પાકિસ્તાનના ચાર મુખ્ય પ્રાંતો પંજાબ, સિંધ, ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનના નકશામાં ફેરફાર કરવાની એક યોજનાને લઈને પાકિસ્તાનમાં રાજકીય તોફાન મચી ગયું છે. આ યોજના પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર સાથે જોડાયેલી હોવાનું કહેવાય છે. આ પગલાના વિરોધમાં કરાચીમાં હજારો સિંધીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું હતું કે કોઈપણ સંજોગોમાં સિંધનું વિભાજન સ્વીકારવામાં આવશે નહીં.
પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરનું આ પગલું ઊંધું પડ્યું છે. સિંધના વિભાજન અને નવા પ્રાંતો રચવાના પ્રસ્તાવ સામે તીવ્ર વિરોધ ઉઠ્યો છે. રવિવારે (૨૨ નવેમ્બર) સિંધના હજારો રાષ્ટ્રવાદી કાર્યકરો કરાચીના રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને સરહદોના પુનઃનિર્ધારણ તથા પ્રાંતના વિભાજનની યોજના સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓએ આર્મી ચીફ આસિમ મુનીર અને પંજાબનું વર્ચસ્વ ધરાવતા લશ્કરી તંત્ર પર સિંધની ઓળખ અને પ્રાદેશિક અખંડિતતાને નબળી પાડવાનું ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન એક અલગ 'સિંધુદેશ'ની રચના કરવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી. સહભાગીઓએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે તેઓ સમગ્ર પંજાબ ક્ષેત્ર પર આર્થિક નાકાબંધી લાદી દેશે. વધુમાં રાષ્ટ્રવાદી નેતાઓએ આ મુદ્દે જનમત સંગ્રહ (રેફરન્ડમ) યોજવાના પ્રસ્તાવને પણ ફગાવી દીધો હતો.
કરાચીમાં હજારો લોકોનું સરઘસ
પાકિસ્તાની અખબાર 'પાકિસ્તાન ટુડે'ના અહેવાલ મુજબ આ વિરોધ પ્રદર્શન 'જિયે સિંધ રહબર કમિટી' (JSRC)ના નેજા હેઠળ યોજાયું હતું, જે ચાર સિંધી રાષ્ટ્રવાદી પક્ષોનું ગઠબંધન છે. આ સરઘસનું નેતૃત્વ 'જિયે સિંધ મહાઝ'ના પ્રમુખ રિયાઝ અલી ચાંદિયો, નિયાઝ કલાની અને અન્ય રાષ્ટ્રવાદી નેતાઓએ કર્યું હતું. આ પ્રદર્શનમાં વકીલો અને નાગરિક સમાજના પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો હતો. વિરોધ પ્રદર્શનોને કારણે કરાચીના અનેક રસ્તાઓ કામચલાઉ ધોરણે બંધ કરવા પડ્યા હતા. આ સરઘસ ડ્રિગ રોડથી શરૂ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈને મેટ્રોવિલે ખાતે સંપન્ન થયું હતું. પ્રદર્શનકારીઓએ સિંધની વર્તમાન ભૌગોલિક સીમાઓમાં કોઈપણ પ્રકારના ફેરફારનો સખત વિરોધ કર્યો હતો.
