે, હાલ આ સુવિધા બંધ થઈ ગઈ છે. ગામના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે અન્ય ગામોમાં જતા હોવાથી તેમજ અનેક લોકો રોજગાર અને વ્યવસાય માટે બહાર જતા હોવાથી બસ સેવા ફરી શરૂ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોને મોટી રાહત મળી શકે તેમ છે.
ડુંગર પર આવેલાં ફાર્મ હાઉસો બન્યાં શહેરીજનો માટે વીક એન્ડ હોમ
ઉપસળ ગામનો ડુંગરાળ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાથી હવે મોટાં શહેરોમાં રહેતા લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ગામના ડુંગરાળ વિસ્તારમાં આવેલાં ફાર્મહાઉસો શહેરના લોકો માટે જાણે વીક એન્ડ હોમ બની ગયા છે. ખાસ કરીને નવસારી, સુરત જેવાં મોટાં શહેરોમાંથી લોકો પરિવાર અને મિત્રો સાથે કુદરતના ખોળે સમય વિતાવવા તથા પિકનિક માણવા ઉપસળ ગામમાં આવતા જોવા મળે છે. શહેરોની ધમધમાટભરી જિંદગીથી દૂર ઉપસળ ગામનું શાંત અને સૌમ્ય વાતાવરણ, ડુંગરાળ વિસ્તાર, હરિયાળી અને કુદરતી સૌંદર્ય લોકોને અહીં ખેંચી લાવે છે. ફાર્મહાઉસમાં રોકાણ દરમિયાન શહેરના લોકો ગામડાંની પ્રકૃતિ અને સ્થાનિક જીવનશૈલીનો પણ અનુભવ કરે છે. ક્યારેક શહેરોમાંથી આવેલા લોકો ગામની શાંતિ અને સરળ જીવનશૈલીમાં એટલા ઓતપ્રોત થઈ જાય છે કે સ્થાનિક લોકજીવનનો આનંદ માણતા જોવા મળે છે. ગામમાં યોજાતા પરંપરાગત લોકનૃત્ય જેવા કાર્યક્રમો પણ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે અને તેઓ પણ સ્થાનિકો સાથે તાલ મિલાવીને નૃત્યનો આનંદ માણતા જોવા મળે છે. ઉપસળ ગામની વિશેષતા માત્ર તેની કુદરતી સુંદરતા પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગામની નિખાલસતા અને સૌને અપનાવી લેવાની પરંપરા પણ તેની આગવી ઓળખ છે. શહેર હોય કે ગામ, પોતાના-પારકાનો ભેદ ભૂલીને સૌને આવકારતું અને પોતાના બનાવતું ઉપસળ ગામ આજે કુદરત અને ગ્રામ્ય જીવનનો અનુભવ કરવા ઈચ્છતા લોકો માટે આકર્ષણનું સ્થળ બની રહ્યું છે.
સ્વામિનારાયણ મંદિર
ઉપસળ ગામે આવેલા સ્વામિનારાયણ ભગવાનના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા 4 મે-2024ના રોજ કરવામાં આવી હતી. સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ મુજબ મંદિરના નિર્માણ બાદ સ્થાનિકોમાં ધીરેધીરે બદલાવ જોવા મળી રહ્યો છે, યુવાનો અને વડીલોમાં ધર્મ પ્રત્યે વધુ જાગૃતતાનો સંચાર થઈ રહ્યો હોવાનું સ્થાનિક દ્વારા જાણવા મળ્યું હતું. આ સ્વામિનારાયણના મંદિર ખાતે વિવિધ તહેવારોમાં ભજન-કિર્તન તેમજ દર ગુરુવારે સત્સંગ સભાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં નાનાં બાળકોથી લઇ વડીલો પણ ઉત્સાહભેર જોડાઈ જાય છે. તથા મહિનામાં એક શનિવારના રોજ ચાર ગામના ભક્તો ભેગા મળી તેમના દ્વારા મંદિર ખાતે સભા યોજવામાં આવે છે. મંદિરમાં વિવિધ કાર્યક્રમો સાથે શ્રાવણ માસના પ્રથમ દિવસે વાજિંત્રો સાથે મંદિરના મહારાજ (ગુરુઓ)નું સ્વામિનારાયણ મંદિર સુધી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંદિર ખાતે પૂજા-અર્ચના કર્યા બાદ મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિકો સહિત આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં ભાવિભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. ઉપરાંત આ મંદિરથી મુખ્ય રસ્તા ને જોડતો રસ્તો વર્ષોથી બન્યો ન હોવાથી મંદિરના મંડળ તેમજ સ્થાનિકો દ્વારા આ રસ્તા બનાવવાની માંગ રહી છે. ત્યારે ચોમાસા દરમિયાન આ રસ્તો કાદવ-કીચડવાળો થઈ જતા મુખ્ય રસ્તાથી મંદિર સુધી જવામાં લોકોને ખૂબ જ હાલાકી અનુભવાય છે.

