હથોડા: કોસંબા મર્કન્ટાઇલ બેન્કની 15 બેઠક માટે યોજાયેલી અને કોસંબા, તરસાડી સહિત માંગરોળ તાલુકામાં બહુગાજેલી ચૂંટણીમાં સોમવારે મોડી સાંજે મત ગણતરીની પ્રક્રિયા પૂરી થયા બાદ આખરે ભાજપની ટીમે ધારણા મુજબ તમામ બેઠકો ઉપર ઝળહળતો વિજય મેળવતાં સામા પક્ષે કોંગ્રેસનાં સૂપડાં સાફ થઈ ગયાં હતાં.
કોસંબા મર્કન્ટાઈલ બેંકની ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં ભારે ગરમાગરમી થયા બાદ સોમવારે થયેલી મતગણતરીની શરૂઆત સવારે દસ વાગે થઈ હતી. જે મોડી સાંજ સુધી ચાલી હતી. આ બેંકની ચૂંટણી પર કોસંબા તરસાડી સહિત માંગરોળ તાલુકાની જનતાની નજર મંડાઇ હતી, જેમાં બેંકના સભાસદ મતદારોએ ફરી એક વખત બેંકનું સુકાન ભાજપના હાથમાં સુપરત કર્યું હતું. અને બેંક બચાવો અભિયાનના નારા સાથે ચૂંટણી લડેલી કોંગ્રેસને મતદારોએ જાકારો આપ્યો હતો. સોમવારે મત ગણતરી ટાંકણે તેમજ જીત મેળવ્યા બાદ ભાજપે રેલી કાઢતાં પોલીસે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.