દિવાળી બાદ સુરત ભાજપના નેતાઓ વિરોધના વંટોળમાં ફસાયેલા છે. વોર્ડ નંબર 27ના એક વોટસએપ ગૃપમાં ‘શિવમ બંગ્લોઝ’ નામની સોસાયટીમાં ગેરકાયદે દુકાનો મામલે 19 લાખના કથિત તોડકાંડની ચેટ વાયરલ થતાં ભાજપમાં ખળભળાટ મચ્યો હતો. જો કે આ મામલે શહેર ભાજપ પ્રમુખે આ વિવાદી ચેટના ન્યુઝ પ્રસારીત કરી શહેરીજનો સામે મુકનાર મીડીયાકર્મીઓને નોટીસ પાઠવવાની ધમકી સરેઆમ આપતા વિવાદ વધ્યો હતો જો કે હવે એજ શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે વોર્ડ નં. 27ના કિસાન મોરચાના કાર્યકારી સભ્ય મનીષ નાયકને નોટિસ ફટકારી છે. સોશિયલ મીડિયા પોસ્ટ અને મીડિયા સાથેની વાતચીતથી પક્ષને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવા બદલ 7 દિવસમાં ખુલાસો માંગ્યો છે, અન્યથા શિસ્તભંગના પગલાંની ચેતવણી આપી છે.
19 લાખના તોડકાંડનો વિવાદ ભાજપના કાર્યકરો વચ્ચેના આક્ષેપોથી શરૂ થઈ વાયરલ ચેટ, મીડિયા સમક્ષ ખુલાસા અને શહેર પ્રમુખની નોટિસની ધમકી સુધી પહોંચ્યો છે. કથિત સેટલમેન્ટના આક્ષેપો સામે હકીકત સ્પષ્ટ કરવાને બદલે મીડિયા સામે નોટિસની વાત કર્યા બાદ હવે પક્ષના જ નેતા સામે શિસ્તભંગની કાર્યવાહીનો સંકેત આપવામાં આવ્યો છે. વોર્ડ નં. 27ના કિસાન મોરચાના શહેર કાર્યકારી સભ્ય મનીષ નાયકને પાઠવેલી નોટિસમાં છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વિવિધ પોસ્ટ કરવા ઉપરાંત મીડિયા કર્મીઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરવા અને વોર્ડમાં તેમના વર્તનને કારણે પક્ષને ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. સાત દિવસમાં લેખિત ખુલાસો નહીં આપે તો શિસ્તભંગનાં પગલાં લેવાની ચેતવણી પણ આપવામાં આવી છે. આ વિવાદમાં મનીષ નાયકે શહેર ભાજપ પ્રમુખને આ મુદ્દે ફરિયાદ કરી હોવાનો દાવો કર્યો હતો અને ફરિયાદ સંબંધિત ચેટ પણ વાયરલ કરી હતી. બીજી તરફ, વોર્ડના કોર્પોરેટર ભાઈદાસ પાટીલે ડીંડોલી પોલીસ મથકે અરજી કરી હોવાની બાબત પણ સામે આવી છે. આમ, કથિત તોડકાંડની ચેટ વાયરલ થયા બાદ એક તરફ મીડિયાને નોટિસની ધમકી અપાઈ હતી, તો બીજી તરફ હવે ચેટ વાયરલ કરનાર પક્ષના જ નેતાને નોટિસ ફટકારતાં ભાજપની આંતરિક ખેંચતાણ વધુ ચર્ચામાં આવી છે. કથિત 19 લાખના સેટલમેન્ટના આક્ષેપોની સત્યતા હજી તપાસનો વિષય છે, પરંતુ આ વિવાદમાં જવાબદારી અને હકીકત સ્પષ્ટ કરવાને બદલે નોટિસ અને ધમકીના રાજકારણે પ્રકરણને વધુ ગરમાવ્યું છે.
પ્રોહીબીસનનો ગુનો દાખલ થતા વોર્ડ 12ના મહામંત્રીને પણ નોટીસ
ભાજપના નેતાઓ વચ્ચે આંતરિક ખેંચતાણના વિવાદો વચ્ચે સુરત વોર્ડ નં. 12 ના મહામંત્રી વિજય મોદીના ઘરે પોલીસ દરોડોમાં દારૂનો જથ્થો મળતા ભાજપની શાખને વધુ એક બટ્ટો લાગ્યો છે. આ મુદ્દે પણ શહેર ભાજપ પ્રમુખ દ્વારા વિયજ મોદીને કારણ દર્શક નોટિસ આપવામાં આવી છે. જેમાં પોલીસ દ્વારા પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ થવા અંગે 7 દિવસમાં લેખિત ખુલાસો માંગ્યો છે. સંતોષકારક ખુલાશો નહી મળવા પર પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા ચેતવણી પણ આપવામાં આવી છે