સિંધી રાષ્ટ્રવાદી સંગઠનોનો આરોપ છે કે પાકિસ્તાનનું લશ્કરી તંત્ર સિંધની જમીન, સંસાધનો અને રાજકીય અધિકારો પર પોતાનું નિયંત્રણ વિસ્તારવા માંગે છે. પ્રદર્શનકારીઓનો દાવો છે કે સિંધમાં લાખો એકર ખેતીલાયક જમીન, દરિયાકાંઠાના ટાપુઓ અને તેલ, ગેસ તથા કોલસા જેવા કુદરતી સંસાધનો પર કબજો જમાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
'જેય સિંધ મુત્તહિદા મહાઝ' (JSMM) એ પંજાબ સામે આર્થિક નાકાબંધીની જાહેરાત કરી છે. સંગઠને જણાવ્યું છે કે સિંધના વિભાજન વિરુદ્ધનું તેમનું અભિયાન હવે એક સ્વતંત્ર 'સિંધુદેશ'ની સ્થાપના માટેના આંદોલનમાં પરિવર્તિત થશે. જર્મનીમાં રહેતા આ સંગઠનના અધ્યક્ષ શફી મુહમ્મદ બુરફાતે ભારપૂર્વક કહ્યું કે સિંધની સ્વતંત્રતા એ તેમના આંદોલનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
પાકિસ્તાનમાં નવા પ્રાંતો રચવાની યોજના શું છે?
પાકિસ્તાનમાં નવા પ્રાંતો બનાવવા અંગેની ચર્ચા ત્યારે તેજ બની જ્યારે ગૃહમંત્રી મોહસિન નકવીએ ઈસ્લામાબાદમાં આયોજિત 'પાકિસ્તાન ઈકોનોમિક સમિટ' દરમિયાન નાના વહીવટી પ્રાંતો રચવાનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે આ બાબતે જનમત સંગ્રહ (રેફરેન્ડમ) કરાવવાનું પણ સૂચન કર્યું હતું. પાકિસ્તાનના આયોજન મંત્રી અહસાન ઈકબાલે સંકેત આપ્યો છે કે પ્રાંતોની સંખ્યા હાલના ચારથી વધારીને ૧૨ થી ૧૫ સુધી કરવામાં આવી શકે છે. દરમિયાન સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ૨૨ નવેમ્બરે જણાવ્યું હતું કે જનમત સંગ્રહ અંગેની ચર્ચાઓ ૨૦૨૬ના અંત સુધીમાં કોઈ નક્કર સ્વરૂપ લઈ શકે છે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) આ પ્રસ્તાવનો વિરોધ કરે છે. પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ચેતવણી આપી છે કે સિંધના વિભાજનનો કોઈપણ પ્રયાસ હિંસા અને લોહીયાળ સંઘર્ષ તરફ દોરી શકે છે. PPPને આશંકા છે કે સિંધનું વિભાજન ખાસ કરીને કરાચીનું અલગ થવું તેના રાજકીય પ્રભાવને નબળો પાડી શકે છે. બીજી તરફ 'મુત્તહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાન' (MQM-P) નવા પ્રાંતો રચવાના પ્રસ્તાવનું સમર્થન કરે છે.
વિરોધી જૂથો ૨૯ નવેમ્બરે ફરી સામસામે આવી શકે છે
સિંધના અન્ય ઘણા શહેરોમાં પણ વિરોધ પ્રદર્શનો થયા છે. હૈદરાબાદ, નવાબશાહ, લરકાના અને મેહરમાં લોકોએ પ્રસ્તાવિત વિભાજન વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. 'જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ' (JUI-F) એ પણ કરાચી, સુક્કુર અને જેકોબાબાદ સહિતના અનેક વિસ્તારોમાં દેખાવો કર્યા હતા. હવે ૨૯ નવેમ્બરે કરાચીમાં વધુ એક મોટું રાષ્ટ્રવાદી સરઘસ કાઢવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ દિવસે MQM-P પણ નવા પ્રાંતોના નિર્માણના સમર્થનમાં એક રેલી યોજવાની તૈયારી કરી રહ્યું છે. પરિણામે એક જ દિવસે બંને પક્ષોના રસ્તા પર ઉતરવાની શક્યતાને કારણે સંઘર્ષનું જોખમ વધી ગયું છે. હાલમાં પાકિસ્તાની સરકારે નવા પ્રાંતો માટે સર્વસંમતિ આધારિત કોઈ નકશો જાહેર કર્યો નથી કે પછી બંધારણીય સુધારાનો કોઈ મુસદ્દો પણ રજૂ કર્યો નથી.