સ્વિટ્ઝર્લેન્ડના જિનીવા શહેરમાં આજથી 2026ની સેલ્સફોર્સ FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મુકાબલો ચેસના ઇતિહાસમાં ખાસ સ્થાન ધરાવે છે, કારણ કે પ્રથમ વખત 21મી સદીમાં જન્મેલા બે 20 વર્ષીય ખેલાડીઓ વિશ્વ ચેમ્પિયન બનવા માટે એકબીજા સામે ટકરાશે. ભારતના વર્તમાન વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશ અને ઉઝબેકિસ્તાનના પડકારક જાવોખિર સિંદારોવ વચ્ચે આ ઐતિહાસિક સ્પર્ધા યોજાશે. જિનીવા નજીક કોલોન્ય સ્થિત ફોન્ડેશન માર્ટિન બોડમર ખાતે રમાનારી પ્રથમ પ્રથમ ગેમ ભારતીય સમય અનુસાર 24 નવેમ્બર સાંજે 7:30 વાગ્યે શરૂ થશે.
આ સ્પર્ધામાં કુલ 14 ક્લાસિકલ ગેમ રમાશે અને કુલ 25 લાખ અમેરિકન ડોલરનું ઇનામ રાખવામાં આવ્યું છે. દરેક જીત માટે એક પોઇન્ટ અને ડ્રો માટે અડધો પોઇન્ટ આપવામાં આવશે. જે ખેલાડી સૌપ્રથમ 7.5 પોઇન્ટ મેળવશે તે વિશ્વ ચેમ્પિયન બનશે. જો 14 ગેમ બાદ બંને ખેલાડીઓનો સ્કોર 7-7 રહેશે, તો વિજેતા નક્કી કરવા માટે રેપિડ અને બ્લિટ્ઝ ટાઇબ્રેક રમાશે. ભારતના ગુકેશ આ મુકાબલામાં પોતાના વિશ્વ ચેમ્પિયનશિપના ખિતાબને જાળવી રાખવાના ઇરાદા સાથે ઊતરશે. તેમણે ડિસેમ્બર 2024માં ચીનના ડિંગ લિરેનને હરાવીને માત્ર 18 વર્ષની ઉંમરે સૌથી યુવા બિનહરીફ વિશ્વ ચેસ ચેમ્પિયન બનવાનો રેકોર્ડ બનાવ્યો હતો. બીજી તરફ ઉઝબેકિસ્તાનના જાવોખિર સિંદારોવ પણ શાનદાર પ્રદર્શન સાથે આ મુકાબલા સુધી પહોંચ્યા છે. તેમણે 2025માં FIDE વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યારબાદ 2026ની FIDE કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટમાં 14માંથી 10 પોઇન્ટ મેળવીને વિજય મેળવ્યો હતો.
આ મુકાબલામાં બંને ખેલાડીઓ વચ્ચેનો અગાઉનો રેકોર્ડ પણ રસપ્રદ છે. ક્લાસિકલ ચેસમાં સિંદારોવ અત્યાર સુધી ગુકેશ સામે એક પણ મેચ હાર્યા નથી. બંને વચ્ચે રમાયેલી ત્રણ ગેમમાં સિંદારોવે બે જીત મેળવી છે, જ્યારે એક ગેમ ડ્રો રહી છે. તેથી ગુકેશ માટે આ સ્પર્ધા માત્ર ખિતાબ બચાવવાની જ નહીં, પરંતુ પોતાના પ્રતિસ્પર્ધી સામે પ્રથમ ક્લાસિકલ જીત મેળવવાની પણ તક રહેશે. ભારત સહિત દુનિયાભરના ચેસપ્રેમીઓની નજર આ ઐતિહાસિક મુકાબલા પર રહેશે.
2024માં સિંગાપોરમાં ગુકેશ અને ડિંગ લિરેન વચ્ચે યોજાયેલી અગાઉની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મોહરાઓનો રંગ લેસર શો દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો. આ વખતે જિનેવામાં પરંપરાગત સ્વિસ શૈલી અપનાવવામાં આવી. ગુકેશને બે ઘડિયાળમાંથી એક પસંદ કરવા માટે કહેવામાં આવ્યું, જેમાં લાઇટ અને ડાર્ક ચોકલેટના ઘોડા રાખવામાં આવ્યા હતા. તેમણે ડાર્ક ચોકલેટવાળો ઘોડો પસંદ કર્યો, જેના કારણે પ્રથમ ગેમમાં તેમને કાળા મોહરાઓથી રમવું પડશે.
ત્યારબાદ બાકીની 13 ગેમમાં બંને ખેલાડીઓ વારાફરતી મોહરાઓનો રંગ બદલશે. પ્રથમ ત્રણ ગેમ બાદ શુક્રવારે ટૂર્નામેન્ટનો પહેલો આરામનો દિવસ રહેશે. મુકાબલો લેક જિનેવાના કિનારે આવેલી ફોન્ડેશન માર્ટિન બોડમર (લાઇબ્રેરી અને મ્યુઝિયમ) ખાતે રમાશે.