માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશીએ એવી સિદ્ધિ હાંસલ કરી છે જે મેળવવાનું મોટામાં મોટા બેટ્સમેનો પણ સપનું જોતા હોય છે. બેટિંગમાં સતત આક્રમક પ્રદર્શન કરનાર આ યુવા ભારતીય પ્રતિભાએ હવે વિશ્વ ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે અંકિત કરી દીધું છે. વૈભવે UAE સામે માત્ર ૨૮ બોલમાં સદી પૂરી કરીને 'લિસ્ટ-એ' (List-A) ક્રિકેટમાં સૌથી ઝડપી સદીનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર-મેકગર્કનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
આ સાથે જ વૈભવ સૂર્યવંશીએ લિસ્ટ-એ (List-A) ક્રિકેટમાં સૌથી ઝડપી બેવડી સદી ફટકારી છે. દોહામાં તેણે માત્ર ૫૨ બોલમાં ૨૦૦ રનનો આંકડો પાર કર્યો અને અંતે ૫૩ બોલમાં ૨૦૪ રન બનાવીને આઉટ થયો. તેની આ ઇનિંગ્સમાં ૭ ચોગ્ગા અને ૨૮ સિક્સ સામેલ હતી.
દોહામાં રમાઈ રહેલા 'ACC મેન્સ એશિયા કપ રાઈઝિંગ સ્ટાર્સ ૨૦૨૬'ની ૧૧મી મેચમાં વૈભવે પોતાની શક્તિશાળી બેટિંગના જોરે UAEના બોલિંગ આક્રમણને ધ્વસ્ત કરી નાખ્યું. તેણે માત્ર ૨૮ બોલમાં પોતાની સદી પૂરી કરી અને પ્રેક્ષકોને ચોગ્ગા અને છગ્ગાની રમઝટ જોવા મળી. આ અદભૂત ઇનિંગ્સને કારણે તે 'લિસ્ટ-એ' ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના જેક ફ્રેઝર-મેકગર્કના નામે હતો, જેમણે સાઉથ ઓસ્ટ્રેલિયા તરફથી રમતા તાસ્માનિયા સામે ૨૯ બોલમાં સદી ફટકારી હતી. વૈભવે તેનાથી એક બોલ ઓછો લઈને આ સિદ્ધિ મેળવી છે.
દિગ્ગજ બેટ્સમેનોને પાછળ છોડ્યા
'લિસ્ટ-એ' ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ ખેલાડી એબી ડી વિલિયર્સ હાલમાં ત્રીજા સ્થાને છે. ભારતના સાકિબુલ ગની ચોથા સ્થાને છે જ્યારે અન્ય એક ભારતીય ક્રિકેટર ઈશાન કિશન પાંચમા ક્રમે છે.
લિસ્ટ-એ (List-A) ક્રિકેટમાં સૌથી ઝડપી સદીઓ:
વૈભવ સૂર્યવંશી – ૨૮ બોલ, UAE સામે
જેક ફ્રેઝર-મેકગર્ક – ૨૯ બોલ, તાસ્માનિયા સામે
એબી ડી વિલિયર્સ – ૩૧ બોલ, વેસ્ટ ઈન્ડિઝ સામે
સાકિબુલ ગની – ૩૨ બોલ, અરુણાચલ પ્રદેશ સામે
ઈશાન કિશન – ૩૩ બોલ, કર્ણાટક સામે
હરપ્રીત ભાટિયાની સદીની મદદથી UAE ૨૪૯ રન સુધી પહોંચ્યું
આ મેચમાં UAEની ટીમે પ્રથમ બેટિંગ કરી અને ભારત 'A' સામે જીતવા માટે ૨૫૦ રનનું લક્ષ્ય રાખ્યું. UAEની શરૂઆત નબળી રહી હતી અને માત્ર ૨૦ રનમાં જ તેમણે બે વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય મૂળના ખેલાડી હરપ્રીત સિંહ ભાટિયા જે ત્રીજા ક્રમે બેટિંગ કરવા આવ્યા હતા, તેમણે ઇનિંગ્સને સંભાળી લીધી. તેમણે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર કાઢી.
હરપ્રીતે ૧૪૪ બોલમાં ૧૩૦ રન બનાવ્યા જેમાં ૧૨ ચોગ્ગા અને ૪ છગ્ગા સામેલ હતા. તેમણે ત્રીજી વિકેટ માટે મોહમ્મદ શહદાદ સાથે ૭૧ રનની અને ચોથી વિકેટ માટે ઈથન ડિસોઝા સાથે ૬૦ રનની ભાગીદારી નોંધાવી. ત્યારબાદ, તેમણે કેપ્ટન બેસિલ હમીદ સાથે મળીને ૬૬ રન જોડ્યા, જેનાથી UAE ૨૪૯ રનના સ્કોર સુધી પહોંચી શક્યું. બેસિલ ૩૬ રન બનાવીને અણનમ રહ્યા. ભારત તરફથી અર્શદ ખાન સૌથી સફળ બોલર રહ્યા, જેમણે ૪૩ રન આપીને ૪ વિકેટ ઝડપી.