હાલોલ:
સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે દેવ દિવાળીના પાવન પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ડુંગર પર બિરાજમાન જગતજનની મા કાલિકાને છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. માતાજીના દર્શનની સાથે અન્નકૂટ દર્શનનો લ્હાવો મળતાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા માઈભક્તો ભાવવિભોર બન્યા હતા.
વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ
દેવ દિવાળીના પર્વને લઈને ગત મોડી રાતથી જ પાવાગઢ તરફ ભક્તોનો પ્રવાહ શરૂ થયો હતો. મંગળવારે વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શનાર્થે પાવાગઢ પહોંચ્યા હતા. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિરના દ્વાર વહેલી સવારે જ દર્શનાર્થે ખોલી મૂકવામાં આવ્યા હતા.
જય માતાજીના નાદથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું
નિજ મંદિરના દ્વાર ખુલતાં જ મંદિર પરિસરમાં ઉપસ્થિત માઈભક્તોએ જય માતાજીના ગગનભેદી નાદ સાથે વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું. માતાજીની સન્મુખ છપ્પનભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હોવાથી ભક્તોને માતાજીના દર્શન સાથે અન્નકૂટનાં દર્શનનો પણ અનોખો લ્હાવો મળ્યો હતો. ભક્તો શિસ્તબદ્ધ રીતે માતાજીના ચરણોમાં શીશ ઝૂકાવી ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા.
નવરાત્રિ અને પૂનમની જેમ દેવ દિવાળીનું પણ વિશેષ મહત્ત્વ
પાવાગઢ ડુંગર પર બિરાજમાન મા કાલિકાના દર્શનનું આસો અને ચૈત્રી નવરાત્રિની સાતમ-આઠમ તેમજ પૂનમના દિવસે વિશેષ ધાર્મિક મહત્ત્વ રહેલું છે. તેમાં પણ દેવ દિવાળીનો પવિત્ર પર્વ હોવાથી આ દિવસે મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા.
ભક્તોની ભીડને લઈ લોખંડી પોલીસ બંદોબસ્ત
પાવાગઢ ખાતે ભક્તોની ભારે અવરજવર અને ભીડને ધ્યાનમાં રાખીને તળેટીથી લઈને નિજ મંદિર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર વ્યવસ્થા વચ્ચે ભક્તોએ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.