સાગબારા તાલુકાના બેડાપાણી ગામમાં એક અનોખો અને રમૂજી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ગુપ્ત ભઠ્ઠી ચલાવનારને પોતાના જ ઝૂંપડામાં રહેલી ‘લગ્ન કંકોત્રી’ ભારે પડી ગઈ હતી. આ બનાવમાં પોલીસે દારૂ સાથે અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો.
સાગબારા તાલુકામાં દારૂનું દૂષણ કોઈ નવી વાત નથી. પોલીસ કાર્યવાહી તો કરે છે પરંતુ બુટલેગરો સુધરવાનું નામ લેતા નથી. દરમિયાન દારૂની બાતમી મળતા પોલીસ સ્ટાફ અને પંચોએ બેડાપાણી ગામના ખેતરમાં કૂવા પાસે આવેલી ખુલ્લી ઝૂંપડી પર રેડ પાડી હતી. તપાસ દરમિયાન ઝૂંપડીના ખૂણામાં પ્લાસ્ટિકની બે ડોલમાં આશરે ૪૦ લીટર દેશી દારૂ (કિંમત રૂ.૮,૦૦૦) મળી આવ્યો હતો. જાણે દારૂ પોતે જ પોતાની ઓળખ આપવા માંગતો હોય તેમ, ઝૂંપડીના માલિક કોણ છે તે શોધવા પોલીસે નજર દોડાવી તો ઝૂંપડીના થાંભલા સાથે લટકતી ‘લગ્ન કંકોત્રી’ પર નેતાજીભાઈ આમશ્યાભાઈ પાડવીનું નામ ચમકતું દેખાયું!
આટલેથી વાત અટકી નહીં, કારણ કે લગ્નનું આમંત્રણ તો કંકોત્રીમાં હતું, પણ ભઠ્ઠીનું ‘પુરાવા-આમંત્રણ’ ખેતરના છેડે લાગેલા વીજ મીટરમાં પણ લખાયેલું મળ્યું, જ્યાં આ જ નામ નોંધાયેલું હતું. ત્યારબાદ ઝૂંપડીની પશ્ચિમ દિશાના કોતરમાં તપાસ કરતાં ગોળ, મહુડા અને પાણી મિશ્રિત ૪૫૦ લીટર ઠંડો વોશ (કિંમત રૂ.૧૧,૨૫૦) ભરેલા ૧૦ પ્લાસ્ટિકના પીપ મળી આવ્યા હતા.
પોલીસે નિયમ મુજબ ૧૮૦ મિલી દારૂ અને ૧૮૦ મિલી ઠંડા વોશના સેમ્પલ સીલ કર્યાં, જ્યારે બાકીનો ઠંડો વોશ સ્થળ પર જ નાશ કર્યો હતો. સવારના ૮થી ૮:૪૫ વાગ્યા સુધી ચાલેલી આ કાર્યવાહી દરમિયાન આરોપી નેતાજીભાઈ હાજર મળ્યા નહોતા. કુલ રૂ.૧૯,૨૫૦ના મુદ્દામાલ સાથે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.