ગારાવાડા પુલ ઉપર ચોમાસા દરમિયાન પાણી ફરી વળતા ઊંચો કરવાની માંગ
વાંસદાના ઉપસળ ગામે રાણી ફળિયા અને ઉપસળ ગામને જોડતો ગારાવાડા પુલ દર વર્ષે ચોમાસા દરમિયાન ડુબાણમાં જતાં ગ્રામજનોએ પુલ પરથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બને છે. ઉપસળ ગામના લોકો આ પુલ પરથી પસાર થઈ ખૂબ જ ઓછા સમયમાં વાંસદા સુધી પહોંચી જતા હોય છે, પરંતુ ચોમાસા દરમિયાન ગમે ત્યારે નદીના પાણી વધી જતા પુલ ઉપર પાણી ફરી વળતા આ વિસ્તારના નોકરિયાત, ખેડૂતો તેમજ વિદ્યાર્થીઓએ ખૂબ જ ચકરાવો લઈને વાંસદા સુધી જવા મજબૂર બની રહે છે. તથા પાણીના તેજ પ્રવાહમાં પુલ જર્જરિત થઇ જતાં પુલ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને પણ જીવનું જોખમ રહે છે. સ્થાનિકો દ્વારા આ લો-લેવલ પુલ બાબતે સમસ્યાનો ઉકેલ લાવવા તંત્ર સામે માંગ ઊઠી છે.
હજુ કેટલીક સુવિધાઓની તાતી જરૂરિયાત
ઉપસળ ગામ કુદરતી સૌંદર્ય, નદીઓ અને ડુંગરાળ વિસ્તારથી ઘેરાયેલું હોવા છતાં ગામના વિકાસ માટે હજુ કેટલીક પાયાની સુવિધાઓની જરૂરિયાત જોવા મળે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
મુખ્ય માર્ગ પર સ્ટ્રીટ લાઈટની જરૂર
ઉપસળ ગામ મુખ્ય ધોરી માર્ગથી દૂર આવેલું છે. ગામના મુખ્ય માર્ગની આસપાસ છૂટાછવાયાં મકાનો હોવાથી રાત્રિના સમયે રસ્તા પર અંધકાર છવાઈ જાય છે. ગ્રામજનોની સુરક્ષા અને અવરજવરની સુવિધાને ધ્યાનમાં રાખીને ગામના મુખ્ય માર્ગ પર સ્ટ્રીટ લાઈટની વ્યવસ્થા કરવામાં આવે તો મોડી રાત્રે પણ લોકોને અવરજવર કરવામાં સરળતા રહે તેમ છે. ઉપરાંત હાલ વાંસદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિ દરમિયાન લોકો પર દીપડાઓના હુમલાની ઘટના સામે આવી રહી છે, ત્યારે આવા સમયે જાહેર માર્ગો પર લાઇટની સુવિધાથી અજવાળું રહેતા લોકોને લાભ રહે તેમ છે.

નદીઓમાં પૂર સમયે ગામ સંપર્કવિહોણું બને છે
ઉપસળ ગામ ચોતરફ નદી-નાળાઓથી ઘેરાયેલું હોવાથી ભારે વરસાદ દરમિયાન પૂર જેવી સ્થિતિ સર્જાય ત્યારે ગામનો બહારની દુનિયા સાથેનો સંપર્ક કપાઈ જાય છે. ગામમાં રહેતા લોકો બહાર જઈ શકતા નથી અને બહાર રહેલા લોકો માટે પણ ગામમાં પ્રવેશવું મુશ્કેલ બની જાય છે. આવી પરિસ્થિતિમાં ઓઝર નદી અથવા કાવેરી નદી પર ઊંચો અને મજબૂત પુલ બનાવવામાં આવે તો ચોમાસા દરમિયાન ગામનો સંપર્ક જળવાઈ રહે અને ગ્રામજનોને અવરજવરમાં મોટી રાહત મળી શકે તેમ છે.