બારડોલીના સેજવાડ ગામની સીમમાં મહારાષ્ટ્રના જલગાંવથી મજૂરીકામ માટે આવતા શ્રમિક પરિવારના અપહરણ અને 13 વર્ષીય કિશોરને નહેરમાં ફેંકી દેવાના ચકચારી પ્રકરણમાં અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. ગુમ થયેલા પરિવારના સભ્યોની શોધખોળ દરમિયાન દંપતી અને તેમની 9 વર્ષીય માસૂમ બાળકી સહિત કુલ ત્રણ લોકોના મૃતદેહ અલગ-અલગ વિસ્તારોમાંથી મળી આવતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનામાં આખા પરિવારની ઠંડે કલેજે હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
બારડોલી રૂરલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ અને શોધખોળ દરમિયાન પરિવારના ત્રણ સભ્યના મૃતદેહ મળી આવ્યા છે, જેમાં માતા કવિતાબાઈનો મૃતદેહ મહુવાના શેખપુર ગામ નજીકથી મળી આવ્યો છે, જ્યારે તેમના પતિ નીતિન ઉર્ફે ભુરીયાનો મૃતદેહ મુળદ વિસ્તારમાંથી હાથ લાગ્યો છે. આ ઉપરાંત 9 વર્ષીય બાળકી સ્વીટીનો મૃતદેહ ડુંગરી ગામની સીમમાંથી પસાર થતી નહેરમાંથી મળી આવ્યો છે. ત્રણેય મૃતદેહ અલગ-અલગ સ્થળોએથી મળી આવતાં આરોપીઓએ પુરાવાનો નાશ કરવા અને પોલીસને ગેરમાર્ગે દોરવા માટે સુઆયોજિત કાવતરું રચ્યું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ રહ્યું છે.
આ કરુણ ઘટનામાં હજુ બે બાળકોનો કોઈ પત્તો લાગ્યો નથી. 2 વર્ષીય માસૂમ પ્રથમેશ અને એક આંખે દિવ્યાંગ એવો 16 વર્ષીય કિશોર હરીશ હજી પણ લાપતા છે. બંને બાળકોની ભાળ મેળવવા માટે પોલીસ દ્વારા આસપાસની નહેરો, સીમ વિસ્તારો અને શંકાસ્પદ સ્થળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ નોંધાશે હત્યાનો ગુનો
સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બારડોલી રૂરલ પોલીસ મથકના પી.આઈ. પી.એન.જાડેજા અને તેમની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. પોલીસે ત્રણેય મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ સામે આવશે અને હત્યા અંગેના નક્કર પુરાવા મળ્યા બાદ અગાઉ નોંધાયેલા અપહરણ તથા હત્યાના પ્રયાસના ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવશે.
13 વર્ષીય કરનની હિંમતે ખોલ્યો હતો આખો ભેદ
ઉલ્લેખનીય છે કે, ગત 21 નવેમ્બર, 2026ના રોજ મહારાષ્ટ્રના એરંડોલથી સુરત આવતી વખતે વ્યારા-બારડોલી હાઈવે પર ખંડીયો, આભો, બંટી અને એક અજાણ્યા શખ્સે મળીને આખા પરિવારનું અપહરણ કર્યું હતું. આરોપીઓએ 13 વર્ષીય કરનને સેજવાડ નજીકની નહેરમાં ફેંકી દીધો હતો, પરંતુ કરન તરીને બહાર નીકળી જતાં સમગ્ર ગુનાનો પર્દાફાશ થયો હતો. હાલ પોલીસ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો બનાવીને તપાસ ચલાવી રહી છે.